નવી દિલ્હીઃ બોલીવૂડની જાણીતી અને વિવાદમાં પડેલી હિન્દી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’નો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. શુક્રવારે એક બાજુ આ ફિલ્મ રિલીઝ થઈ છે, જ્યારે અત્યાર સુધીમાં કરોડો રુપિયાનો વકરો કરી ચૂકી છે, ત્યારે આજે સવારે તમિલનાડુમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યા પછી પશ્ચિમ બંગાળમાં સરકારે ફિલ્મ પર પ્રતિબંધનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ બંગાળ સરકારે આ ફિલ્મના રિલીઝ કરવા મુદ્દે પ્રતિબંધનો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ને બંગાળના તમામ થિયેટરમાંથી હટાવી દેવામાં આવશે અને આ ફિલ્મને ક્યાંય પણ ચાલવા દેવામાં આવશે નહીં. સરકાર નફરત ફેલાવનારને સહન કરશે નહીં. શાંતિ જાળવી રાખવા માટે અમારા રાજ્યમાં કેરળ સ્ટોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મુદ્દે મમતા બેનરજીએ કહ્યું હતું કે ધ કાશ્મીર ફાઈલ્ય શું હતું એ વર્ગને અપમાન કરનારી ફિલ્મ હતી. કેરળની પણ એ વાત છે, જે એક વિકૃત ફિલ્મ છે. આવું નિવેદન આપીને ધ કેરાલા સ્ટોરી પર પ્રતિબંધ મૂક્યો છે. આ અગાઉ તમિલનાડુમાં પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પર પ્રતિબંધ મૂક્યા બાદ ફિલ્મના નિર્માતા વિપુલ શાહ અને નિર્દેશક સુદીપ્તો સેને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિપુલ શાહે કહ્યું હતું કે કે જો ફિલ્મ બંગાળમાં પ્રતિબંધિત થશે તો અમે કાનૂની માર્ગ અપનાવીશું. એવું પણ નથી કે જ્યાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની સરકાર નથી ત્યાં સરકાર અમને નિશાન બનાવવાની કોશિશ કરી રહી છે. આ ફિલ્મ ઘણા રાજ્યોમાં ચાલી રહી છે જ્યાં ભાજપની સરકાર નથી, જેમ કે કેરળમાં. અમે ઈચ્છીએ છીએ કે વધુને વધુ રાજ્યમાં આ ફિલ્મને કરમુક્ત બનાવવામાં આવે. ફિલ્મના લીડ રોલમાં અદા શર્મા, સોનિયા બલાની સહિત અન્ય કલાકારોને લઈને બનાવવામાં આવેલી આ ફિલ્મએ લખાય છે ત્યાં સુધીમાં 35થી 40 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે, જ્યારે આગામી દિવસોમાં તેમાં વધારો થઈ શકે છે, એવું વર્તુળોએ જણાવ્યું હતું.