મુંબઈઃ રામ નવમીના દિવસે મુંબઈ સહિત દેશના અન્ય શહેરોમાં હિંસાનું નિર્માણ થયું હતું. મુંબઈ નજીકના પરા મલાડમાં પણ હિંસા-તનાવનું નિર્માણ થયું હતું, ત્યારે આ મુદ્દે સોમવારે મુંબઈ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. રામ નવમીના દિવસે મલાડમાં શોભા યાત્રા વખતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓએ મસ્જિદ નજીક બેસીને હિંસા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. 30મી માર્ચે માલવણી વિસ્તારમાં થયેલી હિંસાના કિસ્સામાં 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસને મળેલા અહેવાલ અનુસાર ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ જણાવ્યું હતું કે શોભાયાત્રા પર જાણી જોઈને પથ્થરમારો અને હિંસા ફેલાવવાનું કાવતરું કરવામાં આવ્યું હતું, તેથી તેઓ મસ્જિદ નજીક બેઠાં હતા. આ કેસમાં આઈપીસી 120 બી, 353, 324(ખતરનાક હથિયારોથી નુકસાન પહોંચાડવું), 145 (ગેરકાયદે એકત્ર થવું), 147 (હિંસા, રમખાણો કરવા) અને મહારાષ્ટ્ર પોલીસની વિવિધ એક્ટ અન્વયે કેસ નોંધવામાં આવ્યો હતો. અલબત્ત, પોલીસે કેસ નોંધ્યા પછી જાણી જોઈને હિંસા કરવાનું ષડયંત્ર કર્યું હોવાનું જણાવ્યું હતું.
અહીંની શોભાયાત્રામાં પથ્થરમારાના કિસ્સામાં 200થી વધુ લોકો સામે એફઆઈઆર કરવામાં આવી હતી. હિંસાની તપાસ કરતા પોલીસની એક ટીમે બીજી એપ્રિલના એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના એક અધિકારી અને માલવણી પોલીસ સ્ટેશનના એક અન્ય પોલીસ કર્મચારીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. અહીં એ જણાવવાનું કે 30મી માર્ચની શોભાયાત્રા વખતે 6,000 લોકોએ ભાગ લીધો હતો અને તેનું આયોજન બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠને કર્યું હતું.