Homeઆમચી મુંબઈમુખ્ય પ્રધાન સામે હકભંગ લાવવાની વિરોધપક્ષે કરી માગણી

મુખ્ય પ્રધાન સામે હકભંગ લાવવાની વિરોધપક્ષે કરી માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સંજય રાઉત સામે હકભંગનો પ્રસ્તાવ દાખલ થયા બાદ મોડે મોડે પણ વિરોધી પક્ષને ડહાપણ આવ્યું છે. સંજય રાઉત સામે કાર્યવાહી કરો છો તો એકનાથ શિંદે સામે પણ કાર્યવાહી કરો એવી માગણી વિરોધી પક્ષ નેતા અંબાદાસ દાનવેએ મુખ્ય પ્રધાનના એક જૂના નિવેદનનો આધાર લઈને વિધાનપરિષદના ઉપસભાપતિ નીલમ ગોરેેને પત્ર લખીને કરી છે.
રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે વિધાનમંડળને ચોર મંડળ કહેતા શિવસેના-ભાજપે વિધાનમંડળના બંને ગૃહમાં તેમના વિરુદ્ધ હકભંગની સૂચના દાખલ કરી હતી. સંજય રાઉત સામે કાર્યવાહી થવાનું જણાતા હવે વિરોધ પક્ષ ખાસ કરીને ઉદ્ધવ સેનાએ પણ મુખ્ય પ્રધાનને અડચણમાં લાવવાના પ્રયત્ન ચાલુ કર્યા છે. તે માટે તેમણે એક જૂના નિવેદનનો આધાર લઈને હકભંગ દાખલ કરવાની માગણી વિધાનપરિષદના ઉપસભાપતિને કરી છે.
વિરોધી પક્ષનેતા અંબાદાસ દાનવે પત્રમાં કથિત રીતે એવો આરોપ કર્યો છે કે મુખ્ય પ્રધાન શિંદેએ બજેટની પૂર્વ સંધ્યાએ વિધાનસભાની સર્વોચ્ચતાનું અપમાન કર્યું હતું. તેમણે પત્ર દ્વારા વિનંતી કરી હતી કે આ નોટિસનો સ્વીકાર કરીને તેને હાઉસની વિશેષાધિકાર કમિટીને આગળના પગલા લેવા માટે મોકલવામાં આવે. તો શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વિધાનસભ્ય સુનીલ પ્રભુએ પણ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પત્ર લખીને વિનંતી કરી છે કે શિંદેના નિવેદન પર નીચલા ગૃહમાં તેમને બોલવાની મંજૂરી આપવામાં આવે.
સુનીલ પ્રભુ અને અંબાદાસ બંનેએ દાવો કર્યો હતો કે બજેટની પૂર્વ સંધ્યાએ વિપક્ષોએ ટી-પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો અને તેનો લગતો પત્ર આપ્યો હતો, છતાં શિંદેએ એવું નિવેદન આપ્યું હતું કે તેઓ દેશ વિરોધીઓ સાથે ચા પીવાનું ટાળ્યું છે.
———–
હકભંગ સમિતિ સ્થપાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સંજય રાઉતે કરેલા નિવેદન બાદ હવે આઠ મહિનાના લાંબા સમય બાદ રાજ્યની વિધાનસભામાં હક્કભંગ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ હક્કભંગ સમિતિમાં વિધાનસભ્ય રાહુલ કુલ અધ્યક્ષપદે છે. જ્યારે અતુલ ભાતખળકર, યોગેશ સાગર, અમિત સાટમ, નિતેશ રાણે, અભિમન્યુ પવાર, સંજય શિરસાટ, દિલીપ મોહિતે-પાટીલ, સદા સરવણકર, માણિકરાવ કોકાટે, સુનિલ ભૂસારા, નીતિન રાઉત, સુનિલ કેદાર, વિનય કોરે, આશિષ જયસ્વાલને સભ્ય બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં ઠાકરે જૂથના એકેય વિધાનસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
નવી સરકારનું ગઠન થયાને આઠ મહિનાનો લાંબો સમયગાળો વીતી ગયો હોવા છતાં આ સમિતિ ગઠન કરવામાં આવી નહોતી. બુધવારે તાકીદે આ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -