કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી
કચ્છ જેમ પોતાની સંસ્કૃતિ, ભાષા, લોકજીવન, કસબ, હસ્તકળા અને ભૌગોલિક રીતે વૈવિધ્ય ધરાવે છે તેમ વન્ય સંપદામાં પણ પોતાની આગવી ઓળખ છે. તેમાં પ્રાણીઓ-પક્ષીઓ અને ઝાડ-પાન, ફળ ફૂલ વગેરે કચ્છને કુદરતે ઠાંસી ઠાંસીને પ્રદાન કર્યું છે. તેમાં એક અનોખું પક્ષી ઘોરાડ (ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ) એક પક્ષી છે. જે કચ્છમાં લુપ્ત થવાના આરે છે. જે હવે દુર્લભ પક્ષી છે. ગુજરાતમાં આ પક્ષીની વસતી માત્ર કચ્છમાં જ છે. જો કે ૪ માદા પક્ષીઓ જ બચી છે. એક પણ નર ધોરાડ અહીં અસ્તિત્વ ધરાવતું નથી.
ઘોરાડ પક્ષીનું અભયારણ્ય જે લાલા પરજણ ક્ષેત્ર તરીકે ઓળખાય છે તે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલ નલિયા/અબડાસા તાલુકામાં આવેલ જખૌ ગામ નજીક આવેલું સુરક્ષિત ક્ષેત્ર છે. ઘોરાડ વંશ ૠિીશજ્ઞિંળયત જ્ઞર જ્ઞશિંમશમફય કુળનું એક પક્ષી છે. તેનું વૈજ્ઞાનિક નામ ઈવજ્ઞશિજ્ઞશિંત ગશલશિભયાત (કોરીઓટીસ નાઈગ્રીસેપ) છે. તે સૂકા વેરાન, છૂટા છવાયા ઊગેલા ઝાડવાંવાળા ઘાસના વિશાળ સપાટ મેદાન, ખાડા ટેકરાવાળા વિસ્તારો અને તેની આસપાસ આવેલા ખેતરોમાં મળી આવે છે. વીસમી સદીની શરૂઆતમાં તે ભારતના વિશિષ્ટ પ્રદેશોમાં ઘણીવાર ૨૦થી ૩૦ના સમૂહમાં જોવા મળતા હવે છૂંટા છવાયા કે ૫-૧૦ના સમૂહમાં કોઈ વાર નજરે પડતા હવે તો માત્ર ચાર માદા ધોરાડ જ પક્ષી બચ્યાં છે. કચ્છમાં ધોરાડનો બાંધો શાહમૃગ જેવો મજબૂત હોય છે. તેની ડોક અને પગ લાંબા હોય છે. તેના શરીર પરના પીંછા આછા કથ્થઈ રંગના હોય છે. પગ ઘેરા પીળા હોય છે. કદમાં ગીધથી સહેજ મોટું, ઊંચાઈ આશરે ૧ મીટર, લંબાઈ ૧.૨૫ મીટર, જ્યારે પાંખનો વિસ્તાર ૨ મીટર કરતાં પણ વધારે હોય છે.
ધોરાડ ત્વરિત વેગે ઊડનારું હોવા છતાં ભારે શરીરને લીધે તે જમીનથી બહું ઊંચે ઊડતું નથી. ધોરાડ શરમાળ અને બીકણ પક્ષી છે અને માનવીથી તે દૂર રહે છે. તેનું માંસ સ્વાદિષ્ટ ગણાતું હોવાથી તે શિકારીનું નિશાન બને છે. જ્યારે શિયાળ, કૂતરા, ઘો અને ગરુડ જેવા પ્રાણીઓ તેનું ભક્ષણ કરે છે. ઘાસના બીજ અને અનાજનાં દાણા જેવા વનસ્પતિ હાર ઉપરાંત ખેતીને નુકસાનકારક એવા કીટકો, સરીસૃપો અને ઉંદર જેવા પ્રાણીઓને પણ તે ભક્ષે છે. કદમાં માદા કરતા નર સહેજ ઊંચો હોય છે. નરની છાતી પર એક કાળો પટ્ટો જોવા મળે છે. માદામાં સામાન્યપણે આ પટ્ટો દેખાતો નથી. પ્રજનન કાળ સામાન્ય પણે માર્ચથી સપ્ટેમ્બર સુધીનો હોય છે. નર ધોરાડ પ્રજનન કાળ દરમિયાન માદાને એકત્રિત કરી પોતાના તરફ તેમનું ધ્યાન આકર્ષવા માટે તે સહેજ ઊંચાઈવાળા સ્થળે રહી નૃત્યલીલા આરંભ કરે છે અને તેની ડોકમાં એક કોથળી આવેલી હોય છે તેને તે ફૂલાવે છે. કોથળી ફૂલતાં ડોક અને માથું ઢંકાઈ જાય છે. પૂંછડીને વાળીને તે પીઠ સુધી ફેલાવે છે. છાતી પરના પીછાને કાઢી નાખે છે અને ખૂબ અવાજ કરે છે. આ બધા નખરા માદાને આકર્ષવા અને હરીફ નરને પડકારવા માટે હોય છે. માદા એક જ ઈંડાને ઘાસ અને છોડ હોય તેવા ખુલ્લા મેદાનમાં મૂકે છે. આ ઈંડુ ભૂરુ-લીલું હોય છે. સેવન અને બચ્ચાની સંભાળની જવાબદારી માદા ઉપાડે છે.
ઘોરાડને લુપ્ત થતું અટકાવવા સુરક્ષિત પ્રાણી (પક્ષી) (ઙજ્ઞિયિંભયિંમ) જાહેર કરવામાં આવે છે. ૧૯૬૯માં ભારતમાં ધોરાડની વસ્તી ૧૨૦૦ હતી તે ૧૯૭૯માં ૧૦૦૦ થઈ. છેલ્લા ૨-૩ દાયકાથી ગુજરાત-કચ્છમાં, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ધોરાડની વસતી અત્યંત દુર્લભ થઈ ગઈ છે.
કચ્છમાં લાલા પરજણ અભયારણ્યમાં ધોરાડનો વસવાટ છે. જે માત્ર ૨ વર્ગ કિ.મી.માં ફેલાયેલ છે. તે દેશનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે. ૨૦૦૮ની શરૂઆતમાં અહીં લગભગ ૫૮ ઘોરાડ પક્ષી હતા. પરંતુ આ સમૂહનું અંતિમ નર ધોરાડ ડિસેમ્બર ૨૦૧૮ થી લાપતા છે. તે પાકિસ્તાન સરહદેથી સરકી ગયો હોય એવું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે તે કચ્છના ધોરાડ માદાને સુરક્ષિત કરી નર ધોરાડને રાજસ્થાનથી સ્થાનાંતરિત કરી પ્રજનન કરાવવામાં આવે તો જ અહીં ધોરાડનું અસ્તિત્વ ટકશે. અન્યથા આ માદાઓ પણ લુપ્ત થઈ જશે પછી અહીં આ મહામુલુ પક્ષી નામશેષ થઈ જશે.
ધોરાડ પક્ષીને લુપ્ત થવા પાછળના કારણો જોઈએ તો સૌથી પ્રથમ અને મુખ્ય કારણ પવનચક્કીનો ફેલાવો. તેના વીજ ટાવર, વીજ પોલ અને હાઈ ટેન્શન વીજ તારોના કારણે ધોરાડ, મોર જેવા પક્ષીઓના મોતના બનાવો વધતા ગયા છે. અભયારણ્યની આસપાસ આધુનિક ખેતી, જંગલ ખાતાની જમીન પર પેશકદમી, ઘાસિયા મેદાનનાં બદલે ગાંડા બાવળોના જંગલો ઊભા થતા રહ્યા છે અને ધોરાડ અભયારણ્યની જમીનમાં પણ ખેડાણ કરીને દબાણકારોએ ખેતી કરતાં ધોરાડ પક્ષીઓનું અસ્તિત્વ ભૂંસાઈ જવાના આરે છે.
સુપ્રીમ કોર્ટનો આદેશ છતાં વીજલાઈનો ભૂમિગત (અન્ડરગ્રાઉન્ડ) ન કરાઈ. શોર્ટ સર્કિટથી ધોરાડ હોમાયા છતાં વન્ય તંત્ર અને સ્થાનિક પ્રશાસનની આંખ મીંચાયેલ જ છે. અહીં માથાભારે શખસો ને રાજકારણની ઓથ છે. માટે અભયારણ્યમાં દબાણો કરી ખેતી કરતા રહ્યા છે. વન્ય અધિકારીઓની ભાગબટાઈ પણ સામેલ હોય તેવી શંકા સેવવામાં આવી રહી છે.અભયારણ્યની ૨૦૦ મીટર નજીક પવનચક્કીઓ ઊભી થઈ ગઈ છે. કોઈ પૂછવાવાળું નથી. ધોરાડને ગાડીઓના આવનજાવનથી ખલેલ પહોંચે છે. પક્ષીઓને જોવા માટે મોટા વોચ ટાવર ઊભા કરાયા છે. પરંતુ ભાગ્યે જ કોઈ ઉપયોગ થાય છે.
નિયમ મુજબ રક્ષિત સ્મારક, અનામત વનની રક્ષિત જમીન કે અભયારણ્યની આસપાસના ૨ કિ.મી. વિસ્તારમાં ઉદ્યોગોને મંજૂરી અપાતી નથી. પરંતુ અહીં આવા નિયમો અને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થયું છે.
વનતંત્ર ઘોરાડને બચાવવા માટે દર વર્ષે મોટા પ્રોજેક્ટ હાથ ધરી ગ્રાન્ટ ફાળવાય છે. પરંતુ કામગીરી માત્ર કાગળ પર જ મોજૂદ રહે છે. વર્ષ ૨૦૧૩માં વિશ્ર્વ બૅંક દ્વારા ગાંડા બાવળ દૂર કરવા માટે ૫૦ લાખની સહાય કરાઈ હતી. વનતંત્ર અને સંસ્થા દ્વારા સંયુક્ત રીતે ધોરાડની સુરક્ષા માટે લાખોના ખર્ચે પ્રોજેક્ટ બનાવાય છે. પરંતુ માર્ગો પર ધોરાડના ફોટા સાથેના બોર્ડ/હોર્ડીંગ લગાડવા, ધોરાડના ફોટા સાથેના ટી-શર્ટ, કેપ, થેલા, સ્લોગન પાછળ જ ગ્રાન્ટ વાપરી નખાય છે. જો કે વાસ્તવિક જમીની હકીકત અલગ જ છે. અભયારણ્યમાં ધોરાડની સંખ્યા કેમ વધે અને પક્ષીઓને ખલેલ/વિક્ષેપ ન થાય તે માટે કોઈ નક્કર પગલાં લેવાતાં નથી. વિવિધ ગતકડાં કરવાને બદલે અભયારણ્યમાં ઘાસિયા મેદાનોની જાળવણી, વધુ ઘાસ ઉગાડવા, અભયારણ્યની આસપાસ દબાણ પ્રવૃતિ પર અંકુશ લગાડવાની કામગીરી થતી નથી.
જો અત્યારે સમય છે. ચાર માદા ધોરાડ પક્ષી બચ્યા છે. રાજસ્થાનથી એક-બે નરધોરાડ લઈ આવવામાં આવશે અને યોગ્ય જાળવણી, પ્રજનન અને દેખરેખ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવશે તો જ આ મહામૂલું ધોરાડ પક્ષી કચ્છમાં અસ્તિત્વ અને વંશવેલો ધરાવશે અને કચ્છની વન્ય સંપદાની શોભા છે. અન્યથા ઘોરાડ પુસ્તકોમાં અને ફોટાગ્રાફમાં જ જોવા મળશે માટે ત્વરિત ગુજરાત સરકારે અંગત ધ્યાન આપવું પડશે અન્યથા નામશેષ નક્કી જ છે.