Homeઉત્સવ‘આનંદબ્રહ્મ સ્વરૂપ’ના અલમસ્ત લોકો ‘બાહુબલી’ની જેમ ‘પેટબલી’

‘આનંદબ્રહ્મ સ્વરૂપ’ના અલમસ્ત લોકો ‘બાહુબલી’ની જેમ ‘પેટબલી’

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: વજન ને સ્વજનને સાચવો. (છેલવાણી)
એક જમાનાની ‘સુંદર’ પણ હવે સ્હેજ ‘સ્થૂળ’ સુખી સ્ત્રીને ખાવા-પીવાના ભારે શોખ એટલે કોઇપણ અરીસામાંથી એ બ્હાર જ છલકાઇ જાય. કસરત કે ડાયેટીંગ ફાવે નહીં, એટલે તેણીનું વજન તો ‘સરકારી પ્રચાર’ની જેમ દિવસે ને રાતે વધે જ રાખે. એમાંને એમાં એને હણહણતો હાર્ટ-એટેક આવ્યો ને હોસ્પિટલે હડી કાઢી. આંખ સામે મોતને મુજરો કરતો જોઇને દ્રૌપદી સ્ટાઇલમાં ઇમિજીએટલી ઈશ્ર્વરને એવી સોલિડ પ્રાર્થના કરી કે ઈશ્ર્વરે પણ ઇંસ્ટંટલી પ્રગટવું પડ્યું.
સ્ત્રીએ પૂછયું,‘પરભુ, હું મરી જઈશ?’
ઈશ્ર્વર ઉવાચ્યા,‘ના બેટા, તારા જીવનમાં હજી ૩૦ વર્ષ છે,જલસા કરને.’
પછી સ્ત્રી, હાર્ટ-સર્જરી બાદ બચી ગઇ એટલે હરખપદુડી થઇને એ જ હૉસ્પિટલમાં ફેસ-લિફ્ટિંગ, બોટોક્સ, લિપોસક્શન જેવી પ્લાસ્ટિક-સર્જરીઓ દ્વરા ચરબીથી લથપથ દેહને એકદમ સ્લિમ-ટ્રિમ બનાવી ‘પાતળી પરમાર’ બની ગઇ. પછી શણગારીને હૉસ્પિટલમાંથી બહાર નીકળી કે રસ્તા પર અબાલ વૃદ્ધ સૌ જડબાં ખોલીને એને જોતા જ રહી ગયા એટલે મેડમ તો મહાખુશ! પણ ત્યારે અચાનક એક ટ્રકે એને ઉડાવી દીધી ને રમણીના રામ રમી ગયા. સ્વર્ગમાં પહોચતા વેંત જ ઈશ્ર્વરને ફરિયાદ કરી, ‘આવી ચીટિંગ? તમે કહેલું, હજી ત્રીસ વર્ષ જીવીશને? ભગવાન થઇને ખોટું બોલો છો? ખોટેશ્ર્વર!’
બિઝી ભગવાને એને ધારીને ધ્યાનથી જોઇને કહ્યું,‘અરે…તું? આટલી પાતળી? સોરી હં, હું તને ઓળખી જ ન શક્યો એટલે ચિત્રગુપ્તને ખોટો ઓર્ડર અપાઇ ગયો!’
ઇન શોર્ટ, ’કાયાની ક્રોનોલોજી જરાં સમજો’- આપણો દેખાવ, વજન, ચહેરો, ઊંચાઈ…બદનમાં ખામી હોય કે વિશેષતા, જે છે તે આપણી ઓરિજિનલ ઓળખ છે. એ આપણી ફિંગર-પ્રિંટની જેમ દુનિયામાં એકમાત્ર છે ને એની શરમ ના હોવી જોઇએ. આપણો રંગ-આકાર, નિરાકાર ઇશ્ર્વરની પ્રસાદી ગણીને માથે ચઢાવો ને ખુશ રહો, સ્વસ્થ રહો. મારા એક ચિત્રકાર મિત્ર શરીરે ફેલાયેલા તો ખુદને માટે કહે કે-‘આપણે આનંદબ્રહ્મ સ્વરૂપ છીએ. સદા સુખી!’
આ વજન કે જાડાં લોકોની વાત એટલે આજે માંડી છે કે હમણાં ગયા મહિને મુંબઈ પોલીસે, છેક ૩૫ વર્ષ પછી કોઇ ‘ચીન્કુ યાદવ’ને જાનલેવા હુમલાના કેસમાં પકડી પાડ્યો. શું છે કે ચીન્કુ યાદવનું પેટ ઘણું મોટું હતું એટલે બધા એને ’બાહુબલી’ની જેમ,‘પેટબલી’ કહેતા. આ ‘પેટબલી’ ૧૯૮૯માં ખૂન કરીને વરસોથી ફરાર હતો. ૩૫ વર્ષ પછી ચીન્કુ મુંબઈ આવ્યો ત્યારે જે ચાલીમાં છુપાયો હતો ત્યાં કોઇએ દારૂના અડ્ડા પર ‘પેટબલી’ વિશે વાત કાઢી અને પોલીસના ખૂફિયા ખબરીએ એ વાત સાંભળીને ‘પેટબલી’ શબ્દ બરોબર પકડી પાડ્યો. પછી ખુરાફાતી ખબરીએ પોલીસને જાણ કરી એટલે ‘પેટબલી’-ચીન્કુ પકડાઈ ગયો.
‘જેને કોઇ ના પહોંચે. એને પેટ’ પહોંચે’- એ કહેવત અલગ રીતે સાચી સાબિત થઇને?
ઇંટરવલ:
પેટ અજીબ ચીજ હૈ,
ભૂખા હો યા ભરા હુઆ, ડકારતા ઝરૂર હૈ. (લેખક પોતે)
એવા જ એક અલમસ્ત ‘પેટબલી’ને, ડોક્ટરે ડાયેટિંગનો પ્લાન આપ્યો,૬તમારે બે દિવસ નોર્મલ ખાવાનું ને એક આખો દિવસ ખાવાનું ‘સ્કિપ’ કરવાનું.‘મહિના પછી એ ‘પેટબલી’ ડૉક્ટર પાસે ગયો ત્યારે એનું વજન ઘણું ઓછું થઈ ગયેલું.
ડૉક્ટરે કહ્યું,‘વાહ! તમે ડાયેટને ગંભીરતાથી અનુસરો છો.’
પેલાએ કહ્યું, ‘ડાયેટિંગ તો ઠીક પણ દર ત્રીજા દિવસે મને થાય છે કે હું ફસડાઇને મરી જઈશ!’
ડોક્ટરે પૂછ્યું,‘ભૂખથી?’
‘પેટબલી’એ કહ્યું,‘ના, સ્કિપિંગથી!’ એકચ્યુલી, ડોક્ટરે પેટબલીને દર ત્રીજા દિવસે ખાવાનું ‘સ્કિપ’ કરવાનું એટલે ‘ગપચાવા’નું કહેલું પણ પેલો ‘સ્કિપ’ એટલે દોરડાં કૂદવાનું સમજી બેસેલો, માંડ મરતા બચ્યો!
દરેક કવિ-લેખક-કલાકારને લાગતું હોય છે કે એણે હજી પોતાનું ‘શ્રેષ્ઠ સર્જન’ રચવાનું બાકી છે, એમ તબિયત વિશે સજાગ દરેક માણસને પણ મનમાં સતત રહ્યા કરે છે કે ‘મારે હજી યે વજન ઘટાડવાનું બાકી છે.’ ઈશ્ર્વરના અસ્તિત્વની જેમ બધાંના મનમાં (‘પેટમાં’-વાંચો) એક જ સવાલ સળગતો હોય છે કે- સાલો ‘સાચો ડાયેટ-પ્લાન’ કયો? દરેક ધર્મના લોકો પોતપોતાના ધર્મ વિશે અલગ-અલગ દાવા કરે, એમ અલગ-અલગ ડાયેટિશિયનો પોતપોતાના દાવા ને દવા કરે. એક સર્વે મુજબ, ખુશખુશાલ રહેતા લોકો, નોર્મલી જાડા હોય છે ને ચિંતાતુર લોકો પાતળા-સુકલડી. તો એ થિયરી મુજબ રોજ તમારે અમુક માત્રામાં ચિંતા કર્યા કરવાની જેથી વજન ઊતરવા માંડે! આઈડિયા ખોટો નથી, પણ પ્રોબ્લેમ એ છે કે ‘કયા ખોરાકમાં કેટલી કેલરી કે ચરબી કે પ્રોટિન છે’ એ માપી શકાય પણ કઈ ૫ચિંતા૨ કરવાથી કેટલા કિલો વજન ધટશે એનો ચાર્ટ બનાવવો અઘરો છે.
જો ૫ચિંતા૨ માપવાનું મશીન નીકળે તો ચિંતાના ડાયેટ-પ્લાન ચીતરી શકાય.જેમ કે-૫સરકાર, સ્વિસ-બેંકમાંથી લાવીને ૧૫ લાખ ક્યારે આપશે?૨ કે ૫અક્ષયકુમારે રિટાયર થઈ જવું જોઈએ.૨-એવી જનરલ ચિંતા કરીને પણ કદાચ વજન ઘટી શકે. જો કે સંજય છેલના લખાણમાં ઊંડાણ ઓછું છે, એની ભાષા ગોબરી છે, ગ્રામર ખોટું છે વગેરે ચિંતાઓ અમારા લેખક-મિત્રો (‘વિરોધીઓ’- એમ વાંચો) સતત કરે જ રાખે છે પણ એનાથી એમનું વજન તો હજી ઉતર્યું નથી.(પણ અમને વાંચીને એમના ’વાંચનનું લેવલ’ ચોકક્સ સુધરી ગયું છે!)
કદાચ ગુજરાતી લેખક-કોલમિસ્ટ-ચિંતકોએ હવે ‘સડેલું સેક્યુલરિઝમ’ કે ‘લંગડાતી લોકશાહી’ કે ‘નહેરુની શેરવાની ક્યાં ધોવાતી?’ વગેરે વારેવારે ગોખેલું ચિંતવાને બદલે ‘બટાટાથી વજન વધે કે?’ જેવા બેઝિક વિષયો પર ચિંતન કરીને લખવું જોઇએ, જેથી પેટબલીઓને પતા ચલે. ઉપરાંત આપણું વજન ક્યારેય વધારે નથી હોતું, જોવાવાળાની અપેક્ષા વધારે હોય છે-એવા કાવ્યાત્મક સુવિચારોથી પણ રમૂજી ચિંતા થઇ શકે. ‘ઈશ્ક’ માટે શાયરો કહે છે-‘આગ કા દરિયા હૈ, ઔર ડૂબ કે જાના હૈ’ એવું જ ડાયેટિંગમાં પણ છે. એમાં ખરેખર ભૂખ્યા રહીને, ઓછું ખાઇને જ ચરબીના અરબી સમંદરની પાર જવું પડે.
..તો કાલથી શરૂ!
એંડ-ટાઇટલ્સ:
આદમ: ભૂખ લાગી છે.
ઈવ: કસમ ખાઈ લે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -