નવી દિલ્હી: સરકારે મિલિંગ કોપરાના ટેકાના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૨૭૦નો અને બોલ કોપરાના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૭૫૦નો વધારો કર્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ કમિટીની ગત શુક્રવારે યોજાયેલી બેઠકમાં વર્ષ ૨૦૨૩ની મોસમ માટે કોપરાના લઘુતમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપવામાં આવી હોવાનું એક અધિકૃત યાદીમાં જણાવાયું છે. ટેકાના ભાવમાં વધારાની આ મંજૂરી કમિશન ફોર એગ્રિકલ્ચરલ કૉસ્ટ્સ ઍન્ડ પ્રાઈસીસ (સીએસીપી) દ્વારા અને નારિયેળનાં ઉત્પાદક રાજ્યો દ્વારા કરવામાં આવેલી ભલામણને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. સરકારી યાદીમાં જણાવ્યાનુસાર વર્ષ ૨૦૨૩ની મોસમ માટે ફેર એવરેજ ક્વૉલિટી ગણાતા મિલિંગ કોપરાના લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલે રૂ. ૧૦,૮૬૦ અને બોલ કોપરાના ભાવ ક્વિન્ટલે રૂ. ૧૧,૭૫૦ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આમ આગલી મોસમની સરખામણીમાં મિલિંગ કોપરાના ટેકાના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૨૭૦નો અને બોલ કોપરાના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૭૫૦નો વધારો કરવામાં આવ્યો છે.
ટેકાના ભાવમાં વધારો થતાં મિલિંગ અને બોલ કોપરામાં દેશના સરેરાશ ઉત્પાદન ખર્ચ સામે અનુક્રમે ૫૧.૮૨ ટકા અને ૬૪.૨૬ ટકાના માર્જિનની બાંયધરી મળે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ૨૦૧૮-૧૯નાં અંદાજપત્રમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ઉત્પાદન ખર્ચનાં ૧.૫ ગણા સ્તરે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવેલી નીતિને અનુરૂપ વર્ષ ૨૦૨૩ની મોસમ માટે કોપરાના ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવી છે.
નેશનલ એગ્રીકલ્ચરલ કૉઑપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (નાફેડ) અને નેશનલ કૉઑપરેટિવ ક્ધઝ્યુમર્સ ફેડરેશન (એનસીસીએફ) કોપરાની પ્રાપ્તિ માટે અધિકૃત એજન્સી તરીકે જળવાયેલી રહેશે પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ નારિયેળને ડિહસ્ક (છોતરાને દૂર કરશે) કરશે, એમ યાદીમાં ઉમેર્યું હતું.