મની લોન્ડરિંગ કેસ તિહાર જેલમાં બંધ AAP નેતા સત્યેન્દ્ર જૈન મસાજ કરાવતા હોય એવો વીડિયો વાયરલ થતા આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. AAPએ બચાવ કરતા સત્યેન્દ્ર જૈનને ફિઝિયોથેરાપીની જરૂર છે એવું કહ્યું હતું. આ અંગે એક મોટો ખુલસો થયો છે. તિહાર જેલના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મસાજ કરતો વ્યક્તિ ફિઝિયોથેરાપિસ્ટ નથી, તે બળાત્કારના કેસમાં સજા ભોગવી રહેલો કેદી છે.
મસાજ કરનાર કેદીનું નામ રિંકુ હોવાનું જાણવા મળ્યું છે. રિંકુ POCSOની કલમ 6 અને IPCની કલમ 376, 506 અને 509 હેઠળ આરોપી છે. આ કેસમાં આ નવો ખુલાસો થતાં જ બીજેપી નેતાઓએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી બીજેપી નેતા તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ ટ્વિટ કરીને પૂછ્યું છે કે, ‘સત્યેન્દ્ર જૈનની માલિશ કરનાર રિંકુ, પોક્સો એક્ટ હેઠળ તિહાર જેલમાં બળાત્કારની સજા ભોગવી રહ્યો છે. સેવાના બદલામાં સત્યેન્દ્ર જૈને બળાત્કારના આરોપી સાથે શું સોદો કર્યો?’
બીજેપી નેતા શહેઝાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું, “તો સજાને બદલે સત્યેન્દ્ર જૈનને પૂરી VVIP મજા મળી રહી છે? 5 મહિનાથી જામીન ન મેળવનાર હવાલાબાઝને માથાની મસાજ કરાવવામાં આવી રહી છે! AAP સરકાર સંચાલિત જેલમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.”
ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે સત્યેન્દ્ર જૈનને બરતરફ કરવાની અને જેલના નિયમોના ઉલ્લંઘનની એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરી છે. અગાઉ, જામીનની સુનાવણી દરમિયાન, EDએ સત્યેન્દ્ર જૈન પર જેલની અંદર વિશેષ સુવિધાઓ મેળવવાનો આરોપ મૂક્યો હતો.