મહાવિકાસ આઘાડીનો વધુ એક નિર્ણય વિવાદમાં: ભાજપના વિધાનસભ્યની ફડણવીસને ફરિયાદ
વિપુલ વૈદ્ય
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કોરોના રોગચાળામાં કરવામાં આવેલા આડેધડ ખર્ચાઓની વિગતો એક પછી એક બહાર આવી રહી છે અને ભાજપના વિધાનસભ્યો આ મુદ્દે તત્કાલીન પાલિકા અધિકારીઓ અને શિવસેનાને સપડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાલિકાએ કોરોનાકાળમાં શહેરના કોરોનાદર્દીઓની સારવાર માટેના પૈસા અધિકારી-કર્મચારીઓના રહેવા-ખાવા પર ઉડાવી નાખ્યાનો ગંભીર આરોપ ભાજપના વિધાનસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે અને આ પ્રકરણે એસીબી (એન્ટી-કરપ્શન બ્યૂરો) દ્વારા તપાસ કરાવવાની માગણી કરવામાં આવી છે.
કોરોનાકાળમાં રાજ્યમાં ઓક્સિજન પ્લાન્ટ્સ, બેડ્સ, વેન્ટિલેટર, દવા, પીપીઈ કિટ, ગ્લોવ્સ, માસ્ક વગેરેની અછત નિર્માણ થઈ હતી. આવા સમયે દરેક પૈસાનો વપરાશ કોરોના દર્દીઓનો જીવ બચાવવા માટે કરવાનો હતો. પરંતુ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ફાઈવ-સ્ટાર હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકોના જીવની ચિંતા કરવાને બદલે પાલિકાના ૨૪ વોર્ડના અધિકારીઓ-કર્મચારીઓના રહેવા અને ખાવા પર રૂ. ૩૪.૬૧ કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. અધિકારીઓને ફાઈવ-સ્ટાર સુવિધા મળી રહી હતી અને બીજી તરફ કૉન્ટ્રેક્ટ પર કામ કરનારા આરોગ્ય કર્મચારીઓને વેતન આપવામાં આવ્યા નહોતા. મુંબઈ મનપાએ ૬ મે, ૨૦૨૦ના રોજ અધિકારીઓની સુવિધા માટે કરવામાં આવેલા રૂ. ૩૪ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
તેમણે એવો પણ મુદ્દો ઉઠાવ્યો છે કે જ્યારે આ બધી હોટેલોને અનેક પ્રકારના વેરાઓમાં પાલિકાએ રાહત આપી હતી તો પછી તેમણે પાલિકા પાસે આટલું બિલ કેમ વસૂલ કર્યું? જો આ હોટેલોએ સ્વેચ્છાએ રહેવા-ખાવાની વ્યવસ્થા કરવાનું કબૂલ કર્યું હતું તો પાલિકાએ બિલને મંજૂર કેમ કર્યું? આ બધા પાસાની તપાસ કરવાની માગણી ભાજપના વિધાનસભ્ય મિહીર કોટેચાએ પોતાના પત્રમાં કરી છે.