ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ પક્ષના નેતાઓ અને કાર્યકરો ઠેર ઠેર ઉજવણી કરી રહ્યા છે. નવા ચૂંટાયેલા વિધાનસભ્યો સરઘસ કાઢીને જીતનો જશ્ન માનવી રહ્યા છે. ત્યારે પાદરાના ભાજપના વિધાનસભ્ય ઉત્સાહમાં ભાન ભૂલ્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં વિધાનસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જાહેરમાં લોકોની વચ્ચે તલવાર ફેરવતા અને હવમાં ગોળીબાર કરતા મળે છે. જેને લઈને વિવાદ શરુ થયો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપના ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંઘ સામે જીત મેળવી હતી. જીત બાદ ભાજપે વિધાનસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વિજય સરઘસનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન ચૈતન્યસિંહ ઝાલાએ રૌફ બતાવવા જાહેરમાં હવામાં ગોળીબાર કર્યો હતો. એક વિડીયોમાં તેઓ હાથમાં તલવાર સાથે પણ જોવા મળે છે.
2012માં આ બેઠક પર ભાજપને જીત મળી હતી પરંતુ 2017ની ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. 2022ની ચૂંટણીમાં બેઠક પર ફરીથી વિજય મેળવતા ચૈતન્યસિંહ ઝાલા વિવેક ભૂલ્યા હતા.