અભિનેત્રી તુનીષા શર્મા મૃત્યુ પ્રકરણ
મુંબઈ: અભિનેત્રી તુનીષા શર્મા મૃત્યુ કેસમાં વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીની ટીમ પાલઘર જિલ્લાના વસઈ નજીક કામણ રોડ ખાતે આવેલા ટીવી સિરિયલના સેટ પર પહોંચી હતી, સેટ પરથી ફોરેન્સિકની ટીમે અભિનેત્રીએ જેની મદદથી ગળાફાંસો ખાધો હતો તે ક્રેપ બેન્ડેજ સહિતની વિવિધ સામગ્રીઓ જપ્ત કરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ કલિના લૅબની ફોરેન્સિક ટીમ સોમવારે સેટ પર ગઈ હતી અને ૨૧ વર્ષની અભિનેત્રી તુનીષા મૃત અવસ્થામાં મળી આવી તે દિવસે તેણે પહેરેલાં કપડાં, તેની જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી હતી.
ઘટનાના દિવસે અભિનેત્રીના સહ-કલાકાર શીજાન ખાને પહેરેલાં કપડાં અને તેનો મોબાઈલ ફોન પોલીસે જપ્ત કર્યો હતો. શનિવારે સેટ પર હાજર હતા તેમના સહિત ૧૬ જણનાં નિવેદન પોલીસે નોંધ્યાં હતાં.
આ કેસમાં અભિનેત્રીને આત્મહત્યા માટે કથિત રીતે પ્રવૃત્ત કરવાના આરોપસર રવિવારે ખાન (૨૭)ની ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછમાં ખાને જણાવ્યું હતું કે તેમની વચ્ચે પ્રેમ સંબંધ માત્ર ત્રણ મહિના જ ટકી શક્યો હતો. બન્ને વચ્ચે ઉંમરનું અંતર પણ અવરોધરૂપ હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
જોકે દક્ષિણ દિલ્હીમાં આફતાબ પૂનાવાલા દ્વારા તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની અત્યંત ક્રૂરતાથી હત્યા કરવામાં આવી તેની પાર્શ્ર્વભૂમાં ખાન અને તુનીષા વચ્ચે બ્રેક-અપ થયું એવા કોઈ પુરાવા હજુ મળ્યા નથી, એવી સ્પષ્ટતા પોલીસે કરી હતી.
ટીવી સિરિયલ અલીબાબા દાસ્તાન-એ-કાબુલમાં મરિયમની ભૂમિકા ભજવતી તુનીષા શનિવારે બપોરે સેટ પરના મેકઅપ રૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને આરોપ કર્યો કે આ લવ જિહાદનો મામલો છે અને રાજ્ય દ્વારા આવી ઘટનાઓ રોકવા માટે કઠોર કાયદો લાવવામાં આવશે. (પીટીઆઈ)
———–
તુનીષાને હૉસ્પિટલમાં શીજાન જ લઈ ગયો હતો
મુંબઈ: સિરિયલના સેટ પર મેકઅપ રૂમમાં અભિનેત્રી તુનીષા શર્મા ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા પછી તેને સેટ પરના ક્રૂ સભ્યો સાથે શીજાન ખાન જ હૉસ્પિટલમાં લઈ ગયો હતો. હૉસ્પિટલમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પરથી આ વાત સ્પષ્ટ થાય છે.
વસઈ નજીકના કામણ રોડ પર આવેલા સિરિયલના સ્ટેજ પર શનિવારે કથિત આત્મહત્યા કરનારી અભિનેત્રી તુનીષાનો મૃતદેહ કાનૂની પ્રક્રિયા બાદ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મંગળવારે મીરા રોડની સ્મશાનભૂમિમાં તેના અંતિમસંસ્કાર કરાયા હતા. અભિનેત્રીની અંતિમયાત્રામાં સિરિયલના સહ-કલાકાર શીજાન ખાનની માતા અને બહેન પણ જોડાયાં હતાં અને બન્ને ઘણાં ભાવુક નજરે પડતાં હતાં.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે ઘટનાની બપોરે ચાર વાગ્યાની આસપાસ ત્રણથી ચાર જણ અભિનેત્રીને બેભાન અવસ્થામાં વસઈની હૉસ્પિટલમાં લઈ ગયા હતા. આમાં શીજાન ખાનનો પણ સમાવેશ થાય છે. હૉસ્પિટલના ડૉક્ટરના કહેવા મુજબ ખાન ધ્રૂસકે ધ્રૂસકે રડતો હતો અને કોઈ પણ રીતે તુનીષાને બચાવી લેવાની વિનવણી કરતો હતો. જોકે તુનીષાને તપાસી તે મૃત્યુ પામી હોવાનું તબીબે કહ્યું હતું.