આગામી કેટલાક વર્ષોમાં લાખો નોકરીઓ જોખમમાં મુકાવા જઈ રહી છે અને એનું કારણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધવાને કારણે આગામી 5 વર્ષમાં 1.4 કરોડ જેટલી નોકરીઓ છીનવાઈ શકે છે. નબળી અર્થવ્યવસ્થા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એ આવું થવા માટેના બે મુખ્ય પરિબળો છે. આનું પરિણામ વૈશ્વિક સ્તરે જોવા મળશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા આ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘણા બધા દેશોની અર્થવ્યવસ્થાઓ દિવસે દિવસે કથળતી જઈ રહી છે અને એની અસર ત્યાંની કંપનીઓ પર જોવા મળી રહી છે. દિન-પ્રતિદિન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધતો જ જઈ રહ્યો છે. ઘણી કંપનીઓ ઓટોમેશન તરફ વળી છે, જેની અસર નોકરીઓ પર જોવા મળશે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમે એક રિપોર્ટ દ્વારા આ ચોંકાવનારી માહિતી આપી છે કે આગામી 5 વર્ષમાં 1.4 કરોડ નોકરીઓ છીનવાઈ જશે. આઠસોથી વધુ કંપનીઓના સર્વે કર્યા બાદ આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
આગામી 5 વર્ષમાં માર્કેટમાં ઘણી ઉથલપાથલ થઈ શકે છે. પ્રદૂષણની વધતી જતી માત્રાને જોતા, વિશ્વના ઘણા દેશો રિયુઝેબલ એનર્જી તરફ વળ્યા છે. તેથી આ ક્ષેત્રમાં નોકરીની નવી તકો ઉપલબ્ધ થશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સકારાત્મક અને નકારાત્મક બંને અસરો કરશે.
કંપનીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધારશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત સાધનોનો ઉપયોગ કરવા માટે કંપનીઓને નવા કર્મચારીઓની જરૂર પડશે. અદ્યતન શિક્ષણ નિષ્ણાતો, સાયબર સુરક્ષા નિષ્ણાતો, ડેટા વિશ્લેષકો અને વૈજ્ઞાનિકો માટેની નોકરીઓ 2027 સુધીમાં સરેરાશ 30 ટકા વધશે.
કૃત્રિમ બુદ્ધિમત્તાના વધતા ઉપયોગથી ઘણાને અસર થશે. કેટલાક ક્ષેત્રોમાં રોબોટ મનુષ્યનું સ્થાન લેશે. 2027 સુધીમાં, રેકોર્ડ રાખવાની અને વહીવટી નોકરીઓની સંખ્યામાં 2.6 મિલિયનનો ઘટાડો જોવા મળશે. ડેટા એન્ટ્રી સ્ટાફ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરીઓની નોકરી પર પણ આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો માર જોવા મળશે.