(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: તોફાની બનેલા અરબી સમુદ્રમાં યમન અને ઓમાન વચ્ચેના જળમાર્ગમાં આજથી બે મહિના અગાઉ ડૂબી ગયેલા કચ્છના માલવાહક જહાજમાં સવાર અને લાપતા જાહેર કરવામાં આવેલા માંડવીના પૂર્વ નગરસેવક અને તેમનો પુત્ર તથા સલાયાના બે સગા ભાઇ સહિત કુલ ૮ ખલાસીઓની આજદિન સુધી કોઈ ભાળ મળી ન હતી. તેમના પરિવારો હતાશામાં ગરકાવ થઈ ગયા છે. સલાયાના પરિવારે કોઈ ખબર ન મળતા બે ભાઇઓની ધાર્મિક રીતે અંતિમવિધિ સંપન્ન કરી હતી.
આ અંગે સુન્ની મુસ્લિમ ભડાલ જમાતના પ્રમુખ હાજી આમદ જુણેજાએ જણાવ્યું હતું કે, ગત ૧૩મી જાન્યુઆરીના દિવસે યમનથી ૪૦૦ ટન જેટલો સમાન ભરી, ઓમાન તરફ રવાના થયેલું ભુજના શરીફભાઇ મોગલની માલિકીનું બિસમિલ્લા નામનું માલવાહક જહાજ અને તેમાં રહેલા તમામ ખલાસીઓ મધદરિયે તોફાનમાં ફસાયા બાદ લાપતા બન્યા હતા.
આજદિન સુધી જહાજ અને આઠ જેટલા ઓનબોર્ડ ખલાસીઓની કોઇ ભાળ ન મળતાં માંડવીના સલાયાના બે સગા ભાઇ સિકંદર સુલેમાન જુસબાણી (ઉ.વ.૩૯) તથા ઇલિયાસ સુલેમાન જુસબાણી (ઉ.વ.૩૫)ની નમાઝ બાદ સલાયા ખાતે જામા મસ્જિદમાં વાયેઝ જિયારત વિધિ કરવામાં આવી હતી, જયારે માંડવી તબેલા વિસ્તારના અને નગરપાલિકાના પૂર્વ નગરસેવક તથા જહાજના ટંડેલ હુસેનઅલી અબ્દુલા અને તેમના પુત્ર મહંમદ હુસેનઅલી તથા તેઓની સાથે રહેલા ઇબ્રાહિમ સિદીક, સિકંદર સુલેમાન, સુરેશ કુમાર નારણ ખારવા અને જુસબ સુલેમાન સલાયાના-માંડવીના જ્યારે ઇશા આમદ દ્વારકા તથા નુરમામદ ઇબ્રાહિમ જામનગર સહિત આઠ લોકોનો હજુ સુધી કોઇ પતો ન મળતાં પરિવારજનો ખૂબ દુ:ખી છે. ઉ