Homeધર્મતેજમાનવજીવનનો ઉદ્દેશ હોય છે કે ઈશ્વર નજદીક જવું અને એ ફક્ત આત્માના...

માનવજીવનનો ઉદ્દેશ હોય છે કે ઈશ્વર નજદીક જવું અને એ ફક્ત આત્માના વિકાસથી જ સંભવ છે

શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: માતા પાર્વતીના વરદાનથી શક્તિશાળી બનેલી દારૂકા ફતવો કાઢે છે કે, ‘મને આળસુ લોકોથી નફરત છે અને તેમાં પણ ભગવાનના નામ પર કંઈ નહીં કરી સમય વિતાવનારાઓને અહીં લઈ આવો, તેમની પાસે પરિશ્રમ કરાવીશ અને અહીં એક વિશાળ નગર બનાવવું છે. જાઓ પૃથ્વી પર જઈ ફક્ત ભગવાનનું નામ લેતા હોય તેવા માનવોને ઉંચકી લાવો. આ નગર આસુરી શક્તિનું કેન્દ્ર બનશે.’ દારૂકાના આદેશનું પાલન કરવા નીકળેલા સૈનિકો પૃથ્વી પર કાળોકેર વર્તાવે છે અને હજારો મનુષ્યોને બંદી બનાવી સમુદ્રની મધ્યમાં સ્થાપિત કરેલા દારૂકા વન ખાતે લઈ આવી આ મનુષ્યોને દારૂકા સમક્ષ ઉપસ્થિત કરવામાં આવે છે. દારૂકા તેમને કહે છે કે તમે ભગવાનના નામ પર બહુ આળસાઈ કરી છે હવે તમારે અહીં પરિશ્રમ કરવાનો છે અને અસુરો માટે એક વિશાળ નગર બનાવવાનું છે. એક મનુષ્ય તેનો વિરધ કરતાં દારૂકા એ મનુષ્યનું મસ્તક ધડથી અલગ કરી દે છે અને કહે છે, ‘મેં તમારી ઈચ્છાઓ જાણવા તમને નથી બોલાવ્યા, જાઓ તુરંત નગર વિકાસના કાર્યમાં જોડાઈ જાઓ અન્યથા તમારી પણ આ મનુષ્ય જેવી હાલત થશે અને એ પણ જાણી લો કે થોડા જ સમયમાં પૃથ્વી પરના દરેક માણસો તમારી જેમ મારા દાસ હશે અને થોડા થોડા દિવસે તમને નવા નવા મિત્રો પણ મળશે.’ પણ શિવભક્તો દારૂકાને પોતાની સ્વામિની ન સમજનારા દારૂકાના નગર વિકાસના કામોમાં સહકાર આપતા નથી, તેઓ ફક્ત ઓમ નમ: શિવાયના પંચાક્ષરી મંત્રનો જ જાપ કરતા હોય છે, ક્રોધિત દારૂકા આદેશ આપે છે કે, જાઓ સૈનિકો આ બધાને અગ્નિમાં હોમી દો. આદેશ મળતાં જ દારૂકાના સૈનિકો શિવભક્તોની ચારોતરફ આગ લગાવે છે, શિવભક્તો ઓમ નમ: સિવાયના જાપ કરતાં રહે છે. આગ શિવભક્તોને ભસ્મ ન કરી શકતાં દારૂકા વિસ્મય પામે છે. એજ સમયે ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે અને કહે છે: ‘દારૂકા, આ જ ક્ષણે આ શિવભક્તોને છોડી દો.’ પણ હઠીલી દારૂકા માનતી નથી અને માતા પાર્વતીનું આહ્વાન કરી કહે છે, રક્ષા કરો માતા… રક્ષા કરો માતા…’

દારૂકાના આહ્વાન પર માતા પાર્વતી ત્યાં પ્રગટ થાય છે અટલે તુરંત દારૂકા માતા પાર્વતીના આશીર્વાદ લઈ કહે છે: ‘માતા તમારા ભક્તો સાથે આ કઈ રીતનું છળ છે, તમે વરદાન આપો છો અને મહાદેવ આવું વરદાન પૂર્ણ થવા પહેલાં રોકી દે છે, તમે શું કામ પ્રસન્ન થયા મારી તપસ્યાથી, મેં મહાદેવને કહ્યું કે તમે આપેલા વરદાનને હું પૂર્ણ કરી રહી છું તો તેઓ ક્રોધિત થઈ ગયા. માતા આ તમારા આપેલા વરદાનનું અપમાન છે.
માતા પાર્વતી: ‘મારા વરદાનનું અપમાન મહાદેવે નહીં તમે કર્યું છે દારૂકા. મારા વરદાનને શોષણનું માધ્યમ બનાવી તમે મનુષ્યોનું શોષણ કરવા જઈ રહ્યા છો, આજે જે પણ અહીં થઈ રહ્યું છે એ તારા સ્વાર્થનું પરિણામ છે. તારા દ્વારા આ મનુષ્યોને કષ્ટ પહોંચાડાયું છે અને આ અસુરોની હાલત પણ દયનીય કરી નાંખી છે. જગત કલ્યાણની કામના વચ્ચે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની તારી મનોકામના છુપાવી હતી જે ખુલ્લી પડી ગઈ છે. આ પ્રકરણે તમે મહાદેવનું અપમાન કરવાન પણ કોશિશ કરી છે.’
દારૂકા: ‘માતા કદાચ મારાથી મોટી ભૂલ થઈ ગઈ હશે, મને ક્ષમા કરો. મારું માર્ગદર્શન કરો, હું અસુરોના પતનનું કારણ બનવા નથી માગતી. હું તો ફક્ત અસુરોનો ઉદ્ધાર કરવા માગું છું.’
માતા પાર્વતી: ‘જો તમારે ક્ષમા માગવી હોય તો મહાદેવની માગો, તમે એમનું અપમાન કર્યું છે. તેઓ જ તમારું માર્ગદર્શન કરશે.’
દારૂકા: ‘પ્રભુ હું અહંકારી બની ગઈ હતી, મને મારી મૂર્ખતાનો આભાસ જ ન થયો.’
ભગવાન શિવ: ‘પરિશ્રમથી આપણને ભોજનની પ્રાપ્તિ થાય છે અને ભોજનથી આપણી ભૂખ મટે છે, જીવનનો ઉદ્દેશ ફક્ત ભૂખ મટાડવાનો નથી હોતો, માનવ જીવનનો ઉદ્દેશ હોય છે કે ઈશ્ર્વરની નજદીક જવું અને એ ફક્ત આત્માના વિકાસથી જ સંભવ છે અને આત્માનો વિકાસ મનન, ચિંતન, ભક્તિ અને સત્સંગથી જ સંભવ છે. આત્માનો આ વિકાસ મનુષ્યને પોતાની મનુષ્યતાથી ઈશ્ર્વરત્વ તરફ લઈ જાય છે એટલે એવું સમજવું નહીં કે જે પરિશ્રમ નથી કરતું તે આળસી છે. તમે એ કેવી રીતે ભૂલી શકો કે વરદાન પ્રાપ્ત કરવા હેતું તમે પણ તપસ્યા જ કરી હતી. શું સંસારવાસીઓ તારી તપસ્યાને આળસનું ઉદાહરણ માનશે?’
દારૂકા: ‘નહીં પ્રભુ.’
ભગવાન શિવ: ‘જેટલો પ્રયાસ શારીરિક હેતુ માટે થાય છે એનાથી ઘણો વધુ પરિશ્રમ અને કઠિનાઈ આધ્યાત્મિક કાર્યોમાં હોય છે, આધ્યાત્મિક કાર્યો કાંઈ સહેલાં નથી હોતાં, જગત કલ્યાણના કાર્યો માટે પોતાના સ્વાર્થને ત્યાગવો પડે છે, સમર્પણ સરળ નથી, પોતાના આરાધ્યમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે, જીવનના ચાર મુખ્ય સ્તંભ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચારેયની મહત્તા એક સમાન છે. ફક્ત પોતાના સ્વાર્થની પૂર્તિ હેતુ આ ચારેયનો ત્યાગ કરવો ઉચિત નથી. પોતાની ભૂલનો સ્વીકાર કરવા સાહસની જરૂરત હોય છે, દારૂકા તમારી ભૂલનો સ્વીકાર કરી પાર્વતીની માફી માંગો.
દારૂકા: ‘માતા માફ કરી દો મને.’
ભગવાન શિવ: ‘આ ક્ષેત્ર પાર્વતીના વરદાનથી વસ્યું છે એટલે અહીં હું નાગેશ્ર્વર જ્યોતિર્લિંગ તરીકે નિવાસ કરીશ. અહીં આ જ્યોતિર્લિંગના દર્શનથી મનના વિષનો નાશ થશે, જાઓ દારૂકા તમારા મનના વિષનો વિનાશ કરો અને જગત કલ્યાણમાં જોડાઈ જાવ.’
માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ મેળવી દારૂકા તપસ્યામાં લીન થઈ જતાં ભગવાન શિવ દારૂકા વનને ફરી પોતાની ખરી જગ્યાએ સ્થાપિત
કરે છે. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -