ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
તમે કલ્પના કરી શકો છો કે, કોઈ સુપર-ડુપર ફિલ્મસ્ટાર એક ફિલ્મ પત્રકારને સદીના સૌથી મહત્ત્વના લગ્નમાં માથે સાફો મુકવાનો મોકો આપે? આજના જમાનામાં કોઈ વિચાર કરી શકે કે એક મહિલા પત્રકાર ફિલ્મની પાર્ટીમાં એન્ટ્રી મારે ત્યારે કોઈ મોટા ગજાના સ્ટાર કરતા પણ વધુ આર્કષણનું કેન્દ્ર બને?
વાત માનવી અઘરી છે, પરંતુ ૭૦ના દાયકામાં મહિલા ફિલ્મ પત્રકાર દેવિયાની ચૌબલનો એટલો વટ અને ધાક હતા કે એને મળવા જતા પહેલા નવા સવા આવેલા ફિલ્મ કલાકારોએ પોતાની ઉત્તેજના શાંત કરવા વ્હિસ્કીના બે પેગ મારીને જવું પડતું હતું! ૭૦ના દાયકાની શરૂઆતમાં રાજેશ ખન્નાનો જમાનો હતો.
આજના ત્રણ ખાન અદાકારો તેમજ અક્ષયકુમાર અને અજય દેવગણની ભેગી લોકપ્રિયતા પણ નહીં હોય એટલી લોકપ્રિયતા રાજેશ ખન્નાની હતી. યુવતીઓ એમને પોતાના લોહીથી પત્ર લખતી. એમની સાથે હાથ મેળવ્યા પછી કેટલાક યુવાનો દિવસો સુધી હાથ ધોતા નહોતા. એ રાજેશ ખન્નાએ જ્યારે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા ત્યારે દેવિયાની ચૌબલના હાથે માથા પર સાફો મુકાવ્યો હતો. એક સમયે રાજેશ ખન્ના અને દેવિયાની વચ્ચે પ્રણય સંબંધ હોવાની અફવા પણ ઉડી હતી. દેવિયાની ચૌબલ દેખાવમાં કોઈ અતિ સુંદર નહોતી. ખરેખર તો એ ખૂબસુરત જ નહોતી. એનો દેખાવ અતિ સામાન્ય હતો અને એ વખતે એની ઉંમર પણ ૩૮ વર્ષની આસપાસ હશે.
દેવિયાની ચૌબલનું સ્ટારડમ ‘સ્ટાર એન્ડ સ્ટાઇલ’માં એમની છપાતી કટારને કારણે હતું. ‘ફ્રેન્કલી સ્પિકિંગ’ના મથાળા હેઠળ છપાતી એમની ગોસીપ કોલમમાં ૭૦ ટકા ફોકસ તો દેવિયાની પોતાના પર જ રાખતી. એની કોલમ એટલી બધી લોકપ્રિય હતી કે નવા આવેલા ફિલ્મ સ્ટારોનું નામ એની કોલમમાં આવી જાય એ માટે દરેક કલાકારો આતુર રહેતા હતા. દેવિયાની કોઈક વિશે અતિ ટીકાત્મક લખે તો પણ કેટલાક અદાકારો એને પોતાની ક્રેડિટ ગણતા હતા. એક માત્ર અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સિવાય.
એ જમાનામાં રાજકપૂરનો સિતારો આથમતો હતો, પરંતુ રાજકપૂર અને સમગ્ર કપૂર ખાનદાન એમની ભવ્ય પાર્ટીઓ માટે જાણીતું હતું. એમ કહેવાતું કે રાજકપૂર પહેલાં દેવિયાની ચૌબલનો સમય મેળવીને એ પ્રમાણે પોતાની પાર્ટીનું આયોજન કરતા. પોતાને પસંદ નહીં હોય એવા સ્ટાર્સ વિશે દેવિયાની ખૂબ જ એલફેલ લખતી. એક વખત એણે હેમા માલિનીને ‘વાસી ઇડલી’ સાથે સરખાવી હતી. આ વાંચીને ધર્મેન્દ્ર ખૂબ જ ગુસ્સે થયો હતો અને મુંબઈમાં એક રોડ શો દરમિયાન જાહેરમાં દેવિયાનીને મારવા માટે પાછળ દોડ્યો હતો!
૭૦ અને ૮૦ની શરૂઆતના દાયકામાં ‘સ્ટાર ડસ્ટ’, ‘સ્ટાર એન્ડ સ્ટાઇલ’ ‘સિને બ્લિટ્ઝ’ અને ‘ફિલ્મફેર’ જેવા મેગેઝિનોની ખૂબ બોલબાલા હતી. એ વખતે દૂરદર્શન સિવાય કોઈ ટીવી ચેનલો નહોતી અને મુખ્ય રાષ્ટ્રીય અખબારો માટે ફિલ્મ કલાકારોની અંગત જિંદગી વિશે લખવું એ ‘પાપ’ ગણાતું. રાષ્ટ્રીય અખબારો ભાગ્યે જ કોઈ ફિલ્મ સ્ટારની મુલાકાત છાપતા. રાજકીય સામયિકો પણ વર્ષમાં એક કે બે વાર જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર સ્ટોરી કરતાં.
જેમ જેમ સમય બદલાતો ગયો અને ચેનલોનો રાફડો ફાટ્યો તેમ જ મુખ્ય ધરીના અખબારોએ પણ ફિલ્મની પૂર્તિઓ શરૂ કરી ત્યારથી ફિલ્મ મેગેઝિનોની દશા બેઠી. હું સ્કૂલ-કોલેજમાં ભણતો એ દરિમયાન મેં જોયું હતું કે, ‘સ્ટારડસ્ટ’ કે ‘સુપર’ જેવા ફિલ્મ મેગેઝિનો બુક સ્ટોલ પર મુકાય એના ૪૮ કલાકમાં જ એની સેંકડો કોપીઓ વેચાઇ જતી હતી. એ વખતે કોઈ ઇન્ટરનેટ નહોતું કે પોતાના માનિતા ફિલ્મસ્ટારોના ફોટા જોવા માટે બીજા કોઈ માધ્યમ નહોતા. અમિતાભ બચ્ચન જ્યારે કારકિર્દીની ટોચ પર હતા ત્યારે ફિલ્મના પત્રકારોએ તેમનો બહિષ્કાર કર્યો હતો.
ફિલ્મ સામયિકોમાં એમનું નામ પણ છાપવામાં આવતું નહોતું. એ વખતે અમિતાભ બચ્ચના ફોટા સાથે કોઈ ફિલ્મ મેગેઝિન કવર સ્ટોરી કરે તો એની લાખો
નકલો ચપોચપ વેચાઈ જતી. અને એટલે જ દેવિયાની ચૌબલ જેવા ફિલ્મ પત્રકારની લોકપ્રિયતા એ વખતે આજના મોટા ગણાતા કોઈ ફિલ્મસ્ટાર જેટલી જ હતી એની નવાઈ ખરી?
વોલ સ્ટ્રીટવાળાઓના માનસશાસ્ત્રી શું નિરીક્ષણ કરે છે?
ન્યૂ યોર્કની શૅરબજારમાં ઘણા લોકો માનસિક રીતે અસ્થિર થઈ જાય છે એટલે શૅરબજારવાળાએ (વોલ સ્ટ્રીટવાળા) બે માનસશાસ્ત્રી રાખ્યા છે. આ માનસશાસ્ત્રીઓ શૅરદલાલો જે રંગની નેક ટાઈ પહેરે તે ઉપરથી તેમની પર્સનાલિટી નક્કી કરે છે: (૧) પીળા રંગની નેક ટાઈ કે પીળા રંગવાળાં વસ્ત્રો પહેરનારા પુરુષ દલાલ કે સ્ત્રી દલાલ બેઠક વગરના લોટકા જેવા છે. પીળો રંગ જેને ગમે તે વધુ પડતા વિકારી (સેક્સી) હોય છે! (૨) ગુલાબી અને લીલા રંગની નેક ટાઈ કે વસ્ત્રને પસંદ કરનારા માણસો મહત્ત્વાકાંક્ષી હોય છે અને પીઠમાં પાછળથી ખંજર ભોંકનારા હોય છે. (૩) લાલ રંગની ટાઈ પહેરનારો માણસ શું પગલું ભરશે તે અગાઉથી પારખી શકાય. લાલ રંગ પસંદ કરનારો માણસ જવાબદાર અને વિશ્ર્વાસપાત્ર છે.