ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ)ના ખતરનાક કૃત્યોને સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરનારી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’એ માત્ર ભારતીય સિનેમાઘરોમાં જ નહીં પરંતુ વિદેશના સિનેમાઘરોમાં પણ ધૂમ મચાવી છે. ‘ધ કેરળ સ્ટોરી’ને શુક્રવારે અમેરિકા અને કેનેડાના 200 થી વધુ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મે ભારત સહિત સમગ્ર વિશ્વની આંખો ખોલી દીધી છે. આ ફિલ્મની વાર્તાએ લોકોના દિલ અને દિમાગને હચમચાવી નાખ્યું છે. આ ફિલ્મ જણાવે છે કે કેવી રીતે ISIS અહીંની છોકરીઓને ઊંડું ષડયંત્ર રચીને આતંકવાદી બનાવી રહ્યું છે.
આ ફિલ્મ ત્રણ છોકરીઓની વાર્તા કહે છે જેઓ કથિત રૂપે ઇસ્લામ સ્વીકારીને ISISમાં જોડાઈ હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) સહિત હિન્દુ દક્ષિણપંથીઓએ આ ફિલ્મને સમર્થન આપ્યું છે. તમિલનાડુના થિયેટરોએ ફિલ્મનો બહિષ્કાર કર્યો હતો. કેરળની 32,000 છોકરીઓ ISISમાં જોડાવા રાજ્ય છોડીને ભાગી ગઈ હોવાના દાવા માટે ફિલ્મના ટીઝરની વ્યાપક ટીકા કરવામાં આવી હતી. ત્યાર બાદ કેરળ હાઈકોર્ટે નિર્માતાઓને પ્રમોશનલ કેમ્પેઈનમાંથી ફિલ્મનું ટીઝર હટાવવા કહ્યું હતું.
મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયામામાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. મમતા બેનર્જીની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હવે આ ફિલ્મ અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં ધૂમ મચાવી રહી છે.