Homeલાડકીએકલા જ જવું પડશે એ વિચારમાત્ર તરુણાવસ્થામાંથી યુવાની તરફ ધપતી યુવતીઓને ગભરાવી...

એકલા જ જવું પડશે એ વિચારમાત્ર તરુણાવસ્થામાંથી યુવાની તરફ ધપતી યુવતીઓને ગભરાવી દે છે

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

‘આદિકાળ’થી સદાય પોતાના મનને મારી, જાતને જીવતી રાખતી માનુનીને લગતી કોઈપણ વાત આવે ત્યારે સ્ત્રી મનને ક્યારેય કળી શકાયું નથી, એમ કહી મહત્ત્વના મુદ્દાઓને પણ જાકારો આપી દેતા આપણે સૌ ખચકાતા નથી. સ્ત્રી દાક્ષિણ્ય , સ્ત્રી દાયીત્વ , સ્ત્રી સમાનતા અને સ્ત્રી સહિષ્ણુતાની ચર્ચાઓ, વાતો, વિચારો, ચિંતન, મનન, મંથન કરતો આપણો સમાજ અને આપણે ખુદ સ્ત્રીની સ્વસ્થતાની વાત આવે ત્યારે અસ્વસ્થતા શા માટે અનુભવતા હોઈએ છીએ ? અને એમાં પણ ના દેખાતી હોય તેવી સ્ત્રીની પીડા શું એક રોગ નથી ? શું એ સદાય રમતા રહેતા સ્મિત પાછળ સંતાયેલી વેદના ક્યારેય વાચા મેળવવા સક્ષમ બનશે નહીં? યુવતીઓ સાચેજ શું અનુભવે છે તે જાણવા માટે એને બોલવા દેવી પડે , એના વિચારોને વિહરવા માટેનું મુક્ત આકાશ પૂરું પાડવું પડે અને કોઈ એક યુવતીનો પ્રશ્ર્ન એ બીજી યુવતીનો ઉકેલ ના જ હોય શકે એ સમજણ પણ કેળવવી પડે. ખાસ કરીને એવી ઉંમરે કે જ્યારે યુવતીઓના પ્રશ્ર્નો ચોક્કસ એકસરખા હોય,પરંતુ એના જવાબો સુધી પહોંચવાના રસ્તાઓ અલગ અલગ દિશાના માલિક હોય.
બાળપણથી લઈને અઢાર-વીસ વર્ષ સુધી કોઈ જ જગ્યાએ એકલું ના જવાની આદત કોઠે પડી ચૂકી હોય ત્યારે જિંદગીની શરૂઆતી મજલ કાપ્યા બાદ પોતાની જાતને કોઈ જગ્યા પર પહોંચાડવા એકલા જ જવું પડશે એ વિચારમાત્ર તરુણાવસ્થામાંથી યુવાની તરફ ધપતી યુવતીઓને ગભરાવી દે છે અને આથીજ એને બીજી કોઈજ શક્તિ કરતા પોતાની અંદર સહનશક્તિ ખીલવવી કદાચ વધુ ગમતી હોય છે , ગોઠતી હોય છે. જેના કારણે સમાધાન કરી લેવાની વૃતિ જોર પકડે અને ધીમે ધીમે યુવાનીએ જિંદગી શરૂ થવાના સપના જોતી યુવતીઓની જિંદગી ક્યારેક ત્રીસીમાં પહોંચતા પહેલા જ ખતમ થઇ જતી હોય એવું પણ બને છે .
હકીકતમાં જિંદગી શરુ કરવી એટલે શું ? એ જાણવું દરેક યુવતી માટે અત્યંત જરૂરી બની જાય છે. યુવાની એટલે વર્ષો સુધી વણવપરાયેલ વસ્તુ પરની ધૂળ ખંખેરવાની ઉંમર, યુવાની એટલે વર્ષો થયે સંભાળી ઉછેરેલા સ્વપ્નોને ચળકાટ આપવાની ઉંમર.. યુવાની એટલે વિસ્તારવાની, વિકસવાની , વિહરવાની ઉંમર .. યુવાની એટલે નવી આશા, નવા સપના,નવા અનુભવો, નવા ઉમંગો, નવા તરંગો, નવી ખુશીઓ અને નવી તકલીફોને આવકારવાની ઉંમર… યુવાની એટલે પાછળ વહી ગયેલા બાળપણ અને તરુણાવસ્થાનાં વર્ષોનો નિર્દોષ આનંદ અને અણઘડ અનુભવોનો નીચોડ લઈને આવેલી ઉંમર. યુવાની એટલે બાળપણ, કિશોરાવસ્થા અને નાદાની પછી જિંદગીના જોશને આવકારવાની ઉંમર. યુવાની એટલે પૂરબહારમાં ખીલેલી વસંત અને જીવનની ઉગતી સોનેરી સવાર.
આપણે સૌ એ તો જાણીએ જ છીએ કે શા માટે યુવાનીને આટલું મહત્ત્વ આપવામાં આવે છે ? શા માટે એની શરૂઆતનાં વર્ષો અને વખતને બહુ જ અગત્યના ગણાય છે. સ્કૂલ-કોલેજમાં પણ તેને લગતા વિષયો પર પણ ભાર આપવાની શરૂઆત કરવામાં આવી હોય છે. પરંતુ યુવાનીએ જિંદગીની સાચી શરૂઆત આ વાક્ય કે વિચાર ક્યાંથી અને કઈ રીતે ઉદ્ભવ્યો એ જાણવા માટે આપણે થોડો ઈતિહાસ તપાસવો પડે. મધ્યયુગી ઈંગલૅન્ડ તેમજ યુરોપમાં સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય ૪૦ કે તેની આસપાસનું રહેતું , ઘણીખરી વિષમ પરિસ્થિતિઓની સામે સામાન્ય સગવડતાઓનો અભાવ ટૂંકા આયુષ્ય માટે જવાબદાર હતું અને આથીજ લગભગ વીસમી સદીની શરૂઆતના દાયકાઓ સુધી મયફવિં બયલશક્ષત ફિં રજ્ઞિિું આવી વાયકા પ્રચલિત હતી. ત્યારબાદ ધીમી પણ મક્કમ ગતિએ માનવજાત એ જે વિકાસની હરણફાળ ભરી એના પરિણામસ્વરૂપ અનેક રીતે જીવનશૈલીથી શરૂ કરી જીવાદોરી અને જીવનરક્ષક સુધીની સેંકડો સુવિધાઓનો જન્મ થયો અને સાથે ઉદય થયો એક એવા યુગનો એક એવી વિચારધારાનો કે જેમાં યુવાનીનો સમયગાળો વધ્યો, હવે સ્ત્રીઓ પોતાની ઉંમરને વધુ માણતી થઈ. ધીરે ધીરે વ્યક્તિનું સરેરાશ આયુષ્ય વધવા લાગ્યું ત્યારે જીવનને માણી , જાણી અને અવગણી લીધા બાદ એક નવા જ આયામથી જાતને ઉજાગર કરવાની તક યુવતીઓને વધુ મળવા લાગી.
પરંતુ એવી સ્ત્રીઓનું હજુ પણ અસ્તિત્વ છે જેઓ સૈકાઓ પહેલાના જ જીવનને અપનાવીને છેક છેલ્લા શ્ર્વાસ સુધી ત્યાંજ અટકેલી જોવા મળે છે જેમાંથી એકવીસમી સદીની આધુનિક કહેવાતી નારીઓ પણ બાકાત રહેલી જોવા
મળતી નથી. યુવાનને આજના યુગમાં જિંદગીને થોડી વધુ સારી , વધુ મઠારેલી રીતે જીવવાની ફરી તક આપતી ઉંમર છે. એનો સ્વીકાર એટલે આરોગ્યને આવકાર.. અસ્વીકાર એટલે અસ્વસ્થતાનું આગમન.
કહેવાય છે ને કે આ પરિવર્તનશીલ જગતમાં બધુ જ બદલાય છે માત્ર પરિવર્તનનો નિયમ બદલાતો નથી એવી જ રીતે એક નાનકડી બાળકીથી લઈને ઊછળતી-કૂદતી તરુણી અને અંતે યુવાનની આવતા સુધીમાં સ્ત્રીની અંદર લગભગ બધુજ બદલાય છે માત્ર એ બદલાવ આવશે એ હકીકત ક્યારેય પણ બદલાતી નથી. આપણે સતત બદલાતા જતા જીવનમાં એકધારું , અવિરત સ્વસ્થ ને આનંદિત કેમ રહેવું એના કોઈ વર્ગો ચાલતા નથી હોતા કે નથી એવું કશું શીખવાડવામાં આવતું , નથી એના વિષે કોઈ માહિતી પુસ્તિકાઓ કે નથી એની કોઈ પરીક્ષાઓ અને પરિણામો .!! એ આપણે જાતેજ શીખવું, જાણવું, અનુભવવું પડે. પછડાટ ખાવી પડે ને ઘા પણ રૂઝવવા પડે પણ એ બધામાંથી શીખ લઈને ફરી બેઠા થવાની વેળા એટલે યુવાની.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -