(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ કરેલા ‘હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના’ યોજના હેઠળ મફતમાં આરોગ્ય સેવા, દવા અને મેડિકલ ટેસ્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના લાભાર્થીઓની સંખ્યા આઠ લાખને પાર કરી ગઈ છે.
હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે ‘આપલા દવાખાના’ યોજના હેઠળ નાગરિકોને તેમના નજીકના પરિસરમાં દવાખાનાના માધ્યમથી આરોગ્ય સેવાની સુવિધાની સાથે જ દવા અને મફતમાં મેડિકલ ટેસ્ટની સુવિધા આપવામાં આવી રહી છે. બાળ ઠાકરેની ૧૭ નવેમ્બર, ૨૦૨૨ના પુણ્યતિથિને ધ્યાનમાં રાખીને ‘હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના’ ની યોજના ચાલુ કરવામાં આવી હતી. મુંબઈમાં હાલ ૧૫૬ ઠેકાણે ‘આપલા દવાખાના’ ચાલુ છે.
મુંબઈ શહેર અને ઉપનગરમાં મળીને ૧૫૬ ઠેકાણે ચાલતા ‘હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના’નો અત્યાર સુધી ૮,૦૧,૨૩૩ નાગરિકોએ વિવિધ સુવિધાનો લાભ લીધો છે. તેમાંથી પોલિક્લિનિક અને ડાયગ્નોસ્ટિક કેન્દ્રમાં ૩૨,૯૧૮ દર્દીઓએ દંત ચિકિત્સા, સ્ત્રીરોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, જનરલ ફિઝિશિયન, ત્વચારોગ જેવા નિષ્ણાતોની સુવિધાનો લાભ લીધો છે. ૭,૬૮,૩૧૫ દર્દીઓએ મફતમાં મેડિકલ ટેસ્ટ અને મફતમાં દવાનો લાભ પણ લીધો છે.