ઉત્સવ -રાજેશ યાજ્ઞિક
હોળી ના તહેવારની તો વાત શું કહેવી? ભારતીયો ધર્મ અને અધ્યાત્મની સાથે આનંદને કેવી રીતે વણી લે છે તેનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો હોળીનો તહેવાર. ધાર્મિક માન્યતા, ઋતુ પરિવર્તનના સંગમને આનંદોત્સવ બનાવતા કોઈ આપણી પાસેથી શીખે. હોળી વસંતઋતુમાં ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવતો તહેવાર છે. આ દિવસથી નવા સવંત અને નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. ઈતિહાસકારો માને છે કે આ તહેવાર આર્યોમાં પ્રચલિત હતો, પરંતુ મોટાભાગે તે પૂર્વ ભારતમાં જ ઉજવવામાં આવતો હતો.
હોળી શા માટે ઉજવવામાં આવે છે?
હોળીના દિવસે પાંચ ઘટનાઓ બની હતી. પ્રથમ અસુર હિરણ્યકશ્યપની બહેન હોલિકાનું દહન થયું હતું. બીજું શિવ દ્વારા કામદેવને ભસ્મ કર્યા પછી પુન:જીવિત કરવામાં આવ્યો હતો. ત્રીજું, આ દિવસે કૃષ્ણે રાધાને રંગ લગાવ્યો હતો. ચોથું, ત્રેતાયુગની શરૂઆતમાં વિષ્ણુએ ધુલીની પૂજા કરી હતી. અને, પાંચમું, આ દિવસે રાજા પૃથુએ રાજ્યના બાળકોને રમવા માટે અગ્નિથી લાકડા સળગાવીને રાક્ષસી ધુંડીને મારી નાખી હતી. પરંપરાગત રીતે, આ તહેવાર અનિષ્ટ પર ધર્મની જીત તરીકે ઉજવવામાં આવે છે.
પ્રાચીન સમયમાં હોળી હોલાકા તરીકે જાણીતી હતી અને આ દિવસે આર્યો નવત્રષ્ટિ યજ્ઞ કરતા હતા. હોલિકા દહન પછી ’રંગ ઉત્સવ’ ઉજવવાની પરંપરા ભગવાન કૃષ્ણના સમયથી શરૂ થઈ હતી. ત્યારથી તેનું નામ ફગવાહપડ્યું, કારણ કે તે ફાગણ મહિનામાં આવે છે.સમય જતાં, તમામ રાજ્યોએ હોળીની ઉજવણી કરવાનું શરૂ કર્યું અને સ્થાનિક ભાષામાં તેને અન્ય નામોથી બોલાવવાનું શરૂ કર્યું. પ્રાચીન ભારતીય મંદિરોની દિવાલો પર હોળીના તહેવાર સાથે સંબંધિત વિવિધ શિલ્પો અથવા ચિત્રો જોવા મળે છે. અહમદનગર અને મેવાડના ચિત્રોમાં પણ હોળીના તહેવારનું નિરૂપણ જોવા મળે છે. આ તહેવાર ૬રર બીસીથી આ તહેવારની ઉજવણીની નોંધ મળે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી પણ હોળી અને દિવાળી ઉજવવામાં આવી હોવાના પુરાવા મળે છે. પ્રખ્યાત મુસ્લિમ પ્રવાસી અલબરુનીએ પણ તેમના ઐતિહાસિક પ્રવાસ સંસ્મરણોમાં હોલિકોત્સવનું વર્ણન કર્યું છે. ઉપરાંત, ભારતના ઘણા મુસ્લિમ કવિઓએ તેમના લખાણોમાં ઉલ્લેખ કર્યો છે કે હોલિકોત્સવ માત્ર હિંદુઓ દ્વારા જ નહીં પણ ’મુસ્લિમો’ દ્વારા પણ ઉજવવામાં આવે છે. અકબર જોધાબાઈ સાથે અને જહાંગીર નૂરજહાં સાથે હોળી રમ્યાનું વર્ણન ઈતિહાસમાં છે. અલવર મ્યુઝિયમની એક તસવીરમાં જહાંગીર હોળી રમતા જોવા મળે છે. શાહજહાંના સમય સુધીમાં, હોળી રમવાની મુગલ શૈલી બદલાઈ ગઈ હતી. શાહજહાંના સમયમાં હોળીને ’ઈદ-એ-ગુલાબી’ અથવા ’આબ-એ-પાશી’ (રંગોનો વરસાદ) કહેવામાં આવતી હતી. મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર વિશે પ્રસિદ્ધ છે કે તેમના મંત્રીઓ તેમને હોળી પર રંગવા માટે જતા હતા. તે જ સમયે, હિન્દી સાહિત્યમાં કૃષ્ણલીલાઓમાં હોળીનું વિસ્તારથી વર્ણન મળે છે. સંસ્કૃત સાહિત્યમાં હોળીના અનેક સ્વરૂપો છે. જેમાં શ્રીમદ ભાગવત મહાપુરાણમાં હોળીના રાસનું વર્ણન કરવામાં આવ્યું છે. ભક્ત કવિઓએ પણ વસંત અને હોળી ઉપર અનેક રચનાઓ કરી છે. એકલા કવિ સુરદાસે વસંત અને હોળી પર ૭૫થી વધુ પદો લખ્યાની નોંધ મળે છે. હોળીનો શાસ્ત્રીય સંગીત સાથે ગાઢ સંબંધ છે. જો કે, ધ્રુપદ, ધમાર અને ઠુમરી વિના હોળી હજુ પણ અધૂરી છે. બીજી તરફ રાજસ્થાનના અજમેર શહેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ગવાતા હોળીના ગીતોનો રંગ જ અલગ છે.
ભારતમાં હોળી ઉજવવા માટે કોઈ નિશ્ચિત નિયમ અને કાયદો નથી, તેમ છતાં અહીં લગભગ ૧૪ રીતે હોળી ઉજવવામાં આવે છે.
૧. લઠ્ઠમાર હોળી: આ હોળી વિશ્વપ્રસિદ્ધ છે. લઠ્ઠમાર હોળી ઉત્સવ એ ભારતના ઉત્તર પ્રદેશ પ્રાંતમાં હોળીની ઉજવણીની અનોખી અને પ્રખ્યાત રીત છે. બરસાનાની લઠ્ઠમાર હોળી મુખ્યત્વે ભગવાન કૃષ્ણના મૂળ નિવાસસ્થાનમાં ઉજવવામાં આવે છે. વૃંદાવન, મથુરા, નંદગાંવ અને બરસાના પ્રદેશના તમામ વતનીઓ સમૂહમાં લાઠીઓ (લાકડીઓ) અને ઢાલ અને પલાશના ફૂલોમાંથી બનાવેલા રંગો સાથે હોળીની ઉજવણી કરવા માટે ભેગા થાય છે. પરંપરા મુજબ, બરસાનાના ગોપ (પુરુષો) ગોપીઓ (સ્ત્રીઓ) સાથે હોળી રમવા માટે નંદગાંવ પર આક્રમણ કરવાનો પ્રયાસ કરે છે. દર વર્ષે દુનિયાભરમાંથી લોકો લઠ્ઠમાર હોળી માટે મથુરા આવે છે.
૨. ડોલા: ડોલા હોળી ભારતના ઓડિશા પ્રાંતના દરિયાકાંઠાના પ્રદેશોમાં ઉજવવામાં આવે છે. ભારતના બાકીના પ્રદેશોમાં બે દિવસના હોળી મહોત્સવ સામે ડોલા મહોત્સવપાંચ-સાત દિવસ સુધી ચાલે છે. ડોલા તહેવાર ફાગણની દશમીના રોજ શરૂ થાય છે જ્યારે દરેક વ્યક્તિ તેમના દેવતાઓ (ખાસ કરીને ભગવાન કૃષ્ણ) ની યાત્રાઓ (ધાર્મિક મેળાવડા) કરે છે અને તેમને ભોગ (મીઠાઈ) અને અબીરા (રંગીન પાવડર) અર્પણ કરે છે. આ યાત્રા આગામી ચાર દિવસ સુધી ચાલુ રહે છે અને ફાગણ ની પૂર્ણિમા પર હોળી રમીને સમાપ્ત થાય છે.
૩. બસંત ઉત્સવ: બસંત ઉત્સવ એ ભારતના પશ્ચિમ બંગાળ પ્રદેશમાં હોળીની ઉજવણી છે. પશ્ચિમ બંગાળમાં લોકો ભુજાઓ ફેલાવીને બસંત રિતુ (વસંત ઋતુ)નું સ્વાગત કરે છે. તેઓ બસંત ઉત્સવ દરમિયાન પીળા વસ્ત્રો પહેરે છે અને દિવસભર ગુલાલ સાથે હોળી રમે છે.
૪. ફાગુનવા: ફાગુનવા એ ભારતના બિહાર પ્રાંતની સ્થાનિક બોલી ભોજપુરીમાં હોળીની ઉજવણી છે. ફાગુનવાનું અપભ્રંશ ફગુવા પણ બોલાય છે. ફાગુનવા હોળી લોકગીતો, થંડાઈ અને ગુજીયા સાથે ઉજવવામાં આવે છે. ઢોલકના તાલે ગવાતા લોકગીતોની રોનક જોવા જેવી હોય છે.
૫. શિગ્મો: શિગ્મો હોળી એ ભારતના ગોવા રાજ્યમાં હોળીની ઉજવણીનું એક સ્વરૂપ છે. તે ખેડૂતોના મુખ્ય તહેવારોમાંનો એક છે કારણ કે તેઓ આનંદપૂર્વક વસંતનું સ્વાગત કરે છે. શિગ્મો ઉત્સવ દર વર્ષે ૧૪ દિવસ સુધી ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. શિગ્મો એ ગોવાના પરંપરાગત તહેવારોમાંનો એક છે, જે ગોવાના અન્ય સ્થાનિક કાર્નિવલ કરતા ઘણો અલગ છે.
૬. યોઆસાંગ: યોઆસાંગ એ ભારતના મણિપુર પ્રાંતમાં લમદા’ના છેલ્લા પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવતો હોળીનો તહેવાર છે. તે છ દિવસ સુધી ચાલે છે. તે દિવસોમાં સમગ્ર ખીણ ઉત્સવના રંગોમાં ઢંકાઈ જાય છે. યુવાનો રસ્તાના કિનારે ’યોસાંગ’ નામની વાંસની ઝૂંપડી બનાવીને તેમાં ભાગ લે છે. એક બ્રાહ્મણ (ભક્ત) દ્વારા ઝૂંપડીમાં ભગવાન ચૈતન્યની મૂર્તિ રાખવામાં આવે છે. જેની પૂજા કરવામાં આવે છે અને ભજન અને કીર્તન કરવામાં આવે છે.અંતિમ દિવસે, ‘હરિ બોલ’ અને ‘હે હરિ’ ના મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવે છે અને ઝૂંપડી નું દહન કરવામાં આવે છે. ગોવિંદજીના મંદિરમાં હોળી રમવામાં આવે છે, કુવામાં રંગો ભેળવવામાં આવે છે અને પછી ભગવાન કૃષ્ણની સ્તુતિમાં ભક્તિ ગીતોની ધૂન પર નૃત્ય કરતા લોકો પર છાંટવામાં આવે છે.
૭. બૈઠાકી અથવા ખાદી હોળી: ઉત્તરાખંડમાં, હોળીને બૈસાખી અથવા ખાદી
હોળી તરીકે ઉજવવામાં આવે છે, લોકો તેમના પરંપરાગત વસ્ત્રોમાં ભેગા થાય છે, પરંપરાગત ગીતો ગાય છે અને શહેરની આસપાસ ફરે છે. લોકો ચહેરા પર રંગ લગાવીને એકબીજાને શુભેચ્છા પાઠવે છે. હોળી ઉત્તરાખંડમાં રંગો અને ઉલ્લાસનો તહેવાર છે.
૮. રંગ પંચમી: મહારાષ્ટ્રમાં હોળીને રંગ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. હોલિકા દહનના રૂપમાં લાકડા સળગાવીને ઉજવણીની શરૂઆત થાય છે. બીજા દિવસે, લોકો સૂકા અને ભીના રંગો સાથે સંગીતની ધૂન પર નૃત્ય કરે છે.
૯. ડોલ જાત્રા: રોશગુલ્લાની ભૂમિ, પશ્ચિમ બંગાળમાં પણ હોળીના અસાધારણ તહેવારની ઉજવણી કરવાની ખૂબ જ સુંદર રીત છે. હોળી અહીં બસંત ઉત્સવ સાથે દોલ જાત્રા ઉજવાય છે. અહીંની મહિલાઓ પીળા રંગના વસ્ત્રો પહેરે છે, જે વિપુલતાનું પ્રતીક છે અને રંગો અને સંગીત સાથે સમૃદ્ધ બંગાળી સંસ્કૃતિની ઉજવણી કરે છે.આ ઉપરાંત, પરંપરાગત ગીતો અને નૃત્ય સાથે રવીન્દ્રનાથ ટાગોરની કવિતાનું પઠન પણ કરે છે. હોળીના બીજા દિવસને ડોલ જાત્રા તરીકે ઉજવવામાં આવે છે, ભગવાન કૃષ્ણની શોભાયાત્રા ગાતા અને નૃત્ય સાથે શેરીઓમાંથી પસાર થાય છે.
૧ર. મંજુલ કુલી અથવા ઉકુલી: કેરળમાં હોળી મંજુલ કુલી તરીકે ઉજવવામાં આવે છે, જેને ઉકુલી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેરળના કુંભ અને કોંકણી સમુદાયો હોળીની ઉજવણી કરવાની પોતાની આગવી રીત ધરાવે છે. હળદર અથવા મંજલ કુલીનો ઉપયોગ મુખ્યત્વે હોળી રમવા માટે રંગ તરીકે થાય છે.
૧૧. ફાકુઆ: ફાકુઆ એ આસામમાં હોળીનો મૂળ તહેવાર છે. તે ડોલ જાત્રા જેવો જ છે અને પશ્ચિમ બંગાળની ઉજવણીમાં તમને ઘણા સામાન્ય તત્વો જોવા મળશે. આસામની વિશિષ્ટ ઉજવણીમાં પહેલે દિવસે હળદર, પલાશના ફૂલ, ગુલાબ વગેરે કુદરતી તત્વોથી બનેલા રંગોથી હોળી રમાય છે. બીજે દિવસે નદી કિનારે લોકો ભેગા થઈને પાણી અને કાદવથી હોળી રમે છે. મહત્વની વાત એ કે ત્યાં હોલિકાને બાળવાની પરંપરા નથી, કારણકે હિરણ્યકશ્યપને આસામના લોકો પોતાના પૂર્વજ માને છે.
૧૨. હોલા મોહલ્લા: આ હોળીને યોદ્ધા પણ કહેવામાં આવે છે. આ હોળી પંજાબમાં નિહંગ શીખો દ્વારા ઉજવવામાં આવે છે. તે ખૂબ જ અનોખી અને હોળીની ઉજવણીની પરંપરાગત રીતો થી જુદી છે. હોળીના આગલા દિવસે, નીહંગો પોતાની યુદ્ધકળાનું પ્રદર્શન કરે છે, તથા લોકો સમૂહમાં નૃત્ય અને સંગીતનો આનંદ માણે છે.
૧૩. ભગૌરિયા હોળી: મધ્યપ્રદેશમાં રહેતા ભીલ આદિવાસીઓ માટે હોળી ખાસ છે. આ ભીલ હોળીને ભગૌરિયા કહેવાય છે. મોટા થતા છોકરાઓને આ દિવસે તેમના મનપસંદ જીવનસાથીની પસંદગી કરવાની છૂટ છે. ભીલો પાસે હોળી ઉજવવાની અનોખી રીત છે. આ દિવસે તેઓ કેરીના ઝાડ, ટેસુના ફૂલો અને ઘઉંની ડોડાની પૂજા કરે છે અને નવા જીવનની શરૂઆત માટે પ્રાર્થના કરે છે.
૧૪. કામ દહનમ (તમિલનાડુ) અને કામાના હનીમે (કર્ણાટક)
તમિલનાડુમાં કામન પીંડીગઈ અથવા કામ દહનમ નામે હોળી ઉજવાય છે. ઉત્તર ભારતમાં નારાયણે પ્રહલાદને ઉગાર્યો તે કથા છે તો દક્ષિણમાં ભગવાન શિવે કામદેવને જીવનદાન આપ્યું. લોકો હોળીને કામદેવના યજ્ઞ તરીકે યાદ કરે છે. કામવિલાસ અને માસી માગમ જેવા નામ પણ પ્રચલિત છે. કર્ણાટકમાં હોળીના તહેવારને કામાના હનીમે તરીકે ઉજવવામાં આવે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણામાં પણ આવી જ હોળી ઉજવવામાં આવે છે.