બેંગલૂરુ: નવી શિક્ષણ નીતિ યુવાનોની રુચિ, યોગ્યતા અને સજ્જતાને તેમ જ ભવિષ્યમાં કૌશલ્યોની માગને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણતંત્રને વાસ્તવલક્ષી અભિગમથી હેતુલક્ષી બનાવવાની ભૂમિકા નવી શિક્ષણ નીતિ દ્વારા તૈયાર કરવામાં આવી છે. કેટલાક વર્ષથી પરિસ્થિતિ અને આવશ્યકતાઓને અનુકૂળ થવાની લવચિકતાના અભાવે શિક્ષણ ક્ષેત્રમાં જડત્વ જોવા મળે છે.
બજેટ બાદના ૧૨ વેબિનારની કેન્દ્ર સરકાર યોજિત સિરીઝમાં ત્રીજા વેબિનારમાં ‘યુવા શક્તિની ઉપયોગિતાવૃદ્ધિ: કૌશલ્યવિકાસ અને શિક્ષણ’ વિષય પર વડા પ્રધાને સંબોધન કર્યું હતું. વેબિનારના અનુસંધાનમાં કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૨૩-૨૦૨૪ના બજેટના પ્રભાવક અમલ માટે સૂચનો અને વિચારો પણ મંગાવવામાં આવ્યા છે.
વેબિનારમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે ભવિષ્યમાં ઊભી થનારી કૌશલ્યોની માગ અને શિક્ષણને પરસ્પર પરોવવા અને સાથે યુવાનોની રુચિ-યોગ્યતા-સજ્જતાને સમજીને સમન્વયપૂર્વક નવી શિક્ષણ નીતિ ઘડવામાં આવી છે. નવી શિક્ષણ નીતિમાં યુવાનોને જૂના નિયંત્રણોથી મુક્તિ સાથે કૌશલ્ય વિકાસ માટે સુધારા લાગુ કરવામાં આવ્યા છે. કોરોના રોગચાળાના દિવસોમાં થયેલા અનુભવોમાં વર્ગખંડોનું નવું રૂપ આપણને મળ્યું
છે. નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર જ્ઞાનને સફળતાના માર્ગે દોરી જવાના સાધનો તરફ ધ્યાન આપે છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયેલાં પગલાં શિક્ષણ, કૌશલ્યો અને જ્ઞાનશાસ્ત્રના ક્ષેત્રમાં પરિવર્તન લાવશે. હવે આપણા શિક્ષકોની ભૂમિકા વર્ગખંડો સુધી મર્યાદિત રહેવાની નથી. આખા દેશમાં શૈક્ષણિક સામગ્રીનું વધુ વૈવિધ્ય ઉપલબ્ધ છે. તેને કારણે ગામડાં અને શહેરોની શાળાઓ વચ્ચેના તફાવતનું અંતર ઘટવા સાથે શિક્ષકો માટે અવસરોના દ્વાર ખુલશે.
વડા પ્રધાને નેશનલ ઇન્ટર્નશિપ પોર્ટલનો ઉપયોગ વધારવાના અનુરોધ સાથે જણાવ્યું હતું કે એ પોર્ટલ પર રોજગાર આપનારા ૭૫,૦૦૦ એમ્પ્લોયર્સ છે અને અત્યાર સુધીમાં પચીસ લાખ ઇન્ટર્નશિપ્સની રિક્વાયરમેન્ટ પોસ્ટ કરવામાં આવી છે. દેશમાં ઇન્ટર્નશિપ કલ્ચર વિસ્તારવાની જરૂર છે. તેનાથી યુવાનો ભવિષ્યની જરૂરિયાતોે અને કામગીરી માટે અનુભવથી સજ્જ થશે. (એજન્સી)