ગુજરાતની દારૂબંધીના ધજાગરા ઉડાડતી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. રાજ્યમાં દારૂ વેચાતો ન હોવાના દાવા કે દારૂ પકડી પોલીસ સખત વલણ અપનાવે છે, તેવા દાવા પણ ખોટા પડે છે. રાજ્યમાં દારૂ ખુલ્લેઆમ મળતો હોવાનો અને લોકો એટલી જ લત ધરાવતા હોવાના અનેકો કિસ્સા સામે આવે છે. અગાઉ પાલનપુરમાં એક યુવાને રોજ દારૂ પીનારાઓ પૂછપરછથી કંટાળી ઘરની બહાર દારૂ બાજુના ઘરમાં મળે છે તેવા પોસ્ટર લગાવ્યા હતા ત્યારે હવે રાજકોટમાં આખી સોસાયટી દારૂડિયાઓથી પરેશાન થઈ છે અને તેમણે પોસ્ટર વોર શરૂ કરી છે.
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ઉદ્યોગનગર કોલોનીના રહીશોએ દારૂડિયાઓથી કંટાળીને પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટરમાં લખાણ લખાયું છે કે, દારૂ અહીં નહીં, અહીંથી 500 મીટર દૂર લોહાનગરમાં દારૂ મળે છે. દારૂડિયાઓએ દારૂ પીને શેરીમાં પ્રવેશ કરવો નહીં. આ સાથે અહીં પરપ્રાતિંયોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. સોસાયટીના જણાવ્યા અનુસાર પરપ્રાંતિયો એકલા રહેતા હોવાથી મહિલા સુરક્ષા અને શિસ્તની સમસ્યાઓ ઊભી થાય છે. સોસાયટીમાં આવી ઘટનાઓ બન્યા બાદ તેમણે આમ કર્યું હોવાનું જણાવ્યું હતું.
સવાલ અહીંયા એ છે કે રહેવાસીઓએ દારૂ ક્યાં મળે છે તેવા બોર્ડ લગાવ્યા છે ત્યારે પોલીસ ખાતાને ખબર નહીં હોય કે અહીં ગેરકાયદે દારૂ વેચાઈ રહ્યો છે અને હવે જ્યારે જગજાહેર થઈ ગયું છે ત્યારે તેઓ કોઈ પગલાં લેશે કે નહીં તે જોવાનું છે. રાજકોટમાં સતત 3 દિવસ થી બાળાઓ પર દુષ્કર્મ નાં બનાવો બની રહ્યા છે.ગઈકાલે બનેલ નાની બાળકી સાથેના દુષ્કર્મના બનાવને પગલે શહેરીજનોમાં પણ રોષ ભભૂકી ઉઠયો છે.ત્યારે ગઈ કાલે રાજકોટ શહેરના ગોંડલ રોડ પાસે આવેલ ઉદ્યોગ નગરમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનાં પ્રયાસની ઘટના સામે આવી હતી.
જેને લઈ ઉદ્યોગ નગરના રહેવાસીઓ દ્વારા વિસ્તારમાં પરપ્રાંતીય લોકોને વિસ્તારમાં નહિ રાખવાના બેનરો લગાવ્યા.અવાર નવાર પરપ્રાંતીય મજૂરો વિસ્તારમાં દારૂ પી ખેલ કરતા હોય છે. આ સાથે લોહાર નગર વિસ્તારમાં મળતા દારૂથી અંતે સ્થાનિકો દ્વારા વિસ્તારમાં ઠેર ઠેર બેનરો લગાવી દારૂ તેમજ પર પ્રાંતીય મજૂરોનો વિરોધ કરી કાયદા રક્ષકોનું ધ્યાન દોર્યું હતું. ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલું વ્યક્તિ મોટાભાગે દારૂના વ્યસની હોય છે.પોલીસ તંત્ર આવા દારૂના અડ્ડા પર દરોડા પાડી અને તેને બંધ કરાવે તથા આવારા તત્વોને પાઠ ભણાવી કાયદાનું ભાન કરાવે તેવી લોક માગણી કરવામાં આવી છે.