મુંબઇ: અમેરિકાની ડેટ સિલિંગની વાટાઘાટો નિષ્ફળ જવાથી માંડીને તે આગળ વધવાની આશા વચ્ચે વૈશ્ર્વિક બજારમાં અનિશ્ર્ચત હવામાનમાં મિશ્ર વલમ રહ્યું હોવા છતાં સ્થાનિક બજારમાં સવારના સત્રમાં તેજીનો માહોલ રહ્યો હતો અને નિફ્ટી સત્ર દરમિયાન ૧૮,૪૨૦ સુધી અને સેન્સેક્સ ૬૨,૨૪૫ પોઇન્ટની ઊંચી સપાટી સુધી આગળ વધ્યો હતો. જોકે, છેલ્લા કલાકમાં વેચવાલીનું દબાણ વધી જતાં તમામ સુધારો ધોવાઇ ગયો હતો. જોકે, તેમ છતાં બંને બેન્ચમાર્ક સાધારણ સુધારા સાથે ગ્રીન ઝોનમાં ટકી રહ્યાં હતાં.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૨,૨૪૫.૧૯ અને નીચામાં ૬૧,૯૧૪.૪૦ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૧૮.૧૧ પોઈન્ટ્સ અથવા ૦.૦૩ ટકા વધીને ૬૧૯૮૧.૭૯ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૮,૪૧૯.૭૫ અને નીચામાં ૧૮,૩૨૪.૨૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૩૩.૬૦ પોઈન્ટ્સ અથવા ૦.૧૮ ટકાના ઉછાળા સાથે ૧૮૩૪૮.૦૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે સેન્સેક્સના હેવીવેઈટ શેરોમાં લેવાલીથી ભારતીય શેરબજારમાં નજીવો સુધારો જોવા મળ્યો હતો. યુએસ ડેટ સીલિંગ પરની ચર્ચા પર મીટ માંડવા સાથે બજારમાં આઈટી શેરો તેમજ અદાણી ગ્રુપના શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી અને શેરબજારની તેજી આગળ વધી હતી. અમેરિકામાં ડેટ સીલિંગ અંગેની ચર્ચા શરૂ થતા અગાઉ ભારે લેવાલીથી ઘરેલૂ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સવારે શેરબજાર નીચે ગેપમાં ખુલીને ગ્રીન ઝોનમાં આવી ગયું હતું અને દિવસ દરમિયાન સતત તેમા લેવાલી જળવાઈ રહી હતી. અદાણી ગ્રુપ કંપનીઓના શેરમાં પણ ભારે લેવાલી જોવા મળી હતી. અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૧૩%ની તેજી જોવા મળી હતી.
બીએસઈમાં મેટલ, પાવર, ઓટો, ટેલીકોમ, બેન્ક અને ઓઈલ-ગેસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે ક્ધજ્યૂમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગૂડ્ઝ, રિયલ્ટી, આઈટી અને ટેકનો શેરોમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૩ ટકા અને ૦.૧૧ ટકા વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સમાં આજે સૌથી વધુ બજાજ ફિનસર્વના શેરોમાં સૌથી વધુ ૧.૮૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, એસબીઆઈ, ઈન્ફોસિસ, મારૂતિ, વિપ્રો અને એનટીપીસીનો સમાવેશ થાય છે. સેન્સેક્સમાં એચસીએલ ટેકનોના શેરોમાં સૌથી વધુ ૧.૨૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, કોટક બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, ટાઈટન, સન ફાર્મા, અલ્ટ્રાકેમ્કો અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.
મૂડીબજારમાં એસએમઇ સેગમેન્ટમાં મંગળવારે વસા ડેન્ટીસિટી લિમીટેડ રૂ. ૫૪.૦૭ કરોડના ભરણા સાથે પ્રવેશી છે. કંપની ડેન્ટલ પ્રોડક્ટ્સની ઇકોમર્સ ક્ષેત્રે પ્રવૃત્ત છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમા ક્ધઝ્યુમેબલ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇક્વીપમેન્ટ અને નિદાન, સારવાર વગેરેનો સમાવેશ છે. કંપની આશરે ૩૦૦ જેટલી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનું ઓનલાઇન ચેનલ હાઉસીંગ સંચાલન કરે છે જેમાં ૧૦,૦૦૦થી વધુ ડેન્ટલ પ્રોડક્ટ્સની વધુની વ્યાપક રેન્જનો સમાવેશ થાય છે. આઇપીઓના બુક રનીંગ લીડ મેનેજર હેમ સિક્યુરિટીઝ લિમીટેડ છે. ભરણાની પ્રાઇસ બેન્ડ રૂ. ૧૨૧થી ૧૨૮ નક્કી થઇ છે અને ૨૫ મે ૨૦૨૩ના રોજ બંધ થાય છે, આઇપીઓની ફાળવણીની સ્થિતિ ૩૧ મે ૨૦૨૩ના રોજ થશે અને કંપની બીજી જૂન ૨૦૨૩ના રોજ એનએસઇ ઇમર્જ પર લિસ્ટેડ થશે.
નિફટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસ શેરોમાં સૌથી વધુ ૧૩.૪૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ડિવિસ લેબ, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ અને યૂપીએલનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અપોલો હોસ્પિટલના શેરમાં ૧.૪૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનો, ગ્રાસિમ, ટેક મહિન્દ્રા અને કોટક મહિન્દ્રા બેન્કનો સમાવેશ થાય છે.