Homeલાડકીમુંબઈ સમાચાર ના મુશાયરામાં વાચકો થયા ગઝલબોળ

મુંબઈ સમાચાર ના મુશાયરામાં વાચકો થયા ગઝલબોળ

ગુજરાતી ગઝલગગનના સપ્તર્ષિ શાયરગણના સાત સ્મરણ મુશાયરાનું દ્વિતીય ચરણ ઘાટકોપરના ઝવેરબહેન સભાગૃહમાં હકડેઠઠ મેદની વચ્ચે થયું સંપન્ન

‘સારથિ’શોભિત દેસાઈ -ભરત વિંઝુડા -હર્ષવી પટેલ -ગૌરાંગ ઠાકર -ભાવેશ ભટ્ટ

મુંબઈ સમાચારની સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ આપનાર વિધાનસભ્ય પરાગ શાહ અને પ્રકાશ કામદાર
——–
સાત સ્મરણ મુશાયરાના પ્રથમ ચરણ ભારતીય વિદ્યાભવન અને દ્વિતીય ચરણ ઘાટકોપર ખાતે સફળ રીતે પાર પડ્યા બાદ તૃતીય ચરણની ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. ગઝલોન્મુખ થવા માટે વાચકો તૈયાર છોને! જોતા રહો
———-
મુંબઈ સમાચાર તેનું દ્વિશતાબ્દી વર્ષ ઊજવી રહ્યું છે અને છેલ્લાં અનેક વર્ષથી ગુજરાતી ભાષાને ધબકતી રાખવા માટે આ અખબારે હંમેશાં ગતિશીલ રહ્યું છે. જૂની ખાનદાની ને આજની તારીખમાં પણ સાદ્યંત જાગ્રત કરતાં ૨૦૦ વર્ષ જૂના મુંબઈ સમાચાર તરફથી ૨૫મી જાન્યુઆરીએ યોજાયેલા ભવ્યાતિભવ્ય મુશાયરાની શરૂઆત રાષ્ટ્રગીતથી થઇ હતી. એમઆઈસીએલ (પરાગ શાહ) તેમ જ પ્રકાશ કામદાર એસ્ટેટ ક્ધસલ્ટન્ટ (પ્રકાશ કામદાર)ના સહકારથી મુંબઈ સમાચાર દ્વારા આ ભવ્યાતિભવ્ય મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુંબઈ સમાચાર જેમ પોતાનું દ્વિશતાબ્દી વર્ષ ઊજવી રહ્યું છે એ નિમિત્તે આયોજિત સપ્તર્ષિ મુશાયરામાં એક એક શાયરને યાદ કરવાનો ઉપક્રમ રાખવામાં આવ્યો છે. જોકે વિશેષ રીતે સપ્તર્ષિ મુશાયરામાં હાલમાં બે શાયરની શતાબ્દી ઊજવવામાં આવી રહી છે, શૂન્ય પાલનપુરી (૧૦૦ વર્ષ પૂરાં થયાં) અને બરકત વિરાણી ‘બેફામ’ (૧૦૦મું વર્ષ ચાલી રહ્યું છે). શૂન્ય પાલનપુરી, અમૃત ઘાયલ, મરીઝ સાહેબ, બરકત વિરાણી ‘બેફામ’, સૈફ પાલનપુરી, ગની દહીંવાલા અને આદિલ મન્સૂરી એ ગુજરાતી ગઝલના પાયાના ૭ શાયરો કહેવાય. ગુજરાતી ગઝલની ધરોહર એવા શૂન્ય પાલનપુરી અને બરકત વિરાણી ‘બેફામ’ની રચનાનો લ્હાવો ઘાટકોપરવાસીઓને માણવા મળ્યો હતો.
સાતેય શાયરોને સ્મરવા અને મુશાયરાને સફળ બનાવવા માટે સાવરકુંડલાથી ભરત વિંઝુડા, અમદાવાદથી ભાવેશ ભટ્ટ, સુરતથી ગૌરાંગ ઠાકર અને બિલિમોરાતી હર્ષવી પટેલે પોતાની આગવી શૈલીથી રચનાઓ કરીને ઘાટકોપરવાસીઓને ગઝલબોળ કરી મૂક્યા હતા. સાત સ્મરણ મુશાયરામાં ચાર ચાંદ લગાવનાર અને કાર્યક્રમના સારથિ એવા શોભિત દેસાઈએ તો ૨૫મી જાન્યુઆરીની એ સાંજનો માહોલ જ રંગીન બનાવી દીધો હતો.
ઘાટકોપરવાસીઓનું સ્વાગત કર્યા બાદ શોભિતભાઈએ કહ્યું હતું કે શાયરો કે કવિઓનો જો કોઇ પ્રાણવાયુ હોય તો એ છે તેમના પ્રેક્ષકો. સૌપ્રથમ ઘાયલસાહેબને યાદ કરતાં તેમની એક રચના કહીને શમા બાંધી દીધો હતો.
સખાતે બેસહારાની સહારા દોડતા આવ્યા,
ને જિગરથી ઝંપલાવ્યું તો કિનારા દોડતા આવ્યા,
વ્યવસ્થા એમના માટે ભલા શું હોય કરવાની,
હતા એવા મહેમાન કે ઉતારા દોડતા આવ્યા.
સ્વાગત પ્રવચન કરતાં શોભિતભાઈએ આગળ જણાવ્યું હતું કે મધ્ય મુંબઈમાં જો કોઇ ગુજરાત કનેક્શન હોય તો એ ઘાટકોપર છે અને મુલુંડ પણ ખરું. આ બંને પરાં ગુજરાતી ભાષાના ગઢ કહેવાય. અનેક વર્ષોથી ‘મુંબઈ સમાચાર’ ખૂબ જ સુંદર કામગીરી કરી રહ્યું છે અને આ એની ખાનદાની છે કે દરેક કાર્યક્રમ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરે છે. ગુજરાતી પ્રજાને ગઝલોન્મુખ કરવાનું બીડું ઝડપ્યું છે મુંબઈ સમાચારે. ભાષાની દરકાર આપણે કરવાની હોય અને મુંબઈ સમાચાર કરે છે એનો ગર્વ છે અને ગૌરવ પણ છે. છેલ્લાં અનેક વર્ષોથી ‘રોમેરોમ ગુજરાતી ભાષા અભિયાન’ હેઠળ ‘મુંબઈ સમાચાર’ જે પણ કાર્ય કરી રહ્યું છે તેનું એકમાત્ર શ્રેય અખબારના તંત્રી નીલેશભાઈને આપતાં શોભિતભાઈ કહ્યું હતું કે પારકી છઠ્ઠીના જાગતલનો રોલ નીલેશભાઈ કરે છે અને સચેત રાખવાનું કાર્ય તેઓ કરી રહ્યા છે.
પ્રેક્ષકોમાં હાજર સ્પોન્સરર પ્રકાશ કામદારનો પરિચય આપતાં શોભિતભાઈએ કહ્યું હતું કે આપણા પ્રકાશભાઈ પણ ઓછા નથી. આપણા હૃદયનો મોટો ભાગ પચાવીને તેઓ બેસી ગયા છે. પોતે પણ ગઝલ લખે છે. એમની એક રચના…
ભીતર ભડકા બળ્યા છે
ઉપરથી સઘળું પીસ લાગે છે
મને આખું જગત સેફ્ટી મેચીસ લાગે છે!
ખરેખર તો જન્મેલા બાળકનું જતન જેમ આયા કરે છે એમ આ બે જણે આજના કાર્યક્રમનું જતન કર્યું છે. મુશાયરાનો દોર શરૂ થતાં જ સભાગૃહમાં જાણે કવિઓની રચના સાંભળતાં સમયે પિન ડ્રોપ સાઈલન્ટ અને બાદમાં તાળીઓનો ગડગડાટ. સારથિએ મુશાયરાનો દોર શરૂ કરતાં પહેલાં વડા પ્રધાન અને ફરી એક વાર ‘મુંબઈ સમાચાર’ની એક સુંદર કામગીરી માટે યાદ કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિવસમાં દરેક લોકો ૧૫, ૨૦ કે ૫૦ વાર યાદ કરતા હશે. એ નમો પણ મું.સ.નાં ૨૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે અહીં આવ્યા હતા. એમણે એ સમયે કહ્યું હતું કે મું.સ.ની ડોક્યુમેન્ટરી બનવી જોઇએ. બસ પછી જરૂર શું છે કહેવાની. તંત્રી નીલેશભાઈએ કામગીરી શરૂ કરી અને હજી પણ તેઓ આ કામમાં રોપાયેલા છે. જોકે વાચકો માટે સસ્પેન્સ નથી રાખવું કે ૨૦૧ વર્ષની પૂર્ણાહુતિએ ગૃહપ્રધાન અમિત શાહ ઓપનિંગ કરવા આવવાના છે.
હા, તો હવે મુશાયરા તરફ વળીએ તો, સાડાપાંચસો વર્ષ પહેલાં નરસિંહ મહેતા થઇ ગયા જેટલા કવિઓએ કવિતા લખી એમાંની અત્યાર સુધીની શ્રેષ્ઠ અને કમાલ (પોત્તાની)ની પંક્તિને રજૂ કરતાં શોભિતભાઈ કહ્યું હતું કે,
ચંદ્ર ઉપર પ્રથમ પગ મૂકનારી કોઇ પણ પ્રજા હશે
પણ ચંદ્રનો પ્રથમ દુકાનદાર ગુજરાતી તો હશે
મુશાયરાનો દોર આગળ ધપાવતાં તેમણે શૂન્ય પાલનપુરી વિશે વાત કરીએ તો તેઓ બલૂચિસ્તાનથી પાલનપુર અને ત્યાંથી મુંબઈ સેટલ થયા. એ સમયથી તેમમે ગુજરાતી ભાષાને ચરણે ધરી છે. વિશેષ ઉલ્લેખ કરીએ તો તેઓ મું.સ.ના કર્મચારી અને કર્તાહર્તા પણ હતા. આ ઉપરાંત જો તેમણે સૌથી ઉત્તમ કામ કર્યું હોય તો ઉમર ખય્યામની ફારસી રુબાઈયોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. જો ખય્યામસાહેબ જીવતા હોત તો પોતાની રુબાઈઓ જે ગુજરાતી અનુવાદ થઇ છે તેને મૌલિક કૃતિ ગણીને દાદ આપવાથી રોકી ન શક્યા હોત.
તેમની એક પંક્તિ…
જો સૂરા પીવી જ હો
તો શાનની સાથે પીવો
કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીવો
ખૂબ પી, ચકચુર થઇ, જગનો તમાશો ના બનો
કમ પીઓ, છાની પીવો, પણ ભાનની સાથે પીવો
પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે,
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે,
સુરાને ખબર છે પિછાણે છે પ્યાલી, અરે, ખુદ અતીથી ઘટા ઓળખે છે,
અજાણ્યા થવાનો ન કર ડોળ સાકી, મને તારું સૌ મયકદા ઓળખે છે.
આ શેર તેમણે પત્નીઓ સાથે જે બાબતે હંમેશાં ચણભડ થતી હોય એ અંગે વાત કરતાં કહ્યું હતું કે દરેક પુરુષે દીવાનખંડમાં આવું બોર્ડ લગાવવું જોઇએ, એટલે પત્નીઓ રોજ વાંચે અને વંચાવે, પણ પેલો પુરુષ તો ઉપરવટ થઇને એનું સેવન તો કરશે જ.
ગુજરાતના અનેક ઠેકાણેથી જે કવિઓ મુંબઈ સમાચારના મુશાયરામાં શોભા વધારવા આવ્યા હતા એમાંથી સૌપ્રથમ હર્ષવી પટેલની રચનાઓ સાથે કાર્યક્રમનો દમામ આગળ વધ્યો હતો. પોતાની આગવી શૈલીમાં હર્ષવીએ રચનાઓ સંભળાવીને પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં.
તારા સવાલના ન જવાબો મળે અહીં
આ હર્ષવીની આંખ છે, ઉત્તરવહી નથી
ગણવા નહીં, ગણગણવા નીકળ્યા
વગર દફ્તરે ભણવા નીકળ્યા
એક તો ન ઊંઘ આવી, રાતના ટુકડા થયા
ને ઉપરથી સ્વપ્નની સોગાતના ટુકડા થયા
ને બે જણ બહુ પ્રેમ કરતાં હતાં, ને કરતાં રહ્યાં
ધીમે ધીમે લોકની પંચાતના ટુકડા થયા
મિત્રો દ્વારા કરવામાં આવેલી ફરમાઈશથી હર્ષવીએ ‘ફરક કરી શકો નહીં’ રચના પાછળ તો લોકોએ ખૂબ દાદ આપી હતી.
અઠંગ આંખ હોય પણ ફરક કરી શકો નહીં
મને મળ્યા પછી તમે, તમે રહી શકો નહીં,
શરત ગણો છે શરત ને મમત કહો તો હા મમત
તમે, તમે ન હોવ તો મને મળી શકો નહીં
પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી પરત ફરી શકો નહીં,
જો થઇ શકે લગાવ તો સ્વભાવ થઇ જઇશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં,
તરણ કળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં,
પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં,
અઠંગ આંખ હોય પણ ફરક કરી શકો નહીં
મને મળ્યા પછી તમે, તમે રહી શકો નહીં,
ત્યાર બાદ એક ગઝલ…
ધાર્યા કરતાં સાવ અલગ છે
આવ્યો પણ બદલાવ અલગ છે
તેં લીધો એ દાવ અલગ છે
અમે ગણ્યા એ ઘાવ અલગ છે
ડેથને કેવી રીતે ઈરેઝ કરી શકાય એના પર પ્રવીણ શાકીરનો એક શેર યાદ કરીને શોભિતભાઈએ કાર્યક્રમમાં આવેલા અન્ય મીતભાષી, અલ્પ પ્રસિદ્ધ અને છાની રીતે ગઝલનું કામ કરનારા શાયર ભરત વીંઝુડાની ઓળખ કરીને તેમને રચના કરવા માટે આમંત્ર્યા હતા.
એમનો એક શેર…
જાણીતાને ઓળખી લીધા પછી
મેં અજાણ્યાને બહુ જાણ્યા નહીં.
અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલીબને મારા શેર નથી વાંચવા મળ્યા
ગઝલ
ના ગમે તો વાત સાંભળવી નથી
કાન એ કોઇની થૂંકદાની નથી
અણગમો આવે તો તોડી નાખીએ
શબ્દની કંઇ જાત ઈન્સાની નથી….
મુક્તક
સાવ બેઠો છું, કોઇ કામ નથી
આવ બેઠો છું, કોઇ કામ નથી
ગૂંચવાયેલી લટને સુલઝાવું
લાવ બેઠો છું, કોઇ કામ નથી…
આવી અનેક રચનાઓથી ભરતભાઈએ જાણે પ્રેક્ષકોને કહી જ દીધું કે તમે બેઠક છોડીને ગયા તો ઘણું ગુમાવી બેસશો.
ભરતભાઈની રચનાઓને સાંભળીને ખરેખર ખામખા હૈદરાબાદી યાદ આવી ગયા, એવું કહીને શોભિતભાઈએ કહ્યું હતું કે જો પત્ની સાથે બહાર જમવાનો કાર્યક્રમ બનાવ્યો હોય અને જો કોઇ કારણસર તમે મોડા પહોંચો અને અચાનક જ ઘરના દરવાજા પાસે પહોંચ્યા બાદ તમને યાદ આવે તો તમને રણચંડીનું સ્વરૂપ ચોક્કસ યાદ આવી જાય. પ્રસન્ન દામ્પત્યજીવન વધુ પ્રસન્ન થઇ જાય. પતિએ એ સમયે અચૂક જ બોલવું…
ન જાને કયા હાલ યે ચેહરે કા બના રખા હૈ
ન કોઇ મેકઅપ હૈ, ન બાલોં કો સજા રખા હૈ
ખામખા છેડતીરહતી હૈ ગાલોં કો,
તુમને ઝુલ્ફોં કો બહોત સર પે ચડા રખા હૈ…
શૂન્યભાઈનો પહેલો દોર લગભગ એક કલાક ચાલ્યો. શૂન્યભાઈને ટીબી થયો એ વખતે એમણે એક શેર લખેલો…
હર દમ લથડતા શ્ર્વાસ વધુ ચાલશે નહીં,
આ પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહીં,
લાગે છે શૂન્ય, મૌનની સરહદ નજીક છે,
વાણીનો આ વિલાસ વધુ ચાલશે નહીં.
આટલું બોલીને શોભિતભાઈ ગૌરાંગભાઈ ઠાકરને આમંત્ર્યા હતા.
મને એ જ જીદ છે કે, મને તું જ તું ખરીદે
હું બજારમાં ઊભો રહી, મને સાચવી રહ્યો છું
કોઇ વેળા લકીર લાગે છે
જેને વૈભવ મળે છે અંદરથી
બહારથી એ ફકિર લાગે છે
લો દીવાની આબરૂ જળવાઇ ગઇ
દ્વાર પર આવી હવા ફંટાઇ ગઇ…
ચોથા શાયર ભાવેશ ભટ્ટને આમંત્રિત કરતાં પહેલં શોભિતભાઈએ ફરી એક વાર શૂન્યભાઈને યાદ કર્યા…
જીવનમાં આમ જોકે પ્રલોભનો અનેક છે
જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.
પાંપણ ઝૂકી રહી છે એ શરણાગતિ નથી
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે,
એ ઔર વાત છે, નથી મોહ નામનો
બાકી તમારો શૂન્ય તો લાખોમાં એક છે….
ભાવેશ ભટ્ટે અનેક રચનાઓ કરી એમાં તેમની આ રચના સાંભળીને તો પ્રેક્ષકો પોતાને વાહ વાહ કરવાથી રોકી ન શક્યા.
આંસુ કોઇના અવગણીને શું કરી લીધું
તેં સાઈકોલોજી ભણીને શું કરી લીધું
બાકીની રાતોને વિતાવીશ કઇ રીતે
એક રાતમાં તારા ગણીને શું કરી લીધું
ધબકતા, શ્ર્વાસ લેતા પૂતળા જોવાની આદત છે
પાછા એક બે નહીં, કાફલા જોવાની આદત છે
અહીં પંખી ઉડાડો તો કોઇ જોતું નથી એનેે
અહીં સૌને ઊડતા છાપરાં જોવાની આદત છે
અંદાજે દોઢ કલાક સુધી પહેલો દોર ચાલ્યો અને મધ્યાંતર બાદ ગુજરાતીના બહુ જ સમર્થ ગઝલકાર બરકત વિરાણી – બેફામનો દોર શરૂ થયો. ગુજરાતીમાં સૌથી સફળ ગીતકાર તરીકે જો કોઇનું નામ લેવું હોય તો બેફામનું આવે.
નજરના જામ છલકાવી…, નયને નય મળે જ્યાં છાનાં…, ઝટ જાવો ચંદન હાર લાવો…, એકલા આવ્યા રે મનવા…, નયનને બંધ રાખીને મેં જ્યારે…
મુશાયરાના પહેલા દોરમાં ગઝલબોળ થયેલા પ્રેક્ષકોને વધુ ઉમંગથી ભરી દેતાં શોભિતભાઈ જણાવે છે…
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
જે સારા હોય છે એની દશા સારી નથી હોતી
ગુજરાતીઓમાં સૂઝ ઘણી હોય છે એ ગઝલના શોખીન ફાઈનાન્સ બ્રોકિંગનો વેપાર કરતા મહેન્દ્ર દલાલને યાદ કરતા શોભિતભાઈ કહે છે કે મહેન્દ્રભાઈએ આ શેરમાં આવતા ‘સારા’ને બદલે ‘તારા’ શબ્દ મૂકવાનું સૂચન કર્યું હતું.
ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી
જગતમાં સર્વને કહેતા ફરો નહીં કે દુઆ કરજો
ઘણાય એવાય છે જેની દુઆ સારી નથી હોતી
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં બેફામ કોઇ પણ જગ્યા સારી નથી હોતી
બેફામ મોતની વાત કરે, કબરની વાત કરે, કફનની વાત કરે. ગઝલનો છેલ્લો શેર, મક્તા અને જિંદગીનો છેલ્લો અવસર. બરકતભાઈ હંમેશાં સુંદર ટ્યુનિંગ કરતા…
બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું
નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી
મુંબઈ સમાચાર આયોજિત મુશાયરાના રંગમાં રંગાયેલા પ્રેક્ષકોને જેમ સમય ઓછો પડ્યો હતો, એવી રીતે કદાચ આ કોલમમાં સ્થાન આપવામાં ઘણી કંજૂસાઈ કરવી પડે એમ છે. તેમ છતાં શોભિતભાઈએ બરકતભાઈને ટ્રિબ્યુટ આપતી ગઝલને માણીએ.
ન થઇ હો, પણ ઊભી હો, એ સજા સારી નથી હોતી
નિરર્થક એવી મુક્તિની મજા, સારી નથી હોતી
કરી દાવા અને આપી પુરાવા સ્વાવલંબનના
હંમેશા માગતી રહેતી પ્રજા સારી નથી હોતી
પરોણાગત મળે નિર્મોહી, મીઠો આવકારો હો
વધુ પડતી એ ઘરમાં આવ-જા સારી નથી હોતી
બે કલાક ને વીસ મિનિટ ચાલેલા મુશાયરો જ્યારે પૂરો થયો ત્યારે ગઝલમય બનેલા ઘાટકોપરવાસીઓએ હવે પછી ‘મુંબઈ સમાચાર’નો ત્રીજો ક્યારે અને કયા ઠેકાણે છે તેની પૂછપરછ કરી હતી. જોકે વાચકોને જણાવી દઇએ કે નજીકના સમયમાં જ અમે ફરી તમારી સમક્ષ પ્રગટ થઇશું આ જ સપ્તર્ષિ શાયરગણના સાત સ્મરણ મુશાયરા સાથે, પણ એના માટે તમારે થોડી ઈંતેજારી તો રાખવી જ પડશે હોં.
———–
મુંબઈ સમાચાર આયોજિત ‘લખો નિબંધ, જીતો ઈનામ’ સ્પર્ધાના વિજેતાઓ

નિબંધર્સ્ધાના નિર્ણાયક

મુશાયરા દરમિયાન જ ‘મુંબઈ સમાચાર’ દ્વારા આયોજિત અને જે.વી.એમ. ટ્રસ્ટ (જિતુભાઈ મહેતા)ના સહયોગથી નિબંધસ્પર્ધામાં જે વિજેતાઓને બિરદાવવા અને તેઓને પુરસ્કાર આપવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. નિબંધસ્પર્ધામાં સુરતથી ખાસ જગદીશ પ્રજાપતિ આવ્યા હતા. ૨૫૦થી પણ વધુ નાટકો જેમણે લખ્યા છે એવા પ્રવીણ સોલંકીએ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને નિબંધોના નિર્ણાયક માટેની નિષ્પક્ષ ભૂમિકા ભજવી હતી.નિબંધો તો ઢગલાબંધ આવ્યા હતા અને એમાંથી અમુક જ જણ પર પસંદગી ઉતારવાની કામગીરી પ્રવીણભાઈએ સુપેરે પાર પાડી હતી. નિબંધસ્પર્ધાના વિજેતાઓને પ્રવીણ પારેખ, સત્યેન ખત્રી અને હરેશ અવલાણીના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
મુંબઈ સમાચાર દ્વારા આયોજિત નિબંધસ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા હતા, જેમાંથી ૨૮ સ્પર્ધક વિજેતા બન્યા હતા. મુશાયારના કાર્યક્રમ દરમિયાન હાજર રહેલાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા અને બાકીના વિજેતાઓને તેમના પુરસ્કાર ઘરે પહોંચતા કરી દેવામાં આવ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -