આ વખતે ઈજિપ્તના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે 2023ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી વિદેશી મહેમાન હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલ-સીસીને મોકલવામાં આવેલ ઔપચારિક આમંત્રણ 16 ઓક્ટોબરે વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા તેમને સોંપવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, “ભારત અને ઇજિપ્ત સંસ્કૃતિ અને લોકો વચ્ચેના ગાઢ સંબંધો પર આધારિત મૈત્રીપૂર્ણ સંબંધોનો આનંદ માણે છે.”
બંને દેશોએ આ વર્ષે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી છે. ગયા મહિને, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઇજિપ્તની તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ અલ-સીસીને મળ્યા હતા.
ભારત દર વર્ષે તેના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વિવિધ દેશના નેતાઓને આમંત્રણ આપે છે. વર્ષ 2021માં, તત્કાલિન બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે બ્રિટનમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે તેમની મુલાકાત રદ કરી હતી. આ વર્ષે ભારતે પાંચ મધ્ય એશિયાઈ પ્રજાસત્તાકના નેતાઓને ગણતંત્ર દિવસની ઉજવણી માટે આમંત્રણ આપ્યું હતું. 2018 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં, એસોસિયેશન ઓફ સાઉથ-ઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN) ના તમામ 10 દેશોના નેતાઓ પ્રજાસત્તાક દિવસની પરેડમાં હાજર હતા. 2020 માં, બ્રાઝિલના તત્કાલીન રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો મુખ્ય અતિથિ હતા. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા (2015), રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન (2007), ભૂતપૂર્વ ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝી (2008) અને ફ્રાન્કોઈસ હોલાંદ (2016) પણ ભૂતકાળમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ રહી ચૂક્યા છે.