તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ
મહાભારતના યુદ્ધ દરમ્યાન દ્રોણપર્વમાં અભિમન્યુનો ચક્રવ્યૂહમાં ઘાત કર્યા પછી પ્રતિજ્ઞા પર્વ છે, અહીં અભિમન્યુ વીરગતિને પ્રાપ્ત થયો એ વાતની જાણ અર્જુનને થતાં એનો શોક પ્રગટ થાય છે; ક્રોધમાં એ જયદ્રથવધની પ્રતિજ્ઞા કરે છે. જયદ્રથની વ્યાકુળતા અને દુર્યોધનના સ્વાર્થીપણાનું અહીં વર્ણન છે. સુભદ્રાનો હ્યદયવિદારક વિલાપ વર્ણવાયો છે અને શ્રીકૃષ્ણ અર્જુન તથા સુભદ્રાને આશ્ર્વાસન આપે છે. અર્જુન યુદ્ધ માટે તૈયાર થાય છે. આ તરફ ધૃતરાષ્ટ્રને સંજય કૌરવોની વ્યૂહરચના અને તૈયારી જણાવે છે. અર્જુન રણમાં કાળો કેર વર્તાવે છે. દુ:શાસનનો એ સૈન્ય સહ પરાભવ કરે છે. એનો ક્રોધ અદ્વિતીય અને અસહ્ય છે. અર્જુન અને દ્રોણાચાર્ય વચ્ચે ઘોર યુદ્ધ થયું પણ અર્જુન જયદ્રથને શોધતો એ યુદ્ધ અધૂરું મૂકી આગળ વધી ગયો. અર્જુને કૌરવોની સેનાનો અનરાધાર સંહાર કરવા માંડ્યો.
માર્ગમાં વીર રાજા શ્રુતાયુધનો અર્જુને સામનો કર્યો. વરુણના પુત્ર શ્રુતાયુધને વરદાનમાં દિવ્ય ગદા મળી હતી અને એને આશીર્વાદ હતો કે એ ગદા જ્યાં સુધી તેની પાસે છે ત્યાં સુધી એને કોઈ હણી શક્શે નહીં પણ સાથે એવી શરત પણ હતી કે એના પર આક્રમણ ન કરે એવા યોદ્ધા પર ગદા ન મૂકવી. શ્રુતાયુધે સ્મિત કરતા કૃષ્ણ પર એ ગદા ફેંકી અને કૃષ્ણએ ગદાનો પ્રહાર હસતાં હસતાં ઝીલી લીધો. એ દિવ્ય શક્તિ પાછી વળી શ્રુતાયુધનો જ સંહાર કરતી ગઈ. કૌરવસેનામાં હાહાકાર મચ્યો. કાંબોજકુમાર સુદક્ષિણ અર્જુન સામે ચડી આવ્યો અને યુદ્ધ કરવા માંડ્યો. સર્વપારસવી નામની એક ઘોર શક્તિ તેણે અર્જુન પર ફેંકી. એ ઉલ્કા જેવી ઘાતક અને અગ્નિના તણખાંવાળી શક્તિના અચૂક પ્રહારથી અર્જુન પડ્યો અને મૂર્છિત થઈ ગયો. ફરી યુદ્ધપ્રવૃત્ત થઈ અર્જુને એક વિશાળ ધારાવાળા કર્ણાકાર બાણથી તેનો અંત કર્યો.
અર્જુન સિંધુરાજ જયદ્રથને હણવાની ઇચ્છાથી દ્રોણાચાર્ય તથા કૃતવર્માની સેનાને મારી આગળ વધ્યો. દુર્યોધન પેાતાના સૈન્યમાં ભંગાણ પડેલું જોઈ ઉતાવળે દ્રોણાચાર્ય પાસે ગયો અને અર્જુન મહાસેનાનો નાશ કરી જયદ્રથ તરફ ધસી રહ્યો છે, એને રોકવા અને નાશ કરવા હવે શું કરવું, જયદ્રથ આ યુદ્ધમાં માર્યો ન જાય એવો ઉપાય કરવા એણે દ્રોણાચાર્યને વિનંતિ કરી. એણે દ્રોણને કહ્યું કે તમારા જેવા પરાક્રમી ગુરુ હોય ત્યારે અર્જુન આગળ વધી જયદ્રથને હણી શક્શે નહીં એમ અમે માનતા હતા પણ એ તમારો સામનો કરી આગળ વધ્યો છે. તમે હજુ પણ પાંડવોનું હિત વિચારો છો, અમારા રાજ્યથી તમારી આજીવિકા ચાલે છે. તમે કાયમ પ્રસન્ન રહો એમ હું પ્રયત્ન કરું છું પણ તમે પાંડવોનું જ હિત વિચારો છો અને અમારું અપ્રિય કરો છો. તમારા વચને મેં સિંધુરાજને ઘરે જતાં રોક્યો પણ હવે મને લાગે છે કે મેં તમારા વિશ્ર્વાસે મૂર્ખામી કરી એને મૃત્યુના મુખમાં ધકેલી દીધો છે. હે ગુરુદેવ, તમે જયદ્રથનું રક્ષણ કરો, મારા અપ્રિય વચનોને અવગણી તમે તેને બચાવો.
દ્રોણે તેને કહ્યું, તું મને અશ્ર્વત્થામા જેવો જ પ્રિય છે એટલે મને તારાં વચનો પર ક્રોધ આવતો નથી. સારથી તરીકે શ્રીકૃષ્ણ ઉત્તમ છે, એના રથનાં ઘોડા અત્યંત ઝડપી છે. અર્જુનના બાણ એક કોશ જેટલા દૂર જાય છે, વૃદ્ધ થયો હોવાથી હું ઝડપી પ્રયાણ કરવા અશક્ત છું અને વળી મારું વચન છે કે યુધિષ્ઠિરને સર્વેના દેખતાં પકડવો એથી હું તેની સામે જાઉં છું; અર્જુન અને યુધિષ્ઠિર અલગ છે એટલે હું અત્યારે અર્જુન સામે યુદ્ધ કરીશ નહીં. તું પણ સમર્થ યોદ્ધા છે, શત્રુ સમાન કુળનો અને સમાન પરાક્રમનો છે, તું યુદ્ધકુશળ અને સેનાનાયક છે, શત્રુઘાતક અને વીર છે, અર્જુન સામે તું યુદ્ધ કર. દુર્યોધને શંકા વ્યક્ત કરી કે જે તમને ઉવેખીને આગળ વધી ગયો, યુદ્ધમાં જે ઈન્દ્ર જેવો અજેય છે, જેણે શ્રુતાયુધ અને અંબષ્ઠને હણ્યાં એને હું પરાજિત કરી શકીશ એમ તમને લાગે છે? એ અત્યારે અગ્નિની જેમ તપી રહ્યો છે. તમે જે આજ્ઞા કરો એમ હું યુદ્ધ કરું.
અને દ્રોણાચાર્યે તેને કહ્યું કે ભલે અર્જુન અપ્રતિમ સાહસ દેખાડી રહ્યો છે પણ દુર્યોધનને તેઓ આજે સુવર્ણ સમાન પ્રકાશમાન અને અજેય એવું મંત્ર કવચ આપશે જે એને અજેય બનાવશે. અર્જુન આજે તને સહી શક્શે નહીં. દ્રોણ દુર્યોધનને કહે છે,
यदि त्वां सासुरसुराः सयक्षोरगराक्षसाः।
योधयन्ति त्रयो लोकाः सनरा नास्ति ते भयम्॥
न कृष्णो न च कौन्तेयो न चान्यः शस्त्रभृद् रणे।
शरानर्पयितुं कश्चित् कवचे तव शक्ष्यति॥
મનુષ્યો, દેવતા, અસુર, યક્ષ, નાગ, રાક્ષસ અને ત્રણેય લોકના પ્રાણીઓ તારી સામે યુદ્ધ કરતા હશે તો પણ આજ તને (પરાજયનો) કોઈ ભય નહીં હોય. આ કવચ હશે ત્યાં સુધી શ્રીકૃષ્ણ, અર્જુન કે અન્ય કોઈપણ શસ્ત્રધારી યોદ્ધા તને બાણો દ્વારા ઘાયલ કરવા સમર્થ થશે નહીં.
એમ કહી દ્રોણે અર્જુનને ઉદકસ્પર્શ કર્યો. વિધિ મુજબ મંત્રજાપ કરતાં કરતાં પ્રકાશમાન અને અતિ અદભુત કવચ દુર્યોધનને પહેરાવ્યું. અને એ સમયે દુર્યોધનનો આત્મવિશ્ર્વાસ વધારવા, યુદ્ધ માટે અને ખાસ તો અર્જુનનો સામનો કરવા તેને માનસિક રીતે તૈયાર કરવા દ્રોણાચાર્યે દુર્યોધનને એ કવચની કથા કહી.
પૂર્વે વૃત્રાસુર નામના મહાદૈત્યે યુદ્ધમાં પરાક્રમ કરી દેવોના શરીરને અસંખ્ય સ્થળે ઘાયલ કર્યાં. યુદ્ધમાં પરાજિત ઈન્દ્ર સહિત દેવતાઓ બ્રહ્માજીને શરણે ગયા.
બ્રહ્માજીએ કહ્યું, વિશ્ર્વકર્માના અતિદુર્ઘર તેજમાંથી વૃત્રાસુર ઉત્પન્ન થયો હતો. વિશ્ર્વકર્માએ દસ લાખ વર્ષ ઉગ્ર તપ કર્યું અને મહેશ્ર્વર પાસેથી વરદાન મેળવીને વૃત્રાસુરને ઉત્પન્ન કર્યો હતો. એથી એને મહેશ્ર્વરની કૃપાથી જ હણી શકાશે. દેવોને તેમણે મંદરાચળ પર્વત પર જવા કહ્યું. દેવોએ જઈને શિવને પ્રાર્થના કરી, વૃત્રાસુરને પરાજિત કરવાનો માર્ગ બતાવવા વિનંતિ કરી, એનો પ્રકોપ કહ્યો.
શિવજીએ તેમને પોતાના શરીરમાંથી ઉત્પન્ન એક કવચ ઈન્દ્રને આપ્યું, મનમાં જ ઉચ્ચારણ કરવા યોગ્ય મંત્રથી વિધિપૂર્વક એને પહેરાવ્યું. એ ધારણ કરી યુદ્ધે ચડેલા ઈન્દ્ર પર વૃત્રાસુરે અનેક ઘા કર્યા પણ એ કવચનો સાંધો પણ ભેદી શક્યો નહીં. અને ઈન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો. એ મંત્ર અને કવચ ઇન્દ્રે અંગિરાને આપ્યાં, અંગિરાએ બૃહસ્પતિને મંત્ર અને કવચ આપ્યાં, બૃહસ્પતિએ અગ્નિવેશ્યને અને તેણે દ્રોણને એ મંત્ર તથા કવચ આપ્યાં. એ દ્રોણે દુર્યોધનને પહેરાવ્યાં.
દુર્યોધને અર્જુન સામે ઘોર યુદ્ધ કર્યું અને અર્જુનના મહાતેજસ્વી બાણ પણ એ દિવસે દુર્યોધનને કોઈ નુકસાન પહોંચાડી શક્યા નહીં. એણે અર્જુનનો સામનો કર્યો હોય એવા જૂજ પ્રસંગોમાં આ વિશેષ છે. આ કવચ ભલે દુર્યોધનને મળ્યું, એણે યુદ્ધ પણ કર્યું, અર્જુનનો સમય પૂરો કરવા એ રણક્ષેત્રમાં સતત અડગ રહ્યો, પણ એ બધું હોવા છતાં દુર્યોધન જયદ્રથને બચાવી શક્યો નહીં. રક્ષાયેલું અભિમાન ભલે સમયના એક મોટા ખંડ સુધી અપરાજિત રહે, અજેય લાગે, પણ ફક્ત એક ક્ષણ એવી આવે છે જ્યારે સત્ય એને હણે છે. જયદ્રથ પોતે જ અર્જુનથી બચી ગયો હોવાના મદમાં, વિજયના અહંકારમાં બહાર આવી ગયો અને હણાયો. શિવ દ્વારા અપાયેલો મંત્ર અને એ પ્રકાશિત દૈદિપ્યમાન કવચ દુર્યોધનની રક્ષા તો કરી શક્યું, પણ એના અભિમાનની નહીં. દુર્યોધનના ભય અને અભિમાને તેની અધોગતિ કરી. જેવો એ સહેજ વિનમ્ર બન્યો કે તરત ગુરુકૃપાનો અધિકારી બન્યો પણ અંતે એ સ્વભાવને ત્યજી શક્યો નહીં. મહાભારતમાં શિવજી અનેકવાર આમ પોતાની કૃપા વરસાવતા રહે છે. રસપ્રદ એ છે કે જયદ્રથ વધની આગલી રાત્રે શ્રીકૃષ્ણ અર્જુન પાસે શિવપૂજા કરાવે છે એમ લખાયું છે. અર્જુન સ્વપ્નમાં શિવ સમક્ષ જાય છે અને એમની સ્તુતિ કરે છે અને એને પુન: પાશુપતાસ્ત્રની પ્રાપ્તિ થાય છે.
બિલિપત્ર
यस्त द्वेषि स मां द्वेष्टि यस्तं चानु स मामनु॥
જે અર્જુનનો દ્વેષ કરે છે એ મારી સાથે દ્વેષ રાખે છે, જે અર્જુનનો અનુગામી છે એ મારો અનુગામી છે.