તસવીરની આરપાર -ભાટી એન.
સૌરાષ્ટ્રમાં મસ્તમજાનો ઝાલાવાડ આવેલ છે, તેમાં ‘વાંકાનેર’ ઝાલા રાજવીઓનું ખરું. ઈ.સ. ૧૬૦૫માં ‘વાંકાનેર’ રાજ્યની સ્થાપના રાજશ્રી સરતાનજી હળવદથી આવ્યાને વાંકાનેરની સ્થાપના કરી તેને ૪૧૮ વર્ષ થયા છે. વાંકાનેરનો ભૂપ્રદેશ પર્વતીય છે…! પથ્થરની અહીં ખાણ હતી, વાંકાનેર રાજ્યની સ્થાપના અને લોકોકિત મુજબ શાહબાવાએ સરતાનજીને પોતાનો લાકડાનો ‘ધોકો’ ફેંકી બતાવેલ તે જગ્યા મોરબી દરવાજાથી વાંકાનેર શહેર વસાવવા સૂચના કરવા ગામની પ્રથમ વસાહતની શરૂઆત રામચોકથી થઈ તે ચોકમાં અડીને શાહ બાવાના કલાત્મક મિનારાઓ આવેલ આ મિનારા અમદાવાદના મિનારાને લગતીકલા કોતરણી છે. મચ્છુનદીના કાંઠે વસેલ વાંકાનેર પાણીદાર છે. આ પાણીનો પ્રતાપ નિરાળો છે.
મચ્છુકાંઠોને મોરબી વચ્ચમાં વાંકાનેર
ઈ’ નરપટાધર નિપજે, ઈ’ પાણી હુંદો ફેર.
પતાળીયો નદીને મચ્છુનદીના સંગમ કિનારે શાહબાવા ને નાગાબાવાનું મંદિર આવેલ અહીં શ્રાવણ વદ ૧૦નો નાગાબાવાનો મેળો ભરાય છે. તેના પ્રસાદ તરીકે જલેબીને ભજિયા અચૂક મેળો માણવા આવનાર આરોગે છે…! વાંકાનેર ૨૦્ર -૨૫ અને ૨૦્ર-૪૮ ઉત્તર અક્ષાંશ અને ૭૦્ર-૫૦ અને ૭૧્ર-૧૨ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું વાંકાનેર મોરબી જિલ્લાનો મોટામાં મોટો તાલુકો છે. વાંકાનેર પથંકમાં સિરામિકને લગતી માટી વિપુલ પ્રમાણમાં સાંપડી રહે છે. તેના કારણે લખલૂંટ ગ્લેઝ ટાઈલ્સને સિરામિક ઉદ્યોગ ધમધમે છે…! જ્યાં જુઓ ત્યાં ગ્લેઝ ટાઈલ્સ માતબર પ્રમાણમાં બને છે. અત્યાધુનિક સાધનોને આધુનિક ટેકનિકના કારણે રોજની લાખો ટાઈલ્સ વેચાણમાં જતી હશે…!
હવે’ તો તેનું વિશ્ર્વવ્યાપી બજાર બની ગયું છે…! વાંકાનેરમાં ફાયરબ્રિક્સ ઈંટોનો ધંધો ચાલે છે. તો વિપુલ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે, તેનો કારણે જીનિંગ પ્રેસિગ મિલો છે. વાંકાનેર ૧૦૦ ગામોનો તાલુકો છે. પથ્થરાળ ડુંગરાળ વિસ્તારમાં મોટા પાયે ઘાસ ઊગે છે. જેથી ગૌપાલકોની સંખ્યા મોટા પાયે છે. ગાય, ભેંસ, ઘેટા, બકરાને ઉછેરે છે. જેના કારણે માલધારી ભરવાડ લોકો ગાયનો માવો બનાવાના માહિર છે. ભરવાડણ બહેનો આમ’તો અભણ હોય છે…! પણ તેની કોઠાસૂઝ કાબિલે તારીફ ગણી શકાય. માવો આ અભણ બહેનો બનાવે પણ માવાની ગોટી જોતા મોંમાં પાણી આવી જાય, વાંકાનેરમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું માવા બજાર ભરાય છે…! અહીંનો માવો ગુજરાત-મહારાષ્ટ્ર-(મુંબઈ) સુધી જાય છે. આ માવામાંથી ગુલાબજાંબુ, પેંડા, ગોલા, ગુલ્ફી, ટોપરાપાક જેવી મીઠાઈઓ સ્વાદિષ્ટ બને છે. આ માવો વેંચવા મોટે ભાગે ભરવાડણ બહેનો જ આવે છે. તે અભણ હોય છે તેમ છતાં ઘરનું સંચાલન બખૂબી રીતે તે જ કરે છે.
૧૯૦૭માં મહારાજા અમરસિંહજીને ત્યાં રાજકુંવરનો જન્મ થયો આજ વર્ષે ‘રણજીત વિલાસ પેલેસ’નું ખાત મુહૂર્ત જામનગરના રાજા રણજીતસિંહના વરદ-હસ્તે થયું આ પેલેસને ૧૦૦ વર્ષથી વધારે વર્ષ થયા છે. પ્રવાસનની દૃષ્ટિએ આ પેલેસનું ઘણું મહત્ત્વ છે. અમરસિંહજીએ વાંકાનેર રાજ્યનો ખૂબ અનુશાસન મુજબ વહીવટ ચલાવ્યો હતો. તેમનો મૈત્રી ભાવ તેમને બનાવેલ સ્થાપત્ય કલા પરથી દેખાઈ આવે છે. જનાનાનો મહેલ છે તે રાજકોટના ઠાકોર લાખાજીરાજના નામ પરથી લાખેન્દ્ર-વિલાસ વીંગ તરીકે ઓળખાય છે. બાજુમાં ગેસ્ટહાઉસ છે.
જેને કચ્છના મહારાવ શ્રી ખેંગારજીના નામ પરથી ‘ખેંગાર ભુવન’ રાખવામાં આવ્યું છે. મચ્છુનદીનાં કિનારે ગેસ્ટહાઉસ છે તે પણ ભવ્યતાતિભવ્ય છે જેને લોકો ‘મોટીવાડી’કહીને બોલાવે છે. જે ઓરિસ્સાના મહારાજાને અને વાંકાનેરનાં જમાઈ ‘પૂર્ણચંદ્ર ભંજદેવ’ના નામથી બનાવામાં આવ્યું છે. આ ‘મોટીવાડી’ ચાર માળની કલાત્મક વાવ ચોરસ છે તેમાં ‘શિવજી’ની પ્રતિમા અલભ્ય છે. આખી વાવને પથ્થરથી મઢેલ છે. જેમ જેમ પાણી નીચું જતું જાય તેમ તેમ આરામ કરવા નીચેના માળે રાજવી લોકો જતા ઉનાળામાં ઉષ્ણતામાનનો પારો આકાશે આંબે છે. તે વેળા એ.સી. જેવી શીતળતા આ વાવમાં મળે છે…! ‘મોટીવાડી’માં મસ્ત મજાનો અફલાતૂન સ્વિમિંગ પુલ છે. તે જમાનામાં બનેલ સ્વિમીંગ પુલ લાજવાબ છે. તેમાં આરસની મૂર્તિ નિહાળતા મનમોહક લાગે છે. વાંકાનેરનો ‘રણજીત વિલાસ પેલેસ ને મોટીવાડી વિસ્તારમાં અસંખ્ય હિન્દી-ગુજરાતી ફિલ્મનાં શૂટિંગ થયા છે…! તાજમહેલ જેવો લાગતો વાંકાનેરનાં પેલેસમાં ‘પનાહ’ફિલ્મમાં ટાઈટલમાં આ પેલેસ બતાવાય છે. ‘મટરૂકી બીજલીકા મંડોલા’નું ઘણું બધુ શૂટિંગ થયું હતું. વાંકાનેર હવે કૂદકેને ભૂસકે પ્રગતિના પંથે દોડી રહ્યું છે.
વાંકાનેર સિટી પાઘડી પન્ને વસેલ શહેર છે…! ફરવાલાયક ગાયત્રી મંદિરને ગઢિયા ડુંગર પર બિરાજમાન કાલિકામાતાની ટેકરીએ રવિવારે મેળા માફક મેદની ઊમટી પડે છે.
પગથિયા ચડીને કાલીકામાતાના મંદિરે શ્રદ્ધાળુઓ જાય છે. ‘ગઢિયાડુંગર’પરથી વાંકાનેરને નિરખવાની મજા અલૌકિક છે. તેનો નજારો નયન રમ્ય છે. ટેકરી ઉપર રાજવી પરિવારે સર્ચલાઈટ ટાવર બનાવેલ તે કલાત્મક છે પણ ૨૦૦૧ના ધરતીકંપમાં ખંડિત થયો છે. તેમ છતાં તેની ભવ્યતા બરકરાર છે.