આરઆરઆરના ‘નાટુ નાટુ’ ગીતે ગોલ્ડન ગ્લોબ જીતીને ભારતીય ફિલ્મ ઇતિહાસમાં ગોલ્ડન અક્ષરે પોતાનું નામ નોંધાવી દીધું છે. ગોલ્ડન ગ્લોબના ઇતિહાસમાં ભારતની હાજરી વખતોવખત નોંધાય છે, પણ ઍવોર્ડ ઓછા મળ્યા છે. ચાલો, જાણીએ ગોલ્ડન ગ્લોબમાં ભારતીય ફિલ્મોનો ઇતિહાસ.
ગાંધી
રિચર્ડ એટનબરો દિગ્દર્શિત આ ફિલ્મ મૂળ તો ઈંગ્લિશ ભાષામાં બની હતી. પણ તેને ગોલ્ડન ગ્લોબમાં ‘ફોરેન લેન્ગવેજ’ ફિલ્મ તરીકે ૧૯૮૩માં દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફિલ્મ અન્ય ચાર કેટેગરી માટે પણ સામેલ હતી. ગાંધી ફિલ્મે પાંચેપાંચ ઍવોર્ડ પોતાના નામે અંકે કર્યા.
——
આરઆરઆર
આ ફિલ્મને મળેલા ઍવોર્ડની શાહી હજી સુકાઈ નથી. આ ફિલ્મ ‘બેસ્ટ નોન-ઈંગ્લિશ ફિલ્મ’ અને ‘બેસ્ટ ઓરિજિનલ સોન્ગ’ કેટેગરીમાં નોમિનેટ થઇ હતી.
આ સિવાય સત્યજિત રાયની ‘અપૂર સંસાર’, મીરા નાયરની ‘સલામ બોમ્બે’, અને મીરાની જ અન્ય ફિલ્મ ‘મોન્સૂન વેડિંગ’ પણ ગોલ્ડન ગ્લોબ માટે પસંદ થઇ છે પણ ઍવોર્ડ મેળવી શકી નહોતી.
——–
દો આંખે બારહ હાથ
૧૯૫૭માં દો આંખે બારહ હાથને ગોલ્ડન ગ્લોબ માટે નોમિનેટ થનારી પહેલી ભારતીય ફિલ્મનું ગૌરવ પ્રાપ્ત થયું. અને આનંદની વાત એ છે કે પહેલી એન્ટ્રીમાં જ તેને અમેરિકાની બહાર નિર્માણ થયેલી બેસ્ટ ફિલ્મનો ‘સેમ્યુઅલ ગોલ્ડવીન ઇન્ટરનેશનલ ફિલ્મ’ ઍવોર્ડ મળ્યો.
———
સ્લમડોગ મિલિયોનેર
આ ફિલ્મ માટે ભારતીય સંગીતકાર એ. આર. રહેમાનને ‘શ્રેષ્ઠ મૌલિક સંગીત’ની કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. અને રહેમાન વ્યક્તિગત ગોલ્ડન ગ્લોબ મેળવનાર પહેલા ભારતીય વ્યક્તિ બન્યા. તેમને એ પહેલા ૨૦૧૧માં પણ અન્ય ફિલ્મ માટે નોમિનેશન મળેલું.
વિશ્ર્વમાં સૌથી વધુ ફિલ્મો બનાવતા ભારતીય સિનેમા માટે માત્ર આંગળીને વેઢે ગણાય તેટલાં જ નોમિનેશન્સ હોય એ પણ વિચારવા જેવી વાત છે.