ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે. તનતોળ મહેનત કર્યા બાદ ઉગાડેલો ડુંગળીનો પાક નજીવા ભાવે બજારમાં વેચાઈ રહ્યો છે. ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોને એક કિલો ડૂંગળીના અઢી રૂપિયાથી લઈને આઠ રૂપિયા ભાવ મળી રહ્યો છે. જેને કારણે ખેડૂતો ઉભા પાકને ખેતરમાં જ દાટી રહ્યા છે.
મળતી માહિતી મુજબ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને એક કિલો ડૂંગળીના માત્ર અઢી રૂપિયાથી આઠ રુપિયા જેટલા જ ભાવ મળી રહ્યા છે. આ ભાવમાં ખેતરમાંથી ડુંગળી માર્કેટયાર્ડ સુધી લાવવાનો ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ નીકળી નથી રહ્યો. રાત દિવસ ખેતરમાં મહેનત કર્યા બાદ પણ યોગ્ય ભાવ ના મળતા ખેડૂતોમાં રોષની લાગણી છે. ખેડૂતોના કહ્યા પ્રમાણે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કારતી સરકારે આવક અડધી પણ નથી રહેવા દીધી.
હળવદ વિસ્તારના ખેડૂતો ડુંગળીના પાક પર રોટોવેટર ફેરવી જમીનમાં જ દાટી રહ્યા છે. એક વીઘા જમીનમાં ડુંગળીની વાવણી અને પાક તૈયાર કરવા પાછળ અંદાજે 40 હજાર અને એક એકરે અંદાજે 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જેમાં બિયારણ, વાવણી માટે મજૂરી, નિંદામણ, દવા અને રાસાયણિક ખાતર સહિત ડુંગળી કાઢી કટ્ટામાં પેકિંગ કરવાના ખર્ચનો સમાવેશ થાય છે. ડુંગળી કાપી પેકિંગ કરી માર્કેટયાર્ડ સુધી લઇ જવામાં ખોટ પડી રહી છે એના કરતા જમીન ડુંગળી ખાતર બનશે એવું ખેડૂતો જણાવી રહ્યા છે.
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત રાજ્યનાં મુખ્યપ્રધાન તથા વડાપ્રધાન પાસે માંગણી કરી છે કે, ડુંગળી પકવતા ખેડુતોને તાત્કાલિક પોષણક્ષમ પુરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. અતિશય કપરી સ્થિતિમાં મુકાયેલા ખેડુતોને સરકારે ચોક્કસ સબસીડી આપવી જોઈએ અને મિનિમમ સપોર્ટ પ્રાઈસ ખેડુતો માટે નક્કી કરીને ખેડુતોનું શોષણ ન થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ..
તેમણે લખ્યું કે લાંબા સમયથી સરકાર ડુંગળી પકવતા ખેડુતો પોતાના પાકને સ્ટરેજ કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરી નથી. સરકારે ખેડુતના ઘરમાં જ્યારે ખેતપેદાશ આવે ત્યારે તે ખેતપેદાશને એકસ્પોર્ટમાં પ્રોત્સાહન આપીને પુરતા ભાવો મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ અંગેની તાત્કાલીક વ્યવસ્થા ભારત સરકાર તથા ગુજરાત સરકાર કરે તેવી માંગણી કરવામાં આવી છે.