કેન્વાસ -અભિમન્યુ મોદી
અમેરિકામાં બૉમ્બ ચક્રવાત આવ્યું અને અડધું ન્યૂયોર્ક બરફની ચાદરમાં નીચે દટાઈ ગયું. કેટલાય ઠંડીમાં ઠુંઠવાઇને તો કેટલાય હિમ પ્રપાતના તોફાનમાં ફસાઈ ગયા. તેમની શોધખોળ આજે પણ બાઈડેન સરકાર કરી રહી છે. જો કે શ્રીમંત વર્ગ માટે બૉમ્બ ચક્રવાત સૂતળી બૉમ્બ જેવું સાબિત થયું.
કારણ કે તેમણે કરોડોના ખર્ચે પોતાના આલીશાન મહેલ જેવા બંગલાના પેટાળમાં ન્યુક્લિયર બંકર બનાવ્યું હતું. જેમાં સ્વર્ગને સમકક્ષ વૈભવ-વિલાસની તમામ સુખ-સુવિધાઓ ઉપલબ્ધ હતી. ત્યાં સુધી કે બંગલાના ચોક્કસ સ્થળો પર સીસીટીવી કેમેરા લાગ્યા હતા. જેથી તેઓ બહાર શું થઈ રહ્યું છે એ પણ નિહાળી શકતા હતા. ત્યાં ઈન્ટરનેટ પણ ફાઈવ જીની ગતિએ કાર્યરત હતું. એ બધું જ હતું જેનાથી ૧૦૦ વર્ષ સુધી ન્યુક્લિયર બંકરની બહાર ન નીકળે તો પણ જીવન જલસા કરતા કરતા વીતી જાય.
અમેરિક્ધસ બંકર સાથે સદીઓથી સંલગ્ન છે. વૈજ્ઞાનિક ઓપનહેમરે જયારે પરમાણુ બૉમ્બનું પ્રથમવાર પરીક્ષણ કર્યું ત્યારે પણ બંકરની રચના કરવામાં આવી હતી. જો કે એ બંકર આજના બંકર કરતા પ્રમાણમાં પોચા અને તકલાદી હતા. તકવાદી રાષ્ટ્રપ્રમુખોએ અણુયુદ્ધની તારાજી સર્જવા માંગતા હતા ત્યારે જ અમેરિકાની માફક જર્મનીમાં પણ બંકર યુગનો ઉદય થયો હતો. લોકો ઘરના ભોંય તળિયે રહેવા ટેવાયેલા ન હતા. પરંતુ વિશ્ર્વયુદ્ધના અનિષ્ટકાળમાં જીવનશૈલી ટકાવવા કરતા જીવન બચાવવું અતિ આવશ્યક હતું. વિશ્ર્વયુદ્ધના વાદળો ઘેરાતા જતા નાગરિકો ભયભીત થયા હતા.
પ્રથમ વિશ્વયુદ્ધનો સર્વનાશ તેમના સ્વપ્નમાં આવીને માનવ સર્જિત આપદાની યાદી તાજી કરાવતો હતો. યુરોપ-અમેરિકાના માથે તો આવી ભયાનક આપત્તિ હંમેશાં તોળાયેલી હતી એટલે તેની તૈયારી સ્વરૂપે ભૂગર્ભમાં બનેલા બંકર સલામતીનું આશ્ર્વાસન આપતા હતા.
અલબત્ત પશ્ર્ચિમના રાષ્ટ્રોને તો માંડ બે સદી પહેલા બંકરનો વિચાર આવ્યો. ભારતમાં તો સૈકાઓથી રાજાઓ ભોંયરા સ્વરૂપનાં બંકર બનાવવા માટે પ્રખ્યાત છે. કેરળના પદ્મનાભ મંદિરમાંથી મળી આવેલી અખૂટ સંપત્તિએ દુનિયાભરને આશ્ર્ચર્યચકિત કરી નાખ્યું હતું. આ સંપત્તિનું મૂલ્ય આજથી ૧૦ વર્ષ પહેલા રૂપિયા એક લાખ કરોડ આંકવામાં આવ્યું હતું અને મંદિરનું એક ભોંયરું વિવાદનું કેન્દ્ર બન્યું હતું. તેના ૩ ભોંયરા એ વાતની પ્રતીતિ આપતા હતા કે ભારતના શિલ્પ સ્થાપત્યમાં બંકર બનાવવાની દીર્ઘદૃષ્ટિ વણાયેલી હતી. રાજાના નિવાસ માટે નિર્મિત રાજમહેલના બાંધકામ સમયે પણ ખજાનાને ભૂગર્ભમાં જ છુપાવવામાં આવતો હતો. તેની સાથે શત્રુઓના હુમલાથી બચવા રાજમહેલમાંથી નાસી જવા માટે પણ ભોંયરામાં માર્ગ બનાવવામાં આવતો હતો.
રામાયણ અને મહાભારતમાં બંકરનાં વર્ણનો છે; પરંતુ વિજ્ઞાનને તેના અવશેષો પ્રાપ્ત થતા નથી.જોકે વિજ્ઞાનને મૌર્યકાલીન મહેલમાં બંકરના અવશેષો ઉપલબ્ધ થયા છે. બિહારમાં કુમરાહારમાં પાટલીપુત્રના કિલ્લામાંથી મહેલના અવશેષો પ્રાપ્ત થયા ત્યારે બે ડઝન પુરાતત્વવિદો તપાસ માટે સાધન સરંજામ લઈને પહોંચી ગયા હતા. તેમને ચંદ્રગુપ્ત મૌર્યના મહેલનો અભ્યાસ કરતા માલુમ પડ્યું કે એક નહીં અનેક સ્થાનો પર ચાણક્યના આદેશ અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યએ ભૂમિ ભાગનો એ પ્રકારે ઉપયોગ કર્યો હતો કે મહેલની અંદર મહેલ જેવો જ મહેલ મળી આવ્યો હતો. મધ્યકાળમાં મહેલ બાંધવાની પ્રવૃત્તિ ઘણી વિકસી હતી. રાજમહેલોનું નિર્માણ પણ અત્યંત અલંકૃત હતું. જેમાં તપાસ કરતા બંકર મળી આવ્યા હતા.
ભારતમાં અંગ્રેજોના આગમન બાદ બંકર કલાનું સ્થળાંતર મહાસત્તાઓ તરફ થઈ ગયું. ઘણા ખરા યુરોપિયન રાષ્ટ્રોએ ૧૯૫૦ના દાયકા બાદ ન્યુક્લિયર બંકર બનાવવાના પ્રયાસો કર્યા હતા. એ વખતે બંકર માત્ર લાકડાનું સામાન્ય મકાન હતું. તેમાં જો રાષ્ટ્ર પ્રમુખને રહેવાનો વારો આવે તો! એટલે ન્યુક્લિયર બંકરમાં અત્યાધુનિક તકનીકનો ઉપયોગ કરીને સંપૂર્ણ સાધન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે જેથી બંકરમાં પણ શાંતિનો અનુભવ થાય.
રશિયા-અમેરિકા વચ્ચે શીતયુદ્ધ ચાલતું હતું એ દરમિયાન બ્રિટનમાં કેલ્વેડોન હેચ બંકર તૈયાર કરાયું તે આજેપણ ઉપયોગમાં લેવાય તેવી સ્થિતિમાં છે. શાંતિકાળમાં આ બંકરનો ઉપયોગ મ્યુઝિયમ તરીકે થાય છે. વર્ષે ૬૦,૦૦૦ લોકો આ બંકરની ખૂબીઓ જોવા આવે છે. એસેક્સ કાઉન્ટી વિસ્તારમાં ૧૯૫૨માં બંધાયેલા આ બંકરને બહારથી જુઓ તો એક જૂના, ખખડધજ મકાન જેવું લાગે, પણ અંદર ત્રણ માળમાં પથરાયેલા ભોંયરામાં ૧૦૦૦ થી વધુ સંસદસભ્યો, પ્રધાનો, મહત્ત્વના સરકારી અફસરો આશરો લઈ શકે તેવી સુવિધા છે. આવું જ બીજું એક બંકર વિલ્ટશાયરમાં છે.
આજે તો સ્વિટ્ઝરલેન્ડમાં કોઈ નવું ઘર બાંધે તો તેણે હવે ફરજિયાત તેના ઘર નીચે ભોંયરામાં એક ન્યુક્લિયર બંક તૈયાર કરાવવું પડે છે. માત્ર રહેવાનાં મકાનો જ નહિ, પણ બિઝનેસ સેન્ટર અને ફેક્ટરીમાં પણ આવા બંકર બનાવવા પડે છે. સ્વિટ્ઝરલેન્ડની ૮૦ ટકા વસતિ આજે ન્યુક્લિયર બંકરયુક્ત ઘર ધરાવે છે. જો એકાએક અણુયુદ્ધ થાય તો સ્વિટ્ઝરલેન્ડની તમામ પ્રજા એક સાઇરન વાગતાં ભોંયરામાં જઈને રહી શકે તેવી વ્યવસ્થા છે. આ બંકર એવી રીતે બંધાયા છે કે રાસાયણિક ઝેરી પદાર્થો કે રોગ ફેલાવતા જંતુઓ દ્વારા હુમલો કરાય તો પણ સ્વિસ લોકો બચી જાય. જેમ કે ‘કોરોના’, બાયોલોજિક વેપન તરીકે પેદા થયેલો આ વાઇરસ બંકરમાં પ્રવેશી ન શકે સિવાય કે કોરોના પોઝિટિવ દર્દી તેમાં પ્રવેશે તો વાઇરસને વાયરલ થવા મોકળું મેદાન મળે. આ બધા બંકર બાંધવામાં છેલ્લાં ૨૦ વર્ષમાં રૂ.૩૦ અબજનો ખર્ચ થયો છે અને હજી નવાં ઘરોમાં જે બંકર બંધાય છે તેમાં દર વર્ષે રૂ. બે કરોડ ખર્ચાય છે.
બે દાયકાથી આવાં આશરાવાળાં ઘર ચૂપચાપ બંધાતાં હતાં પણ પાંચ વર્ષથી વર્તમાનપત્રોમાં તેના અહેવાલ પ્રગટ થાય છે. સ્વિટ્ઝરલેન્ડના લોકો માટે આ ભોંયરા એ સામાન્ય વાત છે. સ્વિટ્ઝરલેન્ડના લ્યુસર્ન શહેરના એક જાહેર રસ્તા નીચે એક જબ્બર ભોંયરું ઊભું કરાયું છે તે સાત માળનું છે. એટલે ઊંચા સાત માળ નહીં પણ નીચા ભૂગર્ભમાં સાત ‘માળ’ જાય છે. આ સાત પડના ભોંયરામાં ૨૧૦૦૦ લોકો સમાઈ શકે છે. બે સપ્તાહ સુધી લોકો જીવી શકે તેટલો સામાન તેમાં રાખી શકાય છે. આ રક્ષાત્મક ભોંયરામાં હૉસ્પિટલ છે અને તેમાં મેટરનિટી વૉર્ડ પણ
રખાયો છે.
જાપાનમાં તો ફોલઆઉટ શેલ્ટર્સના નામે બંકરો વેંચતી એક કંપની ધૂમ કમાણી કરી રહી છે. ગયા વર્ષે આ કંપનીને આવા દસ ભોંયરા માટેના ઓર્ડર મળ્યા હતા. જાપાનમાં ૧૨ થી ૧૫ વ્યક્તિ એક સાથે રહી શકે તેવા શેલ્ટરની કિંમત આશરે રૂ. દોઢ કરોડ હોય છે. જાપાનીઝ પ્રજાને નોર્થ કોરિયાની સારિન ગેસ વાળી મિસાઈલનો બહુ ડર લાગે છે. તેથી બંકર આવા કેમિકલ વેપન સામે રક્ષણ આપે તેવા હોવા જોઈએ એ વાતનો જાપાનીઝ લોકો બહુ આગ્રહ રાખે છે.
બંકરની બાબતમાં રશિયાએ સાવ નોખો પણ દાદ આપવા જેવો કીમિયો અપનાવ્યો છે. રશિયાએ સમગ્ર દેશમાં પથરાયેલી ભૂગર્ભ મેટ્રો ટ્રેનના ભોંયરા અને ટનલને જ એટલા મજબૂત બનાવ્યા છે કે જરૂર પડે તે ન્યુક્લિયર બંકરની ગરજ સારે. યુક્રેન ભૂતકાળમાં સોવિયેત સંઘનું જ એક રાજ્ય હતું અને એટલે યુક્રેનમાં પણ તમામ ભૂગર્ભ મેટ્રો રેલવેના બોગદા બંકરની ગરજ સારે છે. હાલ યુદ્ધના સમયમાં મોટાભાગના યુક્રેનવાસીઓએ રશિયાના મિસાઇલ હુમલાથી બચવા આવી મેટ્રો ટનલોમાં જ આશરો લીધો છે.
ચીનની નીતિ પણ નિરાળી છે. રાજધાની બીજિંગમાં ચીને ભૂગર્ભમાં એ પ્રકારના મોટા ભોંયરા બનાવ્યા છે જેમાં લાખો લોકો રહી શકે. વાસ્તવમાં ચીનમાં નીચલા સ્તરના હજારો લોકો આવા ભોંયરામાં જ કાયમી વસવાટ કરે છે. જેમાં તેમનું જીવન અતિ કંગાળ હોય છે. ૬૦ અને ૭૦ના દાયકામાં શીતયુદ્ધના ભય હેઠળ ચીને આવા બંકર્સ બનાવ્યા હતા. ઔદ્યોગિક વસાહતોમાં મજૂરો રહી શકે તેવા દસ હજાર બંકર્સ ચીને બનાવ્યા છે.
અમેરિકામાં કુલ કેટલા બંકર છે તેની ચોક્કસ વિગતો મળતી નથી, પરંતુ શ્રીમંતોનો બૉમ્બ ચક્રવાતમાં સ્વ-ખર્ચે બનાવેલા વૈભવશાળી બંકરમાં આબાદ બચાવ થતા હવે બાઈડેન સરકારે ગણતરી શરૂ કરવાની સૂચના આપી છે. ન્યૂ યોર્કમાં તાજેતરમાં જ એક બંકર વેંચાવા મુકાયું ત્યારે તેની ખરીદ કિંમત ૧૨ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.
જે કલા ભારતમાં જન્મી, પાંગરી અને જગતભરમાં પહોંચી એ જ કલા આજના ભારતમાં લુપ્ત થઈ ગઈ છે. લોકોએ બસ બંકરની કિવંદતીઓ જ સાંભળી છે અનુભવી નથી. અલબત્ત ભારતીયોના ધ્યાનમાં બંકર બનાવવાનો વ્યવસાય આવ્યો જ નથી. શક્ય છે કે ભારતમાં ફરી બંકર યુગ શરૂ થશે તો શું તેના માત્રામાં પર્યાપ્ત ભૂમિ મળશે?