મુંબઈ: એનસીપીએ બુધવારે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના વરિષ્ઠ નેતા અજિત પવારે તેમનું વલણ સ્પષ્ટ કર્યા પછી પણ એનસીપી જૂથમાં વિભાજનની અટકળોને વેગ આપ્યો છે. એનસીપીના પ્રવક્તા ક્લાઈડ કાસ્ટ્રોએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાજપને પૂછવું જોઇએ કે તે શા માટે તેમના અને તેમની શિવસેના પર આટલું દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
અત્રે નોંધનીય છે કે અજિત પવારે મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કેે તેઓ જ્યાં સુધી જીવિત રહેશે ત્યાં સુધી તેઓ તેમની પાર્ટી માટે કામ કરશે અને તેઓ અને તેમના વફાદાર વિધાનસભ્યોનું એક જૂથ શાસક ભાજપ સાથે જોડાણ કરી શકે છે, એવી અટકળો ખોટી છે. પવારે એમ પણ કહ્યું હતું કે એનસીપીમાં હાલમાં કોઇ તિરાડ નથી અને ભાજપ સાથે હાથ મિલાવવાના અહેવાલોમાં કોઇ સત્ય નથી.
તેમણે એનસીપીના ૫૩માંથી ૪૦ વિધાનસભ્યોની સહી લીધી હતી, તેવા અહેવાલોને પણ રદિયો આપ્યો હતો. (પીટીઆઈ)