ફોકસ -નિધિ ભટ્ટ
આપણે ત્યાં કોઈ પણ શુભ કામની શરૂઆત કંકુ ચોખાના સ્વસ્તિક કરીને જ કરવામાં આવે છે, પણ ક્યારેય વિચાર્યું છે ખરૂં કે આખરે હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું એટલું મહત્ત્વ કેમ છે? કદાચ નહીં જ. બટ ડોન્ટ વરી આજે અમે અહીં તમારા આ સવાલના જવાબ સાથે જ આવ્યા છીએ. ભારતીય સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે અને તેમાં વૈદિકકાળથી જ સ્વસ્તિક વિશેની માન્યતા વિશેષ રહી છે. સ્વસ્તિકમાં રહેલી ઊર્જા અને તત્ત્વોની વાત તો આપણે ક્યાંક ને ક્યાંક વાંચી કે સાંભળી જ હશે. પણ સ્વસ્તિકની આકૃતિ બે પ્રકારે જોવા મળે છે. એક જે દક્ષિણામુખી સ્વસ્તિક (ઘડિયાળના કાંટાની ગતિની દિશા) અને બીજું વામમુખી સ્વસ્તિક (વિરૂદ્ધ દિશા) આ બંને સ્વસ્તિકના આકાર એ સ્ત્રી અને પુરૂષ તત્ત્વના પ્રતીક માનવામાં આવે છે. જેમાં જમણી ભુજાવાળા સ્વસ્તિકને શુભ અને કલ્યાણકારી સાથે જ ગણેશજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. ત્યારે ડાબી ભુજાવાળું સ્વસ્તિક એ શત્રુનો સંહાર કરનાર સાથે જ માતા કાલીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સ્વસ્તિકની મધ્યમાં રહેલું બિંદુ એ સાક્ષાત્ વિષ્ણુ ભગવાનની નાભિ છે તો સ્વસ્તિકની ચારભુજા એ બ્રહ્માજીના ચારમુખ માનવામાં આવે છે.
સ્વસ્તિક શેનું પ્રતીક છે એ જાણી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ તેના ઇતિહાસ વિશે. તો તમારી જાણ માટે કે સ્વસ્તિકનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને ત્યારથી જ તેનો દરજજો ઊંચો રહ્યો છે. ૪૦૦૦ વર્ષ પૂર્વેની સિંધુ ખીણની સભ્યતામાં પણ સ્વસ્તિકના પુરાવા મળી આવ્યા છે અને એથી પણ આગળની સભ્યતામાં આનો ઉલ્લેખ જોવા મળે છે. વાલ્મીકિ કૃત રામાયણમાં પણ ધ્વજમાં સ્વસ્તિકનો ઉલ્લેખ જોવા મળે છે. આ સિવાય એ પણ શક્યતા છે કે સ્વસ્તિક માનવ સભ્યતાના જન્મની સાથે જ જોડાયેલ છે. પ્રાગૈતિહાસિક યુગમાં માનવના ગુફાચિત્રોમાં મળેલાં સ્વસ્તિકના પુરાવા તેની સાબિતી આપે છે. આ સિવાય સમ્રાટ અશોક દ્વારા કોતરાયેલાં ભૈગઢ શિલાલેખમાં અને અનેક અભિલેખોમાં નાગાર્જુન કોન્ડ, કેસનાપલ્લી વગેરે સ્થાને રહેલ ભગવાન બુદ્ધની મૂર્તિમાં પણ દર્શાવાયું છે કે પ્રાચીન સમયથી સ્વસ્તિક મંગળનું પ્રતીક રહ્યું છે. આ સિવાય પ્રાચીન બ્રાહ્મીલિપિમાં ક ને સ્વસ્તિકની જ આકૃતિમાં લખવામાં આવે છે. એટલે સ્વસ્તિકનો ઇતિહાસ ૪૦૦૦ વર્ષ કરતા પણ વધુ જૂનો છે એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ.
ઇતિહાસથી આગળ વધીએ અને વાત કરીએ તેના ધાર્મિક મહત્ત્વની. સ્વસ્તિકનું મહત્ત્વ લગભગ બધા ધર્મોમાં રહેલું છે. વિવિધ સભ્યતા અને ધર્મમાં સ્વસ્તિકને અન્ય નામે ઓળખવામાં આવે છે. જૈન તીર્થંકરોના ચોવીસ લક્ષણોમાં સ્વસ્તિક એક લક્ષણ મનાય છે. બૌદ્ધ ધર્મમાં સ્વસ્તિકને ગૌતમ બુદ્ધના શરીરના અંગ ઉપર દર્શાવવામાં આવ્યું છે. ચીનના મંદિરોમાં અને ધર્મગ્રંથોમાં પણ સ્વસ્તિક પ્રતીક જોવા મળે છે. આ સિવાય મધ્ય એશિયામાં સ્વસ્તિક ચિહ્નને મંગળ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. નેપાળમાં હેરંબ, મિસરનાં એકરોન અને બર્મામાં મહા પિયેનીના નામથી તેને પૂજવામાં આવે છે તો ઓસ્ટ્રેલિયા તેમ જ ન્યૂઝિલેન્ડના માવરી આદિવાસીઓ દ્વારા આદિકાળથી જ સ્વસ્તિકને રાષ્ટ્રચિહ્નનું પણ આપવામાં આવ્યું હતું. તેમ જ જાવા અને સુમાત્રા જેવા ટાપુઓમાં પણ સ્વસ્તિકને શુભ માનવામાં આવે છે. તિબેટીયન લોકોમાં શરીર ઉપર સ્વસ્તિકનાં છૂંદણા અંકિત કરવાની પ્રથા છે.
ભારતીય શિલ્પકલા અને નગરરચનામાં પણ સ્વસ્તિકનું અસ્તિત્વ અને મહત્ત્વ જોવા મળે છે. જગન્નાથપુરીના મંદિરનો અંદરનો ભાગ સ્વસ્તિક આકૃતિવાળો છે. તો મંદિરના કલરમાં પણ સ્વસ્તિક ચિહ્ન જોવા મળે છે. મેસોપોટેમિયામાં ૩૦૦૦ વર્ષ પૂર્વે આ પ્રતીક વાસણ ઉપર બનાવવામાં આવતું હતું.
વૈજ્ઞાનિકો તેમ જ શોધકર્તાઓ દ્વારા મળેલી પ્રાચીન ભારતની નગરરચનાની જાણકારી અનુસાર ભગવાન બુદ્ધની જન્મસ્થળી લુમ્બી (હાલ નેપાળમાં)નામની નગરી છે. આ નગરી ૮મી સદીના પૂર્વે બનેલી હતી. આ નગરીની રચના સ્વસ્તિક આકારમાં બનાવવામાં આવી હતી. પ્રાચીનકાળમાં રાજાઓ પોતાના કિલ્લાનું નિર્માણ સ્વસ્તિક આકારે કરાવતા જેથી તેમનાં કિલ્લા અભેદ અને સુરક્ષિત રહે.
નાનકડા સ્વસ્તિકનો ઈતિહાસ ખૂબ જ જૂનો હોવા છતાં, તેનું મહાત્મ્ય આજે પણ જળવાઈ રહ્યું છે એ જ તેની અંદર રહેલી સકારાત્મક ઊર્જાનો અહેસાસ કરાવે છે.
———
હેમાંબિકાદેવી મંદિર: કૉંગ્રેસના ચિહ્નનો જન્મસ્થળ
હાલમાં જ રાહુલ ગાંધીએ કેરળથી ભારત જોડો યાત્રા શરૂ કરી છે. કૉંગ્રેસ પાર્ટી માટે નવી જમીન અને નવી આશાની શોધ કરી રહી છે. ચાર દશકા પહેલાં અહીંથી જ તેમનાં દાદી અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસમાં નવો જીવ પૂરવાની શરૂઆત કરી હતી. આ વાત ૧૯૭૫ની છે જ્યારે ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી જાહેર કરી હતી. એ સમયે કૉંગ્રેસના ભાગલા પડી રહ્યા હતા. કેરળમાં બે કૉંગ્રેસ હતી, પહેલી કૉંગ્રેસ (આઈ) જે અહીંના મુખ્યમંત્રી કે. કરુણાકરણ ચલાવી રહ્યા હતા અને બીજી કૉંગ્રેસ (એ) જે એક એન્ટોનીની લીડરશિપમાં હતી. ઇન્દિરા ગાંધી આ બંને કૉંગ્રેસને એક કરવા માટે અહીં આવ્યા હતાં.
તમારા મનમાં સવાલ ઊભો થઈ રહ્યો હશે કે કૉંગ્રેસના ઇતિહાસ અને કેરળના પડકકલ જિલ્લામાં આવેલા આ હેમાંબિકા મંદિર વચ્ચે શું સંબંધ છે? રાજકારણ અને ધર્મ એ બંને જુદા જુદા વિષય છે, પણ આજે આપણે અહીં વાત કરીશું આ બંને વચ્ચેના અનોખા કનેક્શનની. પણ એ પહેલાં તમને ચાલો… જાણીએ… એ દિવસોમાં ઇલેક્શન કમિશને કૉંગ્રેસનું ચૂંટણીચિહ્ન ગાય-વાછરડું નિરસ્ત કરી દીધું હતું. કૉંગ્રેસ નવા ચૂંટણીચિહન માટે અનેક વિકલ્પો પર વિચાર કરી રહી હતી, જેમાં હાથનો પંજો, હાથી અને થોડાં અન્ય ચિહ્નો પણ હતાં, પરંતુ ઇન્દિરા ગાંધીએ હાથનો પંજો પસંદ કર્યો.
હવે એનો પણ હેમાંબિકા મંદિર સાથે શું સંબંધ છે?
જોકે, આ હાથનો પંજો ઇન્દિરા ગાંધીએ આ જ હેમાંબિકા મંદિરને ધ્યાનમાં રાખીને પસંદ કર્યો હતો. આ મંદિર દુનિયાભરનાં માતાનાં મંદિરોમાં સૌથી અનોખું છે. અહીં માતાની મૂર્તિ નથી, માત્ર બે હાથ છે. આ હાથને જ દેવી સ્વરૂપમાં પૂજવામાં આવે છે. આ મંદિરને ઇમૂર ભગવતી મંદિર પણ કહેવામાં આવે છે. આ કેરળના પડક્કલ જિલ્લાની કલેકુલંગરા જગ્યાએ આવેલું છે. માન્યતા છે કે ભગવાન પરશુરામે આ મંદિરની સ્થાપના કરી હતી.
૧૩ ડિસેમ્બર ૧૯૮૨ના રોજ જ્યારે ઇન્દિરા ગાંધી મંદિર આવ્યાં હતાં ત્યારે કેરળના પારંપરિક વાદ્ય યંત્રો અને ગીતોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
સુપ્રીમ કોર્ટ જજની પત્નીની સલાહ લઈને ઇન્દિરા ગાંધીએ પંજો પસંદ કર્યો હતો
પડક્કલના પૂર્વ સાંસદ વી.એસ. વિજયરાઘવન જણાવે છે કે ૧૯૮૦ની આસપાસ ઇન્દિરાજી અહીં આવ્યાં હતાં. તેઓ મુખ્ય મંત્રી કે. કરુણાકરણ સાથે મંદિર આવ્યાં હતાં. ત્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પી.એસ. કૈલાસમનાં પત્ની સૌંદર્યા કૈલાસમે ઇન્દિરા ગાંધીને આ મંદિરનો મહિમા અને ખાસ મૂર્તિ અંગે જણાવ્યું હતું. કૈલાસમ પરિવાર નેહરુ પરિવારની ખૂબ જ નજીકના હતા. ઇન્દિરાજીને હેમાંબિકા મંદિરની બે હાથવાળી મૂર્તિથી આ જ પ્રેરણા મળી અને તેમણે ચૂંટણીચિહ્ન તરીકે હાથનો પંજો પસંદ કર્યો. ૧૯૮૦માં કૉંગ્રેસ આ જ ચિહ્ન સાથે પરત ફરી.
૧૩ ડિસેમ્બર ૧૯૮૨ના રોજ પૂર્વ પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીએ જ્યારે મંદિરમાં દર્શન કયાર્ં ત્યારે ત્યાં રજિસ્ટર પર નોટ લખી હતી. મંદિર સમિતિએ તેમાં લખ્યું છે કે ઇન્દિરા ગાંધીએ અહીં એક મોટો તાંબાનો ઘંટ પણ ચઢાવ્યો હતો.
ચૂંટણી જિત્યા પછી ઇન્દિરા ગાંધીએ ૫૦૦૧ રૂપિયા ચઢાવ્યા
મંદિરના પૂજારી કૈમુકુ વાસુદેવન નંબુદિરી કહે છે કે જ્યારે ૧૯૮૦માં કૉંગ્રેસ ફરી સત્તામાં આવી ત્યારે મુખ્ય મંત્રી કે. કરુણાકરણ સાથે ૧૯૮૨માં ઇન્દિરા ગાંધી પ્રધાન મંત્રી તરીકે અહીં આવ્યાં, તેમણે મંદિરમાં ૫૦૦૧ રૂપિયા અને એક મોટો ઘંટ પણ ચઢાવ્યો હતો ત્યારે અહીંના રાજ પરિવારે તેમને એક લોકેટ ભેટ કર્યું હતું, જેમાં મંદિરની મૂર્તિના પ્રતીક બંને હાથના પંજા હતા.
૧૫૦૦ વર્ષ જૂનું મંદિર, બે વાર્તા બે હાથવાળી મૂર્તિ
મંદિરમાં હાલનું સ્ટ્રક્ચર લગભગ ૧૫૦૦ વર્ષ જૂનું છે. આ મંદિરને લઈને બે પ્રકારની વાર્તાઓ છે. એક વાર્તા કહે છે કે એક રાક્ષસના હુમલાથી બચવા માટે પાર્વતીજી ભાગી રહ્યાં હતાં અને તે જગ્યાએ રહેલા તળાવમાં પડી ગયાં હતાં. તેમણે બંને હાથ ઉપર કરીને શિવજીને અવાજ કર્યો, શિવજી આવ્યા અને રાક્ષસનો વધ કર્યો. પાણીની ઉપર રહેલાં પાર્વતીજીના તે બે હાથ અહીં મૂર્તિ તરીકે સ્થાપિત થઈ ગયા.
બીજી વાર્તા પં. વાસુદેવન નંબુદિરી જણાવે છે કે કલ્લેકુલંગરાના એક પૂજારી લગભગ ૧૫ કિલોમીટર દૂર મલમપુઝાના અકમલાવરમ મંદિરમાં રોજ પૂજા કરવા આવતા હતા. જ્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા ત્યારે તેમણે દેવી માતાને કોઈ વૈકલ્પિક રસ્તો શોધવાની પ્રાર્થના કરી. એક દિવસ કલ્લેકુલંગરાના તળાવમાં સ્નાન કરતી સમયે તેમણે એક મહિલાને ડૂબતા જોઈ, જેના માત્ર બે હાથ જોવા મળી રહ્યા હતા, જ્યારે સ્થાનિક લોકોએ મહિલાને બચાવવા માટે કોશિશ કરી ત્યારે તે એક મૂર્તિ બની ગયા. લોકોએ તે જ બંને હાથની મૂર્તિને અહીં સ્થાપિત કરી. આ પ્રકારે આ મંદિર લગભગ ૧,૫૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હતું.
મંદિરમાં રહેલું તળાવ, જેને લઇને માન્યતા છે કે માતા હેમાંબિકાની પ્રતિમા અહીં મળી હતી.
૪ અંબિકા મંદિરમાંથી એક છે હેમાંબિકા
પં. નંબુદિરી જણાવે છે કે હેમાંબિકા મંદિર દેવીનાં ૪ મુખ્ય અંબિકા મંદિરમાંથી એક છે, જેની સ્થાપના ભગવાન પરશુરામે કરી હતી. ત્રણ અન્ય મંદિર છે, એક મુકાંબિકા જે ઉડુપીમાં છે, બીજું લોકાંબિકા જે કેરળના કોડુંગાલુરમાં છે અને ત્રીજું બાલાંબિકા મંદિર જે ક્ધયાકુમારીમાં છે. આ ચાર મંદિરોને અંબિકલાયમ કહેવામાં આવે છે.
પહેલાં રાજ પરિવારનું મંદિર હતું, હવે દેવસ્વમ બોર્ડનું છે
મંદિરના પ્રબંધક પી. મોહનસુંદન કહે છે કે આ મંદિર પલક્કટ્ટુસરી શેખરી વર્મા વલિયા રાજા હેઠળ હતું જેને પણ માલાબાર દેવસ્વમ બોર્ડે પોતાના અધિકારમાં લીધું. આજે પણ આ મંદિરમાં પલક્કટ્ટુસરી રાજાનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. મંદિરના તળાવનું સમારકામ કરવામાં આવ્યું છે અને ગર્ભગૃહને આગળ લઈ જવાનો વિચાર પણ છે. મંદિરમાં પૂજાનો સમય સવારે ૫ વાગ્યાથી ૧૧.૩૦ વાગ્યા સુધી અને સાંજે ૫ વાગ્યાથી રાતે ૮ વાગ્યા સુધી હોય છે.