નવી દિલ્હી: ફાર્મસી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની ફાર્માસિસ્ટ્સને પ્રિસ્ક્રિપ્શન લખવાની છૂટ આપવાની દરખાસ્ત સાથે નેશનલ મેડિકલ કાઉન્સિલે સંમતિ દર્શાવી નહીં હોવાનું રાજ્ય કક્ષાનાં આરોગ્ય પ્રધાન ભારતી પ્રવીણ પવારે લોકસભામાં એક પ્રશ્ર્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું. નેશનલ મેડિકલ કાઉન્સિલે જણાવ્યું હતું કે દરદીઓને તપાસીને રોગનિદાનને આધારે પ્રિસ્ક્રિપ્શન લખાતું હોવાથી ફાર્માસિસ્ટ્સને પ્રિસ્ક્રિપ્શન લખવાની છૂટ ન આપી શકાય.
ભારતી પવારે જણાવ્યું હતું કે સરકારી હૉસ્પિટલોમાં ફાર્માસિસ્ટ્સના રિક્રુટમેન્ટ, તેમના વેતન અને નિમણૂકની પાત્રતા માટેની શૈક્ષણિક લાયકાત સંબંધિત રાજ્યના કાયદા અને નિયમો પર આધારિત હોય છે. ફાર્મસી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ વર્ષ ૨૦૧૫માં ફાર્મસી પ્રૅક્ટિસ રેગ્યુલેશન્સ બહાર પાડ્યા અને ત્યારપછી તેમાં સુધારા કર્યા પછી ડી. ફાર્મ ગે્રજ્યુએટ્સ માટે હૉસ્પિટલોમાં વિવિધ સ્થાનો પર કામ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ડી. ફાર્મ અને બી. ફાર્મ ગ્રેજ્યુએટ્સ દરદીઓની સારવાર માટે ફિઝિશ્યન્સ તથા અન્ય હેલ્થ કૅર પ્રોફેશનલ્સના સહયોગમાં કમ્યુનિટી ફાર્માસિસ્ટ તરીકે કામ કરવાની લાયકાત ધરાવે છે. ઔષધોપચારના શ્રેષ્ઠ ઉપયોગ અને અસર વધારવામાં ઉપયોગી છે. આસામમાં સ્થપાયેલી રિજનલ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરીએ વર્ષ ૨૦૨૨માં ૩૨૮૫ ડ્રગ્સ સૅમ્પલ ટેસ્ટ કર્યા હતા. આ લેબોરેટરીએ વર્ષ ૨૦૧૮માં ૧૧૩૩ ડ્રગ્સ સૅમ્પલ ટેસ્ટ કર્યા હતા. (એજન્સી)