Homeઉત્સવવિશ્ર્વના મહાન યોદ્ધા

વિશ્ર્વના મહાન યોદ્ધા

પાંચસો વર્ષ બાદ કાશ્મીરમાં હિન્દુ-રાજ

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

કાશ્મીરના નવાબ મોહમ્મદ જુબાર ખાનને સીપિર્યાંમાં અલ્પ આરામમાં જ ખાલસા સેના સામે લડવાની નોબત આવી પડી હતી.
દિવાનચંદ મિશ્રની ટૂકડી પર શેરદિલ ખાનની અફઘાન ટૂકડીએ જંગલ માર્ગે હુમલો કર્યો, તો પાછળથી હરિસિંહ નલવા લડવા આવી પહોંચ્યા. બે બાજુના આક્રમણને અફઘાનો ખાળે એ અગાઉ તો નવી આફત આવી પહોંચી. તલવારોની ટક્કરમાંથી થતા ઘર્ષણ, ઉડતા તિખારો, ભોંકાતી સંગીન અને મરણતોલ ચીસો વચ્ચે ફુલાસિંહ અકાલી પણ પોતાના સૈનિકો સાથે શેરદિલ ખાનની સેના પર તૂટી પડ્યા.
ત્રિપાંખિયા આક્રમણમાં ભલભલા ચમરબંધે જીવ આપી દેવો પડે કાં સમર્પણ કરી દેવું પડે. પરંતુ ખાલસા સેના તો એવા ઝનૂન અને વીરતા સાથે લડી રહી હતી કે જોતજોતામાં શેરદિલ ખાન, એનો ભાઈ મીર સમદ ખાન સહિતના આગેવાનોએ સાગમટે અંતિમ સફરે નીકળી જવું પડ્યું. અફઘાન સેના માટે આ ખૂબ મોટી પીછેહઠ હતી, પણ થાય શું?
આવા વિપરીત સંજોગો છતાં નવાબ મોહમ્મદ જબાર ખાનનો જુસ્સો હાસ્યાસ્પદ છતાં અસાધારણ હતો. કારણ એ પણ હોઈ શકે કે ન તો ક્યારેય હરિસિંહ નલવા સાથે સીધેસીધો લડ્યો કે નહોતો ક્યારેય નલવાને લડતા જોયો. યોગાનુયોગે નલવા અને ખાન યુદ્ધ-મેદાનમાં સામસામે આવી ગયા. ખાનને પોતાની તાકાત અને હાથમાં ચમકતી તલવાર પર ભયંકર ગુમાન. પછી તો શું? ચકલી ફૈડકે ચડી. ખાને માની લીધું કે બસ હવે તો મારી તલવાર નલવા પર ત્રાટકે એટલે બધો ખેલ ખતમ, પરંતુ એ તલવાર ઊંચકે એ અગાઉ તો હરિસિંહની કિરપાણે એનો તલવારધારી હાથ જ શરીરથી અલગ પાડી નાખ્યો.
કલ્પના કરો કે નલવાની નજર કેટલી સતેજ હશે? વિચાર કરવાની અને એને ચોકસાઈથી અમલમાં મૂકવાની ગતિ કેવી હશે? કહેવાનું કે નલવાની આંખમાં કંઈક વિશિષ્ટતા હતી, સમ્મોહન હતું. ભલભલા સશસ્ત્ર ચમરબંધ એની નજર પડતી કે એ પાણીપાણી થઈ જતો. કોઈક મેદાન છોડીને ભાગી જતો. આવા વ્યક્તિત્વનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. ગમે તેટલા શબ્દો ખર્ચીએ પણ સાચું ચિત્ર ઉપસી ન શકે.
એક હાથ વગરનો મોહમ્મદ જબાર ખાન લોહીલુહાણ હાલતમાં ધૂળ ચાટતો થઈ ગયો. મહાપ્રયત્ને એ મેદાનમાંથી જીવતો ભાગવામાં સફળ થયો. કલ્પના કરો કે કાશ્મીરના નવાબને એના જ રાજ્યમાંથી ઘાયલ અવસ્થામાં ભાગવા માટે મજબૂર કરનારા નલવા કેવું પ્રચંડ વ્યક્તિત્વ હશે?
અફઘાની સેનામાં દાવાનળની જેમ વાત ફેલાઈ ગઈ કે નવાબ ખતમ થઈ ગયા. કોઈકે કહ્યું કે ભાગી ગયા, તો કોઈકે ચલાવ્યું કે પકડાઈ ગયા. પણ બધી અફવાનો સરવાળો એક જ થયો કે અફઘાન સેનાનું મનોબળ તળિયાથીય નીચે ઉતરી ગયું. એના પછી તો ખાલસા સેના માટે જીત માત્ર વિધિવત, ઔપચારિકતા રહી ગઈ. બીજી તરફ એક સાથે સિંહ, વાઘ, હાથી અને ડાયનોસાર પડ્યા હોય એમ નવાબ ભાગતો જ રહ્યો. ન વિરામ બાદ નવેસરથી હુમલાનું વિચાર્યું કે ન વેર વાળવાનો વિચાર સુધ્ધાં આવ્યો. લપાતા છૂપાતા અફઘાનિસ્તાન પહોંચીને જ નિરાંતનો શ્ર્વાસ લીધો. ત્યાર પછી તેણે કદાચ કાશ્મીર કે ભારત તરફ નજર કરવાની ગુસ્તાથી નહીં કરી હોય.
આ ખાલસા સેના અને નલવાની ઐતિહાસિક જીત હતી જેની વ્યવસ્થિત અને પૂરતી નોંધ લેવાઈ નથી એ ખેદની બાબત છે. આ એક યુદ્ધમાં વિજય નહોતો, એક રાજ્ય પર કબજો મેળવવા જેટલી મામૂલી વાત નહોતી. આ તો કાશ્મીર પરથી પાંચ-પાંચ દાયકાના મુસ્લિમ શાસનનો અંત લાવનારી ભવ્ય જીત હતી.
કાશ્મીરનું આપણા માટે અદકેરું મહત્ત્વ છે. એના માટે ગર્વ અનુભવ્યો છે એટલી જ પીડાય ભોગવી છે. એટલે કાશ્મીરના ઈતિહાસનો અલ્પ પરિચય અસ્થાને નહીં ગણાય. કાશ્મીરના સર્વપ્રથમ મુસ્લિમ શાશક એટલે રિન્ચાન શાહ. નામ થોડું વિચિત્ર લાગે કારણ કે એ તિબેટિયન બુદ્ધિષ્ઠ રાજકુમારમાંથી મુસ્લિમ બન્યો હતો. લડાખમાંથી શરણાર્થી તરીકે કાશ્મીરમાં આવ્યા બાદ તેણે રાજ મેળવ્યું હતું. ઈતિહાસમાં તેનો ઉલ્લેખ અને રિન્ચાન મલિક, મલિક રિન્ચાન અને સદ્રુદીન શાહ તરીકે ય મળે છે. તેણે ઇ. સ. ૧૩૨૦થી ૧૩૨૩ વચ્ચે રાજ કર્યું. એક મુદ્દો અંડરલાઈન કરવો પડે કે ત્યારે ય શરણાર્થી પર વિશ્ર્વાસ મૂકવાની ભારે કિંમત ચુકવવી પડી હતી. છેક ઇ. સ. ૧૩૨૦ થી ઇ. સ. ૧૮૧૯ની આ નલવાની જીત વચ્ચેના પાંચ-પાંચ દાયકા કાશ્મીર પર મોંગોલિયન, અફઘાની, પઠાણો અને મોગલોએ રાજ કર્યું.
કાશ્મીરને મુસ્લિમ શાસકોના જડબામાંથી છોડાવવામાં હરિસિંહ નલવાને મળેલી સફળતા વિશે આપણે નથી સાચું જાણતા કે નથી એનું મહત્ત્વ સમજતા. કલ્પના કરી જુઓ કે નલવાએ એ સમયે કાશ્મીરમાં સફળતા ન મેળવી હોત તો કાશ્મીરની કેવી ભયંકર દુર્દશા થઈ હોત? અલબત્ત, કાશ્મીર પર હિન્દુ રાજની પકડ બહુ લાંબો સમય ન ટકી અને આઝાદી બાદ જે પીડાદાયક બન્યું તેમાંથી આપણે થોડુંઘણું જાણીએ છીએ. માત્ર કાશ્મીર પરિપ્રેક્ષ્યમાંય હરિસિંહ નલવાના પ્રદાનને સમજવા-બિરદાવવાની તાતી જરૂર છે.
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -