રોજ બરોજ-અભિમન્યુ મોદી
દીપિકા પાદુકોણની નારંગી બિકિનીએ તો ગામ ગજવ્યું છે. યુટ્યૂબ પર બેશરમ રંગ ગીત રિલીઝ થયું અને બે જ કલાકમાં એક મિલિયનના વિક્રમી આંકને પાર કરી ગયું. અભ્યાસમાં ઉપયોગી બને તેવા વિજ્ઞાનના અઘરા કોયડાની સરળ સમજૂતી આપતા વીડિયોઝ પણ યુટ્યૂબમાં પડ્યા છે. તેનો અપલોડ ટાઈમ પણ ૧૦ વર્ષનો છે છતાં આજ સુધી એ વીડિયો માંડ ૫૦ હજાર વ્યૂ પર પહોંચ્યા છે જ્યારે દીપિકાની બિકિની પર શુષ્ક બૌદ્ધિક વ્યાયામ શરૂ થતાં અબજોએ લોકોએ તેને નિહાળી લીધું અને કમેન્ટ બોકસમાં પોતાના ધારદાર વિચારો રજૂ કરી દીધા, પરંતુ નારંગી રંગ પર આટલો વિવાદ કેમ? દીપિકા પહેલા એક ડઝન અભિનેત્રીએ નારંગી રંગના પરિધાન પહેરીને પ્રેમાલાપ કર્યો છે. મોહરા ફિલ્મના ટીપ ટીપ બરસા પાની ગીતમાં રવિના નારંગી સાડીમાં જ અલંકૃત નૃત્ય કરે છે, બેટા ફિલ્મમાં માધુરી દીક્ષિતે નારંગી ડ્રેસમાં ‘ધક ધક’ શબ્દને નર્તનથી અંગીકાર કરવા જે મુદ્રાઓ અને ચોક્કસ પ્રકારનાં અંગો-ઉપાંગોનો ઉપયોગ કર્યો એમાં જ તેને ધક ધક ગર્લનું બિરુદ મળ્યું, મૈંને પ્યાર કયું કિયા ફિલ્મના ‘લગા પ્રેમ રોગ’ ગીતમાં નારંગી સાડીમાં સજ્જ થઈને સુષ્મિતા સેન અને સલમાન ખાનનાં શૃંગારિક દ્રશ્યો ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા, દે ધના ધન ફિલ્મની પબ્લિસીટી માટે અક્ષય કુમાર અને કેટરીના કૈફના પર સોફ્ટપોર્ન સમી કોરિયોગ્રાફી ફિલ્માવવામાં આવી હતી, તેમાં તો કેટરીનાના અડધી ઉઘાડી સાડી પર વિવાદ ન થયો. રામગોપાલ વર્મા અને ઊર્મિલા માતોંડકરનો પ્રેમ જ્યારે પરવાને ચડ્યો હતો ત્યારે ઊર્મિલાએ પણ નારંગી રંગની જ બિકિની પહેરી હતી. સત્તાધારી સરકારના મંત્રીઓ નારંગી રંગનું સમર્થન કરીને બિકિની બનાવનારને શૂળીએ લટકાવવા માટે આતુર થયા છે તેમણે છેલ્લાં બે દાયકાના ઈતિહાસ પર દૃષ્ટિગોચર કરવું આવશ્યક છે. ભારતનું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જેમના શીર્ષ નેતૃત્વમાં આ બિકિની વિવાદને સમર્થન આપે છે તે મંત્રી સ્મૃતિ ઈરાની જ્યારે અભિનય ક્ષેત્રે પદાર્પણ કરતાં હતાં એ સમયે તેમણે પણ મિસ ઇન્ડિયાના ફાઇનલ રાઉન્ડમાં નારંગી બિકિની ધારણ કરીને રેમ્પ વોક કર્યું હતું. તેનો વીડિયો ખુદ એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ તો ફિલ્મની વાત છે સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર બનેલી લાખો માનુનીઓએ નારંગી રંગની બિકિની કે ટૂંકાં વસ્ત્રો પહેરેલી તસવીરો શેર કરી છે. વિવાદ તો નારંગી રંગ સાથે જોડાયેલી આ પ્રત્યેક ઘટનાઓ સાથે થવો જોઈએ ને!, પણ શું બિકિની પર બાલિશ ચર્ચા થવી જોઈએ? અને જો તેને ધર્મ સાથે જોડવામાં આવે તો નારંગી રંગથી સજ્જ આવા ટૂંકા પરિધાન ધારણ કરનાર દરેક મહિલા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ ને?
ભારતમાં રંગ પાછળનો મર્મ સમજી જે યુવાધન વિરોધ કરવા નીકળ્યું છે તેને કોઈ પત્રકારે પૂછ્યું કે તેઓ અભ્યાસ કરે છે નોકરી? જો નોકરી કરે છે તો કપાતા પગારે વિરોધ કરવા ઊમટી પડ્યા? અને જો અભ્યાસ કરે છે તો તેનાં માતા-પિતાએ લાખો રૂપિયાની ફી ભરી છે તેનો વિવાદિત વિષયના દુષ્પ્રચારમાં બગાડ કરે છે? દેશનું યુવાધન આટલો સમય વિરોધમાં વેડફે છે તેના કરતાં જીપીએસસી કે યુપીએસસીની પરીક્ષાની તૈયારીમાં વ્યતીત ન કરી શકે? બિહારના છાપરા જિલ્લામાં લઠ્ઠાકાંડે ભ્રષ્ટ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની પોલ છતી કરી છે, ચીન તવાંગને ગળી જવા માગે છે, પાકિસ્તાનના વિદેશમંત્રી મોદી સાહેબને લાદેન સાથે સરખાવે છે, મધ્યપ્રદેશમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વ્યાપામ કૌભાંડમાં વ્હિસલ બ્લોઅર બનેલા યુવાન પર પોલીસની હાજરીમાં પ્રાણઘાતક હુમલો થયો, અમદાવાદ-રાજકોટની પોલીસ ગંભીર કેસમાં ફરિયાદ દાખલ નથી કરતી તેવા આક્ષેપો લોકમુખે ઊઠે છે, મુંબઈ-કર્ણાટકના સરહદ વિવાદથી ગ્રામ્ય પ્રજા અરણ્યરુદન કરે છે, અનૈતિક, ગેરકાયદે, ગેરબંધારણીય અને ભ્રષ્ટાચારથી ખરડાયેલું કામ કરનારને મંત્રી પદ મળે છે, દેશના દરેક પ્રાંતમાં કચડાયેલા વર્ગની ઉન્નતિ માટે હિજરત પર ઉતર્યો છે, લોકપ્રતિનિધિઓ આશ્ર્વાસન અને સહાયની વાતો કરે છે, પરંતુ મોરબીની હોનારતમાં સ્વર્ગસ્થ થયેલા દિવંગતોનાં સ્વજનો ન્યાય માટે ઝૂરી રહ્યા છે, બિલકિસ બાનું ભયના ઓથાર તળે જીવન વ્યતીત કરે છે કારણ કે તેના સ્વજનોની નિર્મમ હત્યા કરી તેનો દેહ અભડાવનાર પિશાચો ખુલ્લેઆમ ફરે છે. શું આવા મુદ્દા પર ચર્ચા,ચિંતન કે બહસ ન થવી જોઈએ? આ ઘટનાઓ રાજનેતાઓને લાગુ નથી પડતી? યુવાનો તેનાથી વિમુખ છે? વૈશ્ર્વિક મંચ પર ભારતની ઓળખ બૌદ્ધિક સંપદા ધરાવતા રાષ્ટ્ર તરીકે થાય છે તો આવી કુંઠિત સંપદાના ભારતવાસી વારસદાર છે?
‘પઠાણ’ ફિલ્મનો વિરોધ અને નારંગી રંગની અસ્મિતા બચાવવા માટે જંગે ચડેલા નાગરિકોને ભારતનું બંધારણ વિરોધ કરવાની પૂર્ણ સ્વતંત્રતા પ્રદાન કરે છે પણ શું આ બાલિશ વિરોધથી ભારતની ફિલ્મમાં પેસી ગયેલા કોન્ટ્રોવર્સીના વાઇરસનું સમાધાન થશે? દીપિકાના પિતાએ વર્ષો સુધી ભારતને આંતરરાષ્ટ્રીય તખ્તા પર ગૌરવ અપાવવાનું કાર્ય કર્યું અને હવે દીપિકાનું ફિલ્મી કરિયર વિવાદનો કેન્દ્રબિંદુ બન્યું છે. ગહેરાઈયાં ફિલ્મમાં દીપિકા સહજતાથી પ્રિય પાત્રને દગો આપી દેહસુખ માણતી બિન્દાસ્ત યુવતી બની હતી ઉતેજક દ્રશ્યો આપીને તેનું પાત્ર અશ્ર્લીલતાની કઇ ‘ગહેરાઈ’માં જતું હતું એ લેખક જાણે, પરંતુ ટીકાએ ત્યારે પણ પણ દીપિકાને ઘેરી લીધી હતી. દીપિકાની એસિડ એટેક સર્વાઈવરની પ્રેરણાત્મક કથા રજૂ કરતી ફિલ્મ ‘છપાક’ રિલીઝ ત્યારે એ જેએનયુમાં પહોંચી ગઇ હતી અને ત્યાં વિદ્યાર્થી આંદોલન માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જોકે, દીપિકાનાં પાસાં અવળાં પડયાં અને જેએનયુના આંદોલનકારીઓ પર ટુકડે ટુકડે ગેંગના સમર્થક હોવાનો ડાઘ લાગ્યો હતો. તેના છાંટા આજે પણ દીપિકાના પરિધાન પર ઉડયા કરે છે. પદ્માવતી ફિલ્મના વિવાદથી જ દીપિકાનું કરિયર આકાશની ઊંચાઈએ પહોંચી ગયું હતું. ફિલ્મ ઉપરાંત દીપિકા ભૂતકાળમાં બોલીવૂડ ડ્રગ્સ કેસમાં પણ વિવાદમાં સપડાઈ હતી તેણે ડ્રગ્સ માટે ‘માલ હૈ ક્યા’ એવો મેસેજ કર્યો હતો. તેની ચેટ વાઈરલ થયા બાદ મુંબઈ એનસીબી દ્વારા તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. તેના પતિ દેવ તો વિવાદના રોલ મોડેલ છે. રણવીરના ન્યુડ ફોટોશુટનો વિવાદ માંડ શમ્યો ત્યાં પત્નીએ વિવાદનું સિંહાસન કબજે કરી લીધું.
ખાન ત્રિપુટીની ફિલ્મોમાં વિવાદ થાય છે કે વિવાદ ઉત્પન્ન કરવામાં આવે છે એ પણ યક્ષપ્રશ્ર્ન છે! સુપરસ્ટાર શાહરૂખના વિવાદો એટલા બધા વધી ગયા છે કે એ શાહરૂખના હાડોહાડ પ્રશંસકને એ સવાલ થાય કે શાહરૂખને થયું છે શું? દિલ્હીનો આ છોકરો ફૌજી બનીને હિન્દુસ્તાનીઓના દિલમાં તો છવાયો પણ છેલ્લા કેટલાક સમયથી તે ફિલ્મ સિવાયની બાબતોમાં જ વિવાદમાં રહે છે. આઇપીએલનું ઊંબાડિયું જ્યારથી શાહરૂખે હાથમાં લીધું છે ત્યારથી તેની ફિલ્મોમાં પણ ચડાવ-ઉતાર વધ્યા છે. શાહરુખ ખાનની માય નેમ ઇઝ ખાન ‘ફિલ્મ રિલીઝ થવાની હતી એ વખતે આવો જ વિવાદ ચગ્યો હતો. મહાદેવના સૈનિકોએ તેના માટે પાકિસ્તાનનું પાસપોર્ટ કઢાવ્યું હતું, અમેરિકામાં ઇમિગ્રેશન ઑફિસરોએ શાહરૂખને ‘ખાન’ અટકના કારણે અટકાવીને પૂછપરછ કરી હોવાની અફવા ઊડી હતી જે અંતે ‘માય નેમ ઇઝ ખાન’ના પ્રમોશનનો એક ભાગ હોવાનું સામે આવ્યું હતું. સલમાન અને આમિર પણ વિવાદના કુંડાળામાં રચ્યા-પચ્યા રહે છે. આમિરની લાલસિંહ ચઢ્ઢા વખતે પણ બોયકોટનો બકવાસ થયો હતો. સુલતાન ફિલ્મ રિલીઝ થયા બાદ સલમાને એવું નિવેદન આપ્યું હતું કે દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાની જેમ તેનું શરીર શૂટિંગ વખતે પીડા આપતું હતું. ત્યારે પણ વિવાદ તો થયો હતો પણ તેનો સમૂળગો ફાયદો ફિલ્મને મળી ગયો. ખાન ત્રિપુટીની ફિલ્મો પ્રેક્ષકની દૃષ્ટિએ ફ્લોપ નીવડી હોય, પરંતુ બજેટની દૃષ્ટિએ તો હિટ સાબિત થાય છે! ફિલ્મ આવે ત્યારે જ અચાનક વિવાદ ઊપજે અને દેશની પ્રજા પોસ્ટર લઈને આંદોલન કરવા નિકળી પડે છે.
ક્યાં સુધી પ્રજા આવા બાલિશ વિવાદના કૂચક્રમાં ફસાયેલી રહેશે? ભારતની આતંકવાદ સામેની લડાઇ જગજાહેર છે પણ આવી નકામી આંતરિક લડાઈ અને વિવાદનું શું કરવું? ભારત મહાસત્તા કેમ નથી બન્યું? આવા આંતરિક વિવાદ અને કકળાટમાંથી નાગરિકો બહાર નીકળે તો વિકાસનો વિચાર આવે ને! ઘર એક મંદિર હોય અને તેમાં દૈનિક નાનાસુની વાત પર ઝગડા થાય તો ઘર મકાન બની જાય અને મંદિરની વ્યાખ્યા લુપ્ત થઈ જાય. એ જ રીતે ભારતના નાગરિકોએ આવા અપ્રગટ વિષાદયોગની બહાર નીકળવું જોઈએ. દેશ કેટલા ખતરનાક વળાંક પરથી પસાર થઈ રહ્યો છે તે ચિંતા કરવાને બદલે જો લોકો વિવાદના મધપૂડા ખંખેર્યા કરશે તો વિકાસ પૃથ્વીના પેટાળમાં જ જતો રહેશે. ત્યારે વિવાદનો વિષય શું હશે!!