અદા શર્માના અભિનીત ‘ધ કેરળ સ્ટોરી’ દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે. રાજકીય રીતે આ ફિલ્મનો ઘણો વિરોધ થયો હતો. તેની વાત કોર્ટ સુધી પણ પહોંચી હતી. ફિલ્મના નિર્માતાને ધમકીઓ પણ મળી હતી, પરંતુ બોક્સ ઓફિસ પર તેની કોઈ અસર થઈ ન હતી. પહેલા દિવસથી જ ફિલ્મે રેકોર્ડ બ્રેકિંગ કમાણી કરવા માંડી હતી જે 10મા દિવસ સુધી ચાલુ રહી છે.
100 કરોડની ફિલ્મોમાં સામેલ આ નાના બજેટની ફિલ્મનું સેકન્ડ સન્ડે કલેક્શન પણ અદ્ભુત હતું. આ ફિલ્મે માત્ર 9 દિવસમાં 100 કરોડનો જાદુઈ આંકડો પાર કર્યો એ કોઈ નાનીસુની વાત નથી! પહેલા વીકએન્ડ પછી બીજા વીકએન્ડમાં પણ આ ફિલ્મે ધમાલ મચાવી છે. આ ફિલ્મ કડવા સત્ય પર કેન્દ્રિત છે. ફિલ્મ જોઇને લોકો જ્યારે થિયેટરની બહાર નીકળે છે ત્યારે તેઓ ફિલ્મના સંવેદનશીલ સંવાદો, અભિનય અને સુપર્બ નિર્દેશન પર ખુલ્લેઆમ અભિપ્રાય આપી રહ્યા છે. વર્ડ-ટુ-માઉથ પબ્લિસિટીએ પણ ધ કેરળ સ્ટોરીને પ્રમોટ કરવામાં જબરદસ્ત ભૂમિકા ભજવી છે. આ જ કારણ છે કે રિલીઝના બીજા રવિવારે પણ ફિલ્મની કમાણીનો આંકડો અપેક્ષા કરતા વધારે છે.
બોક્સ ઓફિસ ફિલ્મ ટ્રેકરના જણાવ્યા અનુસાર, પ્રથમ રવિવારની સરખામણીમાં બીજા રવિવારે ધ કેરળ સ્ટોરીના કલેક્શનમાં ઉછાળો ચાલુ રહ્યો હતો. પ્રારંભિક આંકડા દર્શાવે છે કે લગભગ રૂ. 23 કરોડનું કલેક્શન હતું. જો કે સત્તાવાર આંકડો હજુ જાહેર થયો નથી. પ્રારંભિક આંકડાઓની કમાણીને આધારે એમ કહી શકાય કે આ ફિલ્મની કુલ કમાણી 135.99 કરોડ રૂપિયા રહી છે.
પ્રથમ દિવસે ‘ધ કેરળ સ્ટોરી’એ 8.03 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્યારબાદ બીજા દિવસે ફિલ્મની કમાણીનો ગ્રાફ વધ્યો હતો અને ફિલ્મે તેના ખાતામાં 11.22 કરોડ રૂપિયા ઉમેર્યા હતા. ત્રીજા દિવસનો બિઝનેસ પણ સારો રહ્યો હતો અને ગ્રોથ જોવા મળ્યો હતો. ફિલ્મે 16.4 કરોડની કમાણી કરી હતી. ત્યાર બાદ આ ફિલ્મે મંડે ટેસ્ટ પણ પાસ કરી અને 10 કરોડની સફર પૂરી કરી હતી. ચોથા દિવસે ફિલ્મે 10.07 કરોડનું કલેક્શન કર્યું, તો પાંચમા દિવસે 11.14 કરોડ અને છઠ્ઠા દિવસે 12 કરોડની કમાણી કરી છે. સાતમા દિવસે 12.5 કરોડ અને આઠમા દિવસે 12.23 કરોડ. બીજી તરફ 9મા દિવસે કમાણી 19.50 કરોડ હતી જ્યારે દસમા દિવસની કમાણી રૂ. 23 કરોડ થવાનો અંદાજ છે.
ઘણા વિવાદો છતાં, ‘ધ કેરળ સ્ટોરી’ને દર્શકોનો ઘણો સપોર્ટ મળ્યો છે. ફિલ્મે રિલીઝના 9 દિવસમાં 100 કરોડની કમાણી કરી લીધી છે. જો પ્રથમ દિવસથી કમાણી કરનાર 5 ફિલ્મોની યાદીમાં તેને સામેલ કરવામાં આવે તો તે હવે વર્ષ 2023ની ચોથી ફિલ્મ બની ગઈ છે જે 100 કરોડની કલબમાં સામેલ થઇ ગઇ છે.