(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં શનિવારથી ખેતી અને બિનખેતીના જમીનના જંત્રીના દરમાં બે ગણો લાગુ થાય તે પહેલા રાજ્યમાં નાગરિકો સ્થાવર મિલકતોની નોંધણીને લઈ ને છેલ્લી ઘડી સુધી ધસારો રહ્યો હતો. રાજ્ય સરકારની તિજોરીમાં ૧૩ જ દિવસમાં ૧૩૦૦ કરોડની આવક થઈ હતો.
મળતી માહિતી મુજબ મહેસૂલ વિભાગને સ્ટેમ્પ ડ્યૂટી પેટે ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષમાં ૧૨,૮૯૫ કરોડ રૂપિયા જેટલી થઈ હતી. જ્યારે ૨૦૨૩-૨૪માં આ આવક વધીને ૧૩૯૫૦ કરોડ રૂપિયા થવાનો અંદાજ નાણાં વિભાગ દ્વારા વ્યક્ત કરાયો છે. સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જંત્રીના બમણા દરના કારણે વધુ સ્ટેમ્પ ડ્યૂટી ફી ભરવી પડે તે પૂર્વે સરકારે આપેલી છૂટછાટનો લાભ લેવા માટે એપ્રિલ મહિનામાં પક્ષકારોએ દસ્તાવેજ કરાવવા દોડાદોડી કરી હતી. અનેક કચેરીમાં ટોકન ન મળતા હોય અને ૧૫મીએ અમલ પહેલા કચેરી ચાલુ હોય ત્યાં સુધીના ટોકન બુક કરી લીધા હોય તેવી સ્થિતિ પણ સર્જાઇ હતી. હજારોની સંખ્યામાં દસ્તાવેજની નોંધણી નાગરિકો દ્વારા આ સમયગાળામાં કરાવવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ જંત્રીના દરમાં બમણો વધારો અમલી બનાવવાનું પાંચ ફેબ્રુઆરીએ જાહેર કરાયું હતું. જોકે, તેનો બિલ્ડર એસોસિએશનો સહિત નાગરિકોએ ભારે વિરોધ કરતા ૧૫ એપ્રિલથી સુધારેલા દર લાગુ પાડવાની જાહેરાત કરાઇ હતી. આખરે શનિવારથી રાજ્યમાં સ્ટેમ્પ ડ્યૂટી નો વધારો લાગુ પડશે.
નોંધણી સબ રજિસ્ટ્રાર નિરિક્ષક સુપ્રિટેન્ડન્સ જૈનુ દેવનને એપ્રિલ મહિનામાં સ્ટેમ્પ ડ્યૂટીની આવક અંગે જણાવ્યું હતું. કે, પહેલી એપ્રિલથી ૧૨ એપ્રિલ સુધીમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની આવક થઈ છે, ૧૩ એપ્રિલ એટલે કે ગુરુવારે સાંજ સુધીમાં બીજી વધારાના ૧૦૦ કરોડની આવકનો અંદાજ સરકાર દ્વારા મૂકવામાં આવી રહ્યો છે. પરિણામે ૧૩ દિવસમાં ૧૧૦૦ કરોડ જેટલી આવક થવા પામી હોવાનું સત્તાવાર રીતે જણાવ્યું હતું.