નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શુક્રવારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે યોજવાનું ઔચિત્ય વર્ણવ્યું હતું. લોકસભામાં એક પ્રશ્ર્નના લેખિત ઉત્તરમાં કાયદા ખાતાના પ્રધાન કિરણ રિજિજુએ સહિયારા ધોરણે ચૂંટણીઓ યોજવાથી સરકારી તિજોરી પરનો બોજ ઓછો થવા અને જનતાના નાણાંની બચત થવા જેવા લાભ દર્શાવ્યા હતા. એ જોગવાઈ માટે બંધારણમાં સુધારો કરવાની અને તમામ રાજકીય પક્ષોનો વિશ્ર્વાસ જીતવા જેવી ઔપચારિકતા અને આવશ્યકતા પણ કિરણ રિજિજુએ દર્શાવી હતી.
કિરણ રિજિજુએ લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે સંસદીય સમિતિએ ચૂંટણી પંચ સહિત સંબંધિત સંસ્થાઓ, સમિતિઓ, પક્ષો સાથે ચર્ચાવિચારણા કરીને સંસદ અને રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓના સમાંતર ધોરણે આયોજનના વિવિધ પાસાંનો અભ્યાસ કર્યો છે. સંસદીય સમિતિએ અભ્યાસ બાદ એ બાબતે સરકારને ભલામણો પણ કરી છે. હવે આ વિષય કાયદા પંચ સમક્ષ છે. કાયદા પંચ આ વિષય પર વધુ વિચાર વિમર્શ કરશે અને સમાંતર રીતે આવી ચૂંટણીઓ યોજી શકાય એ દિશામાં આગળ વધવાનો નકશો તૈયાર કરશે અને આયોજનનું માળખું તૈયાર કરશે.
કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે આટલા વ્યાપક ધોરણે ચૂંટણીઓના આયોજન માટે બંધારણની પાંચ કલમોમાં સુધારા કરવાના રહેશે. એ પાંચ કલમોમાં સંસદના ગૃહોની મુદત સંબંધી ૮૩મી કલમ, રાષ્ટ્રપતિએ લોકસભાને બરખાસ્ત કરવા સંબંધી ૮૫મી કલમ, રાજ્ય વિધાનસભાઓની મુદત સંબંધી ૧૭૨મી કલમ, રાજ્ય વિધાનસભાઓને બરખાસ્ત કરવા સંબંધી ૧૭૪મી કલમ અને રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા સંબંધી ૩૫૬મી કલમનો સમાવેશ છે. દરખાસ્તના અમલ પૂર્વે તમામ રાજકીય પક્ષોની સંમતિ જરૂરી છે. (એજન્સી)