Homeદેશ વિદેશફેડરલ રિઝર્વ મે મહિનામાં વ્યાજદર વધારે તેવી શક્યતાએ સોનામાં રૂ. ૨૨૦નો અને...

ફેડરલ રિઝર્વ મે મહિનામાં વ્યાજદર વધારે તેવી શક્યતાએ સોનામાં રૂ. ૨૨૦નો અને ચાંદીમાં રૂ. ૨૮૩નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર સ્થાગિત રાખે તે પૂર્વે મે મહિનાની નીતિવિષયક બેઠકમાં હજુ એક વખત વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારા તરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યાના નિર્દેશો હતા. તેમ જ સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની અંદર ઊતરી ગયા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૯થી ૨૨૦નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા નબળો પડવાથી આયાત પડતરમાં વધારો થતાં વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૨૮૩ ઘટી આવ્યા હતા.

બજારનાં સૂત્રોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૮૩ ઘટીને રૂ. ૭૪,૩૫૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી ઉપરાંત ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૯ ઘટીને રૂ. ૬૦,૧૩૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૨૦ ઘટીને રૂ. ૬૦,૩૭૩ના મથાળે રહ્યા હતા.

આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહેતાં અન્ય દેશોના ચલણો નબળા પડવાને કારણે સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી વૈશ્વિક સ્તરે માગ અત્યંત નિરસ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૯૩.૯૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૦૩.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનું બંધ કરે અથવા તો વ્યાજદર સ્થગિત કરે તે પૂર્વે આગામી મે મહિનાની નીતિવિષયક બેઠકમાં વધુ એક વખત વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા વ્યક્ત કરતાં એક વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હાલને તબક્કે ખાસ કરીને સોનામાં વ્યાજદરમાં વધારાની શક્યતાને ધ્યાનમાં લેતાં નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય. વધુમાં ગત માર્ચ મહિનામાં બ્રિટનમાં ફુગાવો ગત ફેબ્રુઆરી મહિનાના ૧૦.૪ ટકા સામે ઘટીને ૧૦.૧ ટકા રહ્યો હોવાના અહેવાલ હોવા છતાં બૅન્ક ઑફ ઈંગ્લેન્ડ આગામી મહિનાની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા બજારમાં ચર્ચાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -