હવે ૨૦૨૪ની સાર્વત્રિક ચૂંટણીમાં ‘વોટર પોર્ટેબિલિટી’નો સંપૂર્ણ અમલ શક્ય બનશે
નવી દિલ્હી: ચૂંટણી પંચે સ્થળાંતરકારી મતદારો માટે મલ્ટિ કૉન્સ્ટિટ્યૂઅન્સી ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીનનું પ્રોટોટાઇપ વિકસાવ્યું હોવાની જાહેરાત ગુરૂવારે કરી હતી. આ મશીન દ્વારા એક રિમોટ પોલિંગ બૂથ દ્વારા અનેક મતક્ષેત્રોની મતદાનની કાર્યવાહી શક્ય બનતી હોય છે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે નવા રિમોટ ઇવીએમ (આરવીએમ)ની કામગીરીના ડેમોન્સ્ટ્રેશન માટે ૧૬ જાન્યુઆરીએ ૮ રાષ્ટ્રીય અને ૫૭ પ્રાદેશિક રાજકીય પક્ષોને આમંત્રણ અપાયું છે. રિમોટ ઇવીએમ સંબંધી કાનૂની, કાર્યલક્ષી, વહીવટી અને ટૅકનોલૉજિકલ પાસાં તથા પડકારોની વિગતો ધરાવતી નોંધ (ક્ધસેપ્ટ નોટ) તમામ રાજકીય પક્ષોને સુપરત કરવામાં આવી છે. રિમોટ ઇવીએમને સંબંધિત કાયદાકીય બાબતોમાં સુધારા, વહીવટી કાર્યવાહીમાં સુધારા, મતદાનની પદ્ધતિ અથવા આરવીએમની ટેક્નોલૉજી અને ભારતના એકથી બીજા પ્રાંતમાં નોકરી-ધંધાર્થે રહેતા લોકોને સંબંધિત બાબતોમાં ફેરફારોના કે અન્ય સૂચનો ૩૧ ડિસેમ્બર સુધીમાં ચૂંટણી પંચને મોકલવા રાજકીય પક્ષોને જણાવવામાં આવ્યું છે.
ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી વર્ષ ૨૦૨૩માં યોજાનારી નવ વિધાનસભાઓની ચૂંટણીઓમાં ‘વૉટર પોર્ટેબિલિટી’ના અમલ માટે આરવીએમના પાઇલટ પ્રોજેક્ટનો હાથ ધરવામાં આવ્યો છે. આ પાઇલટ પ્રોજેક્ટ સફળ થાય તો વર્ષ ૨૦૨૪ની સાર્વત્રિક ચૂંટણીમાં ‘વોટર પોર્ટેબિલિટી’નો સંપૂર્ણ અમલ શક્ય બનશે.
ચૂંટણી પંચના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિ તેના વતન કે મતવિસ્તારથી દૂર હોય તેને કારણે મતદાનના અધિકારથી વંચિત રહે એ આજના ટૅક્નોલૉજિકલ પ્રગતિના યુગમાં ઇચ્છનીય નથી. વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં કુલ ૬૭.૪ ટકા મતદાન નોંધાયું હતું. એ વખતમાં ૩૦ કરોડથી વધુ મતદારો મતદાન ન કરી શક્યા એ ચૂંટણી પંચ માટે ચિંતાનો વિષય હતો. તે ઉપરાંત જુદા જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર તફાવત પણ ચિંતાનો વિષય બન્યો હતો. રાજકીય પક્ષોને મોકલેલી ક્ધસેપ્ટ નોટમાં ભારતના એકથી બીજા પ્રાંતમાં સ્થળાંતર કરનારા મતદારો (ડોમેસ્ટિક માઇગ્રન્ટ્સ)ની વ્યાખ્યા, ચૂંટણીની આચાર સંહિતાનો અમલ, મતદાનની ગુપ્તતા, પોલિંગ એજન્ટ્સને મતદારોની ઓળખ નિશ્ર્ચિત કરવાની સુવિધા, રિમોટ વૉટિંગની પ્રક્રિયા અને પદ્ધતિ તેમ જ મતગણતરી જેવા પડકાર રૂપ મુદ્દા જણાવવામાં આવ્યા છે. એ મુદ્દા પર પક્ષોના અભિપ્રાયો, સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. રિમોટ વૉટિંગ માટે જે કાયદામાં સુધારાની જરૂર પડશે, તેમાં વર્ષ ૧૯૫૦ અને વર્ષ ૧૯૫૧નો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ ઍક્ટ, વર્ષ ૧૯૬૧ના ક્ધડક્ટ ઓફ ઇલેક્શન્સ રુલ્સ અને વર્ષ ૧૯૬૦નો ધ રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રુલ્સનો સમાવેશ છે. (એજન્સી)