સ્પેશિયલ -ગીતા માણેક
૨૦૨૩નો આરંભ બધા માટે હેપ્પી નહોતો. દિલ્હીના સિંઘ પરિવાર માટે તો એ દિવસે જાણે આભ ફાટયું હતું. સિંઘ પરિવારની એકમાત્ર કમાઉ સભ્ય વીસ વર્ષની અંજલિ સિંઘ સ્કૂટી પર ઘરે પાછી ફરી રહી હતી ત્યારે પાંચ દારૂ પીને ધૂર્ત થઈ ગયેલા જુનાનિયાઓની કાર તેને ચાર કિલોમીટર સુધી ઘસડી ગઈ હતી. શરાબના નશામાં ચકચૂર આ પાંચ જુવાનિયાઓને કાં તો ભાન નહોતું અને કાં તો પરવા નહોતી કે તેમના કારના ટાયરમાં એક નિર્દોષ યુવતી ભેરવાઈને ચાર – ચાર કિલોમીટર સુધી ઢસડાઈ છે. એક અહેવાલ મુજબ જ્યારે આ નબીરાઓને ભાન થયું કે તેઓ એક યુવતી સહિત સ્કૂટીને ઢસડી આવ્યા છે ત્યારે તેમણે ઠંડે કલેજે ફાટીને લીરા – લીરા થઈ ગયેલા વસ્ત્રો સાથેની એ યુવતી, ૨૦ વર્ષની અંજલિ સિંઘને કચરાની થેલી ફગાવતા હોઈએ એમ રસ્તાના કિનારે ફેંકીને પોતે પોલીસના હાથમાં ન ઝડપાય એ માટે રફૂચક્કર થઈ ગયા હતા. જોકે નજીકના સીસીટીવીના કેમેરામાં ઝડપાઈ ગયેલી કારને કારણે તેઓ પકડાઈ ગયા હતા. જેમાંનો એક યુવાન મનોજ મિત્તલ ભારતીય જનતા પક્ષનો સ્થાનિક નેતા હતો.
આ ભયાનક બેદરકારીભર્યાં અકસ્માતનો ભોગ બનેલી અંજલિ સિંઘના અપમૃત્યુથી તેના પરિવારે તો જાણે મોભ ગુમાવ્યો છે. વીસ વર્ષની અંજલિ પર તેના ચાર ભાઈ-બહેન અને બીમાર માતાની જવાબદારી હતી. આ ઉંમરની સામાન્ય યુવતીઓની જેમ અંજલિને પણ ધમાલિયા પંજાબી ગીતો પસંદ હતા અને તે પણ મેક-અપ કરીને સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવતી હતી.
અંજલિ ઘરની એકમાત્ર કમાઉ સભ્ય હતી. તેના પિતાનું નવ વર્ષ પહેલાં અવસાન થયું છે અને માતા કિડનીની બીમારીથી પીડાઈ રહી છે. પોતાના પરિવારની આર્થિક સ્થિતિ જોઈને ૧૫ વર્ષની ઉંમરે જ અંજલિએ ભણતર અધૂરું મૂકીને કમાણી કરવા માટે સ્ત્રીઓ માટેના એક હેર સલૂનમાં નોકરી લઈ લીધી હતી, ત્યાર પછ તેણે એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ સ્વીકાર્યું હતું. સામાન્ય રીતે લગ્ન કે અન્ય પ્રસંગોમાં મહેમાનોને આવકારવા, તેમની સગવડોનું ધ્યાન રાખવા કે ફૂલોની ગોઠવણી કરવી, દુલ્હનને તૈયાર થવામાં મદદ કરવી જેવા નાના-મોટા કામ કરતી હતી. આ કામ કરવા માટે તેને ઈવેન્ટદીઠ ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા મહેનતાણું મળતું હતું. આવા પ્રસંગોમાં પોતાની ફરજ નિભાવતી અંજલિને ઘણીવાર રાતે પાછા ફરતા મોડું થઈ જતું હતું. પહેલી જાન્યુઆરીની રાતે તે આવી જ એક પાર્ટીમાં પોતાને કામગીરી નિભાવી પાછી ફરી રહી હતી જ્યારે તે નબીરાઓએ તેને ચાર કિલોમીટર ઘસડીને મૃત્યુના મુખમાં ધકેલી દીધી હતી.
અંજલિના બધા કપડાં ફાટી ગયા હતા અને શરીરમાંથી માંસના લોચા બહાર નીકળ્યા હતા. તેનું આવું ઈજાગ્રસ્ત શરીર જોઈને અંજલિની માતા રેખા તો બેભાન થઈ ગયા હતા. તેમણે ચોધાર આંસુએ રડતા કહ્યું કે મારી કેવી સરસ મજાની સુંદર દીકરી હતી પણ મોર્ગમાં તેની ચીંથરા થઈ ગયેલી લાશ કેવી હતી એ હું વર્ણવી શકું એમ નથી. એ દૃશ્ય હજુ મારી આંખ સામેથી ખસતું નથી.
અંજલિના શરીર પર એક પણ કપડું નહોતું. પોલીસનું કહેવું છે કે તે ચાર કિલોમીટર ઘસડાઈ ગઈ એમાં તેના કપડાં ફાટી ગયા, પરંતુ અંજલિનો પરિવાર આ વાત માનવા તૈયાર નથી કારણ કે ઘસડાવાથી કપડાં ફાટી જાય એ સમજી શકાય પણ તે સાવ નિ:વસ્ત્ર થઈ જાય એ વાત માન્યમાં આવતી નથી. પરિવારને આશંકા છે કે આ નબીરાઓએ તેના પર બળાત્કાર કર્યો હશે.
અંજલિને યાદ કરતા તેની મા રેખા સિંઘના આસું સૂકાતા નથી. અંજલિ પરિવાર માટે એકમાત્ર આર્થિક ટેકો હતી. જ્યાં સુધી મારા ભાઈઓને નોકરી નહીં મળી જાય ત્યાં સુધી હું લગ્ન નહીં કરું એવું અંજલિ હંમેશાં કહેતી હતી.
અંજલિની માતા રેખા એક ખાનગી શાળામાં સહાયક તરીકે કામ કરતી હતી પણ તેમની તબિયત ખરાબ થઈ ત્યાર પછી અંજલિએ સ્કૂલ છોડીને કામ કરવાનું શરૂ કર્યું હતું. ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે જુદા જુદા પ્રસંગોમાં આવકાર આપવા અને મહેમાનોનું ધ્યાન રાખવાનું કામ કરીને તે મહિને દસથી પંદર હજાર રૂપિયા કમાઈ લેતી હતી.
અગાઉ તે બ્યુટી પાર્લર કે સલૂનમાં કામ કરતી હતી પણ કોરોના કાળ બાદ તેને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ મળી ગયું હતું.
તેને કામ પર જવામાં સુવિધા રહે એ માટે તેણે લોન પર પોતાને પ્રિય એવા પર્પલ રંગનું સ્કૂટી ખરીદ્યું હતું.
વીસ વર્ષની આ યુવતીની આંખોમાં અઢળક સપનાં હતા, તે હસતી-ગાતી છોકરી હતી એવું તેના ઈન્સ્ટાગ્રામ પરની રિલ્સમાંથી ખ્યાલ આવે છે. તેને બ્યુટિશિયનનો કોર્સ કરીને વધુ કમાણી કરવી હતી. પોતાના નાના ભાઈ-બહેનોને ભણાવવા, નોકરીએ લગાડવા અને પરણાવવા હતા. ક્યાંય પણ અન્યાય જુએે કે પ્રશાસન પાસે ફરિયાદ કરવાની હોય તો અંજલિ જરાય અચકાતી નહીં. તેની બહેન કહે છે કે ભવિષ્યમાં તેને રાજકારણમાં આવવું હતું. ચૂંટણી લડવી હતી, પરંતુ દિલ્હીના પાંચ નબીરાઓએ પોતાની ‘મસ્તી’માં એક યુવતીના જીવનનો અંત આણી દીધો હતો.