કોવિડ પછી સૌથી વધારે પ્રવાસીઓની અવરજવર નોંધાઈ
મુંબઈઃ ગયા અઠવાડિયા દરમિયાન મુંબઈમાં બે નવી લાઈન (બીજા તબક્કામાં) મેટ્રો ટ્રેન ચાલુ કરવામાં આવ્યા પછી પ્રવાસીઓ માટે મેટ્રો ટ્રેન આશીર્વાદ બની રહી છે, જેમાં નવી લાઈનની સાથે સૌથી પહેલી મેટ્રો એટલે ઘાટકોપર અને વર્સવો વચ્ચેની બ્લુ લાઈન એટલે મેટ્રોમાં પ્રવાસીઓની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈની સૌથી પહેલી મેટ્રો લાઈન (ઘાટકોપર અને વર્સોવા)નું વર્ચસ્વ ધરાવે છે, જે લગભગ આઠ વર્ષ પહેલા ચાલુ થઈ છે. અંધેરીવાસીઓ માટે આ લાઈનનું નિર્માણ થયા પછી લોકોને અવરજવર કરવામાં સૌથી વધારે રાહત થઈ હતી. તબક્કાવાર પ્રવાસીઓની અવરજવરમાં વધારો થયો હતો, પરંતુ કોવિડના નિયંત્રણો પછી મેટ્રો વનના પ્રવાસીની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો હતો. હાલના તબક્કે નવી લાઈનના એકસાથે બે કોરિડોર સંપૂર્ણપણે ચાલુ કરવામાં આવ્યા પછી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે એક જ દિવસમાં ચાર લાખથી વધુ પ્રવાસીની અવરજવર નોંધાઈ હતી, જેમાં ડીએન નગર અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સ્ટેશનમાં પ્રવાસીની વધારે સંખ્યા હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મેટ્રો-ટૂએ અને મેટ્રોસેવન કોરિડોર (બીજા તબક્કા)ના ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ બંને કોરિડોર સંપૂર્ણપણે ચાલુ કરવામાં આવ્યા પછી સરેરાશ રોજના સવા લાખથી વધુ પ્રવાસી મેટ્રો ટ્રેનમાં અવરજવર કરે છે.