શું કલ્ચરલ હેરિટેજ એવા સિનેમાની કિંમત આપણે સમજીએ છીએ ખરા?
શો-શરાબા-દિવ્યકાંત પંડ્યા
નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઈન્ડિયા (એનએફએઆઈ)ના સ્થાપક પી. કે. નાયરના ભારતીય સિનેમામાં રહેલા અમૂલ્ય યોગદાનની આપણે આ શ્રેણીમાં વાત કરી રહ્યા હતા. ગયા સપ્તાહે આપણે વાત કરી કે એક મહાન ફિલ્મના લીડ એક્ટરનું પોતાની એ ફિલ્મ પ્રથમ વખત જોવાનું છેક ૧૮ વર્ષે પી. કે. નાયરના કારણે શક્ય બન્યું હતું. ખબર છે એ ફિલ્મ અને એક્ટર વિશે તમને? ચાલો જોઈએ.
આપણે વાત કરી રહ્યા છીએ ક્લાસિક ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ની. ૧૯૬૦ની એ વખતની સૌથી ખર્ચાળ, દસ વર્ષના સમય અને ઝીણવટની જીદ સાથે કે. આસિફે બનાવેલી એ ફિલ્મનું જયારે પ્રીમિયર યોજાયું ત્યારે દિલીપ કુમાર અને કે. આસિફ વચ્ચે નારાજગી ચાલતી હતી. એ કારણસર દિલીપ કુમાર પોતાની જ ફિલ્મના પ્રીમિયરમાં નહોતા ગયા. એક બાજુ ફિલ્મની ખ્યાતિ વધતી ગઈ તો બીજી બાજુ દિલીપ કુમાર ખુદ જ એ ફિલ્મ જોવાથી વંચિત હતા. આખરે ૧૯૭૮માં જયારે તેમને ફિલ્મ જોવાની ઈચ્છા થઈ ત્યારે પી. કે. નાયરે આર્કાઇવમાંથી ‘મુગલ-એ-આઝમ’ એફટીઆઈઆઈ પુણેમાં તેમને બતાવી. એટલું જ નહીં, સાયરાબાનુએ પસંદ કરેલી ૧૫ ક્લાસિક ફિલ્મ્સ પી. કે. નાયરે સતત ૧૫ દિવસ સુધી તેમને બતાવેલી.
એ પછી છેક એંશીના દશકમાં ટીવી પર દૂરદર્શનના કારણે ફિલ્મ્સ પ્રસારિત થવાનું શરૂ થયું અને લોકોને થિયેટર પછી ફરી વખત ફિલ્મ્સ જોવાનું ઠેકાણું મળ્યું. નિર્માતાઓને પણ તેમાં ફાયદો દેખાયો અને આ સિલસિલો ચાલ્યો, નહીં તો ફિલ્મ્સની જ્યુબિલી ઊજવાય ને થિયેટરથી ઊતરે પછી ફિલ્મ ક્યાંય જોવાનું શક્ય નહોતું બનતું. ઓટીટીને તો હજુ સદી બદલાવાની વાર હતી, યુ નો! પણ પી. કે. નાયરે ટીવી અને ઓટીટી પહેલાં ફિલ્મ્સને ખોવાઈ જતા કે ડબ્બામાં બંધ થઈ જતા બચાવી છે, અટકાવી છે. તેમના માટે સિનેમા એટલે કલ્ચરલ હેરિટેજ હતું. એટલે જ જૂની ફિલ્મ્સ સાથે કોઈ છેડા થાય એ પણ એમને પસંદ નહોતું. તેઓ કહેતા કે ઓરીજીનલ ફિલ્મ સાથે કશું ન કરવું જોઈએ. ચાહે એ સાયલન્ટ ફિલ્મમાં સાઉન્ડ હોય, બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મમાં કલર હોય કે પછી ૩૫એમએમ ફ્રેમનું ૭૦એમએમમાં રૂપાંતરણ હોય. ક્લાસિક્સને કલા તરીકે જેમની તેમ સાચવવાની હોય, તેમાંથી બિઝનેસની તકો શોધવાની ન હોય. એવું નથી કે નવી ટેક્નોલોજીથી તેમાં ફેરફાર નહીં કરો ત્યાં સુધી કોઈ એ જોશે જ નહીં.’ આજે બોલીવૂડ ને રિજનલ સિનેમાને વટાવીને પાન ઈન્ડિયાની વાતો થાય છે, જયારે પી. કે. નાયર એ વખતે બધી જ ફિલ્મ્સ દેશની ને એની જાળવણી થવી જ જોઈએ એવું કહીને કામ કર્યે જતા હતા.
જે પ્રભાત ફિલ્મ્સ કંપનીની આપણે અગાઉ વાત કરી કે જ્યાં એફટીઆઈઆઈ શરૂ કરવામાં આવી તેની ફિલ્મ્સ કઈ રીતે પી. કે. નાયર અને આર્કાઇવને મળી એની વાત રસપ્રદ છે. એફટીઆઈઆઈને પ્રભાત ફિલ્મ્સના ડિસ્ટ્રીબ્યુટરે ઓફર આપી કે તમે જગ્યા સાથે ફિલ્મ્સ પણ ખરીદી લો. આ નિર્ણય એ વખતે તેમની ઓથોરિટીમાં આવતો ન હોવાથી એફટીઆઈઆઈએ ના પાડી એટલે પેલા ડિસ્ટ્રીબ્યુટરે બધો જ સમાન ખાલી કરીને ડેક્કન જિમખાના સ્થિત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના લોકર્સમાં રાખ્યો. પણ દુર્ભાગ્યે જુલાઈ ૧૯૬૧માં ત્યાં ડેમ દુર્ઘટનામાં પાણી ભરાઈ ગયું ને કેટલીય ફિલ્મ્સ નાશ પામી. એટલે મજબૂરીમાં ડિસ્ટ્રીબ્યુટરે ચેન્નાઈના કોઈ મુદલિયરને બચી એ ફિલ્મ્સ વેચી નાખી. મુદલિયરે સંત સિરીઝની સફળ ફિલ્મ્સ ડબ કરીને વેચવાનું શરૂ કર્યું પણ તેમાં તેને ખાસ કશું ન મળ્યું એટલે એનએફએઆઈએ તેની સાથે ડીલ કરવાની કોશિશ કરી પણ તે આસાનીથી માને તેમ નહોતો. મહાપ્રયત્ને ૪૩ ફિલ્મ્સની ડીલ તેની સાથે થઈ અને ચેન્નાઈમાં જ ફિલ્મ્સ કોપી કરવાનું કામ પી. કે. નાયરે શરૂ કરાવ્યું. ત્યાં જ પ્રભાત ફિલ્મ્સનો માલિક આનંદરાવ દામલે ત્યાં આવ્યો ને તેણે મુદલિયર સાથે વ્યવસ્થિત કોન્ટ્રાકટ કર્યો ને બધી જ ફિલ્મ્સ પુણે શિફ્ટ કરાવી. જોગાનુજોગે ફિલ્મ્સ કોપી થવા પ્રભાત ફિલ્મ્સ કંપની કે જે હવે એફટીઆઈઆઈ હતી ત્યાં જ પાછી ફરી!
પી. કે. નાયરે ફક્ત ભારતમાં જ નહીં પણ ઈટલી, લંડન, બેલ્જીયમ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, ડેન્માર્ક, સ્વીડન, જેવા દેશોમાંથી પણ ભારતીય ફિલ્મ્સ શોધી કાઢી છે. આ ઉપરાંત વિદેશી ફિલ્મ્સની કોપીઝ મેળવીને નવી પેઢીને વર્લ્ડ સિનેમાનો પણ અભ્યાસ કરાવ્યો છે. હા, ફક્ત ફિલ્મ્સ સાચવવી જ તેમનું પેશન નહોતું. અમૂલ્ય અને મહત્ત્વની ફિલ્મ્સ કબાટમાં સંઘરી રાખવા માટે તેમણે રઝળપાટ નહોતી કરી, તેમને બીજાને ફિલ્મ્સ બતાવવાનો પણ એટલો જ શોખ હતો. પબ્લિક, ઈન્ડસ્ટ્રીના લોકો કે પછી એફટીઆઈઆઈના વિદ્યાર્થીઓ માટે સ્ક્રિનિંગ્સ રાખી તેમણે હંમેશાં આર્કાઈવના કબાટ ખુલ્લા રાખ્યા છે. એ કબાટોમાં આવેલી દરેક મજાની ફિલ્મ પાછળ એટલા જ મજાના કિસ્સાઓ છે.
દશકો પહેલાની ફિલ્મ્સ શોધવી સહેલું કામ નહોતું. સમય સાથે પેઢીઓ પણ તો બદલાઈ ગઈ હતી. અમુક નિર્માતાના વંશજો ખુશીથી ફિલ્મ્સ આપતા હતા તો અમુક જગ્યાએ મોં પર દરવાજા બંધ કરી દીધાના કિસ્સાઓ પણ બનતા. મહાન ફિલ્મમેકર્સના સંતાનો સાથે કડવા કે હાસ્યાસ્પદ અનુભવો પણ પી. કે. નાયરને થયા હતા. તેમને જવાબ મળતો કે ‘એ ફિલ્મનું નામ પણ આ ઘરમાં નથી લેવાતું. અમારા પિતાજીએ પૈસા, સંપત્તિ બધું જ એ ફિલ્મ પાછળ ડુબાડી દીધું, આજ સુધી અમે એમાંથી બહાર નથી નીકળી શક્યા.’ એક વખત એક કિરાણાના દુકાનદારે પી. કે. નાયરને કહ્યું હતું કે તેની પાસે એક બોક્સમાં ઘણી ફિલ્મ છે, બદલામાં કેટલા પૈસા મળશે? પી. કે. નાયરે કહ્યું કે ફિલ્મની સંખ્યા અને હાલત જોઈને જ એ તો નક્કી કરી શકાય. પણ કેટલુંય કહેવા છતાં દુકાનદાર પૈસા જાણ્યા સિવાય બોક્સ બતાવવા માટે તૈયાર ન થયો તે ન જ થયો. પછી તેના દીકરાએ બાજુમાં લઈ જઈને પી. કે. નાયરને કહ્યું કે તેમને મનાવવા મુશ્કેલ છે. પણ તમે ચિંતા ન કરો, આ બોક્સ ફિલ્મ આર્કાઈવમાં જરૂર પહોંચશે. થોડા વર્ષો બાદ જયારે તે દુકાનદાર મૃત્યુ પામ્યો ત્યારે તેના દીકરાએ એ બોક્સ આર્કાઈવમાં સામે ચાલીને જમા કરાવ્યું. પણ ત્યાં સુધીમાં રીલ્સને ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. છતાં તેમાંથી બાબુરાવ પેઈન્ટર દિગ્દર્શિત અને મહારાષ્ટ્ર ફિલ્મ કંપની નિર્મિત ‘સતી સાવિત્રી’ (૧૯૨૭) અને ‘મુરલીવાલા’ (૧૯૨૭) સારી સ્થિતિમાં મેળવી શકવામાં પી. કે. નાયર સફળ થયા હતા.
ખોવાયેલા સિનેમાને શોધવા પાછળ ઘસાયેલા આ હીરા પર બનેલી દસ્તાવેજી ફિલ્મ ‘સેલ્યુલોઇડ મેન’ (૨૦૧૩) પણ ખોવાઈ ગઈ હતી એ જાણો છો તમે? વિયેનાના ઓસ્ટ્રીયન ફિલ્મ મ્યુઝિયમથી ફેડેક્સ કુરિયરમાં મોકલાયેલી ફિલ્મ ત્રણ અઠવાડિયા સુધી ખોવાયેલી રહી અને અંતે પી. કે. નાયરના શિષ્ય અને આ ફિલ્મના દિગ્દર્શક શિવેન્દ્ર ડુંગરપુરની જહેમતથી ફિલ્મ પાછી મળી ખરી!
પી. કે. નાયરે તેમના જીવનકાળ દરમિયાન ૮૦૦૦ ભારતીય અને ૪૦૦૦ વિદેશી એમ કુલ ૧૨૦૦૦ ફિલ્મ્સ કલેક્ટ કરીને આર્કાઈવમાં સામેલ કરી છે. નિવૃત્તિ પછી પણ તેઓ એનએફએઆઈ અને એફટીઆઈઆઈથી નજીકના સ્થળે જ રહ્યા અને ૪ માર્ચ ૨૦૧૬ના દિવસે જયારે ૮૨ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું એ વખતે પણ તેઓ એક ફિલ્મ રિસ્ટોરેશન વર્કશોપનો હિસ્સો હતા. ફિલ્મી સ્ટાઈલમાં કહીએ તો જબ તક હૈ જાન, સિનેમા કે નામ! ઉ
લાસ્ટ શોટ
૧૯૨૨ની કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત સાયલન્ટ ફિલ્મ ‘સુક્ધયા સાવિત્રી’ પી. કે. નાયરે થાઈલેન્ડ આર્કાઈવની મદદથી બેંગકોકના એક થિયેટર પાસેથી મેળવી હતી!