મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે ગુરુવારે નવ દિવસીય કાલા ઘોડા આર્ટ્સ ફેસ્ટિવલ માટે દક્ષિણ મુંબઈમાં ક્રોસ મેદાનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. જોકે કોર્ટે એવું પણ કહ્યું હતું કે જાહેર મેદાનમાં કોઇ રિફ્રેશમેન્ટ અને કોમર્શિયલ સ્ટોલ સ્થાપિત કરવામાં આવશે નહીં.
જસ્ટિસ આર.ડી. ધાનુકા અને એમ.એમ. સાથયેની ડિવિઝન બેંચે ક્રોસ મેદાનમાં ફેસ્ટિવલનું આયોજન કરવા માટે કાલા ઘોડા એસોસિયેશન દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી. આ ફેસ્ટિવલ ચોથી ફેબ્રુઆરીથી ૧૨મી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. ખુલ્લા મેદાનમાં બિનરમતગમતની પ્રવૃત્તિઓનો વિરોધ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે ૨૦૧૭માં મુંબઈ કલેક્ટરને તેમની પરવાનગી વિના કોઇ પણ તૃતીય પક્ષને ક્રોસ મેદાન ન ફાળવવાનો નિર્દેશ આપ્યો હતો, કારણ કે શહેરની વિકાસ યોજના મુજબ મેદાન એ રમતનું મેદાન છે.
એસોસિયેશને એવો દાવો કર્યો હતો કે આ ફેસ્ટિવલમાં સ્ટોલધારકો પાસેથી નજીવી ફી લેવામાં આવે છે, જેમાંથી કોઇ ફાયદો થતો નથી.
આ ઉપરાંત અહીં પ્રવેશ કરનારાઓ માટે કોઇ પણ પ્રકારની ફી નથી લેવામાં આવતી, એવું આયોજકે જણાવીને વધુમાં ઉમેર્યું હતું કે પાલિકા, પોલીસ અને કલેક્ટર પાસેથી પરવાનગી લેવા માટેની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. કોર્ટે એસોસિયેશનને ક્રોસ મેદાનમાં ફેસ્ટિવલ ઊજવવા માટે પરવાનગી આપી હતી.
(પીટીઆઈ)