વિજયવાડાઃ ફ્લાઈટ મોડી પડવાના સમાચાર તો અવારનવાર જાણવા મળે છે, પરંતુ આંધ્ર પ્રદેશના વિજયવાડામાંથી એક આશ્ચર્યજનક સમાચાર જાણવા મળ્યા છે. વિજયવાડા ખાતેના એરપોર્ટ પર નિર્ધારિત સમયના પૂરા બાર કલાક પહેલા એક વિમાને ઉડાન ભરી લીધી હતી. આટલી મોટી ભૂલ કહો કે પછી બેદરકારીને કારણે 20 જેટલા પ્રવાસીની ફ્લાઈટ છૂટી ગઈ હતી. ત્યાર બાદ ફ્લાઈટ નહીં પકડી શકનારા પ્રવાસીઓએ કંપની સામે નારાજગી વ્યકત કરી હતી.
આ બનાવ આંધ્ર પ્રદેશના વિજયવાડામાં બન્યો હતો. ગન્નવરમ એરપોર્ટથી કુવૈતની ફ્લાઈટ બપોરના 1.10 વાગ્યે નિર્ધારિત હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઈટ કુવૈત રવાના થવાનું હતું, પરંતુ તેના બાર કલાક પહેલા એટલે રાતના 1.10 વાગ્યાના સુમારે પાઈલટે ફ્લાઈટની ઉડાન ભરીને રવાના થઈ ગયા હતા, પરિણામે અનેક પ્રવાસીઓની ફલાઈટ પકડવાનું ચૂક્યા હતા.
આ અંગે પ્રવાસીઓએ કહ્યું હતું કે અમને જે ટિકિટ આપવામાં આવી હતી, જેમાં ફ્લાઈટનો નિર્ધારિત સમય બુધવારે બપોરના 1.10 વાગ્યાનો હતો, પરંતુ ફ્લાઈટ 1.10 રવાના થઈ ગઈ હતી. એર ઈન્ડિયાવતીથી કર્મચારીઓએ દાવો કર્યો હતો કે અમે બુકિંગ વેબસાઈટ અને પ્રવાસીઓને ફ્લાઈટના સમય અંગે જાણકારી આપી હતી. જોકે, જે કોઈ પ્રવાસીઓની ફ્લાઈટ છૂટી ગઈ હતી તેમણે આરોપ મૂક્યો હતો કે અમને કોઈ માહિતી આપી નહોતી. આ અગાઉ કર્ણાટકના બેંગલુરુ એરપોર્ટ પરથી ગો ફર્સ્ટ એરલાઈનની ફ્લાઈટ પચાસ જેટલા પ્રવાસીને છોડીને ઉડાન ભરી હતી. ફ્લાઈટે ઉડાન ભરી ત્યારે પ્રવાસીઓ રનવે પરની બસમાં રહી ગયા હતા. એના અંગેનો એક પ્રવાસીએ વીડિયો શેર કર્યા પછી કંપનીને વાસ્તવિતાનો પરિચય કરાવ્યો હતો.