Homeએકસ્ટ્રા અફેરઅનામતનું ગંદું રાજકારણ, જનરલ કેટેગરી જ જતી રહેશે?

અનામતનું ગંદું રાજકારણ, જનરલ કેટેગરી જ જતી રહેશે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં ચૂંટણી આવે એ સાથે જ અનામતનું ગંદું રાજકારણ શરૂ થઈ જાય છે. મોટી મતબૅન્ક ધરાવતી જ્ઞાતિઓને અનામતની લહાણી કરાય છે અને સવર્ણ વર્ગ તથા અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં ક્રિમી લેયરમાં આવતા લોકો એટલે કે જનરલ કેટેગરીનાં લોકોને મળતી તકો પર કાપ મૂકી દેવાય છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીની આ મહિને જ જાહેરાત થાય એવી શક્યતા છે ને એ પહેલાં બસવરાજ બોમ્માઇના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે એ જ ખેલ કરીને અનામતનું રાજકારણ રમી નાખ્યું છે.
કર્ણાટકમાં અત્યાર લગી અનામતનું પ્રમાણ ૫૦ ટકા હતું. ભાજપ સરકારે આ પ્રમાણ વધારીને ૫૬ ટકા કરી દીધું છે. મતલબ કે, સવર્ણ વર્ગ તથા અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં ક્રિમી લેયરમાં આવતા લોકો એટલે કે જનરલ કેટેગરીના લોકો હવે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં માત્ર ૪૪ ટકા બેઠકો માટે જ દાવેદારી કરી શકશે. બાકીની ૫૬ ટકા બેઠકો માટે સવર્ણ વર્ગ તથા અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં ક્રિમી લેયરમાં આવતા લોકો પહેલેથી સ્પર્ધામાં જ નહીં હોય. સવર્ણ વર્ગ તથા અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં ક્રિમી લેયરમાં આવતા લોકો ગમે તેટલા હોશિયાર હોય કે ટેલેન્ટેડ હોય છતાં તેમને સો ટકા તક નહીં મળે પણ માત્ર ને માત્ર ૪૪ ટકા જ તક મળશે.
કર્ણાટકમાં અત્યાર લગી મુસલમાનો માટે ખાસ ૪ ટકા અનામત હતી. બસવરાજ બોમ્માઈની સરકારે મુસલમાનો માટેની ૪ ટકા અનામત પણ રદ કરી દીધી છે. મુસલમાનો માટેની ૪ ટકા અનામત કર્ણાટકમાં સૌથી મોટી બે જ્ઞાતિ વોક્કાલિગા અને લિંગાયત જ્ઞાતિને આપી દીધી છે. મતલબ કે ૨ ટકા અનામત વોક્કાલિગા સમુદાયને અને ૨ ટકા લિંગાયત જ્ઞાતિને આપવામાં આવી છે.
મુસલમાનોને સાવ અનામત ના અપાય તો ભેદભાવ કરાય છે એવો આક્ષેપ થાય એટલે મુસલમાનોને આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબલ્યુએસ)ની કેટેગરીમા નાખી દીધા છે ને હવે તેમને આ કેટેગરી હેઠળ અનામત મળશે. અત્યારે કર્ણાટકમાં બ્રાહ્મણ, વૈશ્ય, મુદલિયાર, જૈન સહિતના સવર્ણોમાં આર્થિક રીતે નબળા હોય એવા પરિવારોને આ કેટેગરીમાં અનામતનો લાભ મળે છે. હવે સવર્ણોના આર્થિક રીતે નબળા લોકો માટેની ઇડબલ્યુએસ અનામતમાં મુસ્લિમો પણ ભાગ પડાવશે તેથી સરવાળે મેથી સવર્ણોની જ મરાશે.
બસવરાજ બોમ્માઇ સરકારે ભાજપ સરકારે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટેની અનામત પણ વધારી દીધી છે. અનુસૂચિત જાતિ (એસસી) માટેની અનામત ૧૫ ટકા હતી એ વધારીને ૧૭ ટકા કરી છે જ્યારે અનુસૂચિત જનજાતિ (એસટી) માટેની અનામત ૩ ટકા હતી એ વધારીને ૭ ટકા કરી દીધી છે.
કર્ણાટક સરકારે લીધેલો આ નિર્ણય કોઈ વર્ગના ભલા માટે નથી પણ ચૂંટણી જીતવા માટે છે એ સ્પષ્ટ છે. એસસી, એસટી, વોક્કાલિંગા અને લિંગાયત આ ચાર વર્ગના લોકોને અનામતની લહાણી કરીને વિધાનસભાની ચૂંટણીમાં તેમને પોતાની તરફ વાળવાનો આ સીધો પ્રયત્ન છે.
આ પ્રયત્ન કેટલો ફળશે એ સમય કહેશે પણ આ નિર્ણય ભારત અનામતની જાળમાં બહુ ખરાબ રીતે ફસાઈ ગયું છે ને તેમાંથી હવે કદી બહાર નહીં નીકળી શકે તેનો વધુ એક પુરાવો છે. સમાજના નબળા વર્ગનાં લોકોનું ભલું કરવા માટે અનામત આપવામાં આવે તેમાં કશું ખોટું નથી પણ તેની એક મર્યાદા હોય. દલિત કે આદિવાસી લોકોને અનામત અપાય એ યોગ્ય છે કેમ કે સદીઓ સુધી તેમનું શોષણ થયું ને અત્યાચારો થયા. તેના બદલામાં તેમને અનામત અપાય એ સ્વીકૃત છે પણ સમાજના ધિંગા વર્ગોને અનામત અપાય એ યોગ્ય નથી. જે લોકો ખાધેપીધે સુખી છે ને દલિતો કે આદિવાસીઓ કરતાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક બધી રીતે ઉંચા છે એ લોકો અનામતના હકદાર નથી જ.
આપણા રાજકારણીઓમાં શરમ નથી ને સત્તા માટે તેમને કપડાં કાઢીને રસ્તા પર નાચવામાં પણ શરમ ના આવે, બાકી અનામતનું પ્રમાણ વધારવું એ ખરેખર તો તેમની ગેરલાયકાત અને અણઆવડતનો પુરાવો છે. અનામત નબળાં વર્ગનાં લોકો માટે હોય ને રાજ્યમાં અનામતનું પ્રમાણ ૫૬ ટકા કરવું પડે તેનો મતલબ એ કે, રાજ્યમાં ૫૬ ટકા લોકો હજુય પછાત છે. અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી વધારીને ૫૬ ટકા કરવું પડે તેનો મતલબ એ છે કે, રાજ્યની વસતીમાં ૬ ટકા લોકો વધારે પછાત થયા છે. આવો વહીવટ કરનારાં લોકોને ખરેખર તો લોકોએ લાત મારીને તગેડી મૂકવા જોઈએ પણ કમનસીબે લોકોને પણ આ મફતિયું કોઠે પડી ગયું છે તેથી આવા લોકો જ ચૂંટાય છે.
ભારતમાંથી કદી અનામત નહીં જાય એ બહુ પહેલાં જ સ્પષ્ટ થઈ ગયું છે પણ હવે તો એવો ખતરો વધતો જાય છે કે ધીરે ધીરે અનામતનું પ્રમાણ વધીને સો ટકા જ થઈ જશે. આ દેશમાં સરકારી નોકરીઓ ને શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન મેરિટના આધારે નહીં પણ જ્ઞાતિના આધારે જ અપાશે. મેરિટના બદલે રિઝર્વેશનનો પ્રભાવ રહેશે એ આપણું ભાવિ છે. આ ભાવિ રાજકીય સિસ્ટમથી બદલી શકાય તેમ નથી કેમ કે દેશના તમામ રાજકીય પક્ષો અનામતને સમર્થન આપે છે ને તેમાં જરાય ફેરફાર કરવા રાજી નથી. બલ્કે અનામતનું પ્રમાણ વધારીને રાજકીય ફાયદો લેવાની તેમની લાલસા વધતી જ જાય છે. તેના કારણે રાજકીય પક્ષો અનામત ઘટાડે કે જેને જરૂર છે એવા જ વર્ગને મળે એવી વ્યવસ્થા ગોઠવે એવી કોઈ વ્યવસ્થા થવાની આશા જ નથી.
અનામતના કારણે દેશને થઈ રહેલા નુકસાનની પણ કોઈને પરવા નથી. આપણે આપણું બુદ્ધિધન વિદેશ જતું રહે છે તેની ચિંતા કરીએ છીએ પણ અનામતના કારણે તક જ ના મળવાની હોય તો યુવાનો બીજું કરે પણ શું એ વિચારતા નથી. વિચારતા હોઈએ તો પણ અવાજ ઉઠાવવાની હિંમત નથી.
સુપ્રીમ કોર્ટ નિયંત્રણ રાખશે એવી આશા હતી પણ સુપ્રીમ કોર્ટે ઈડબલ્યુએસ અનામતને મંજૂરી આપીને ભવિષ્યમાં નવા નામે અનામતની જોગવાઈનો રસ્તો ખોલી દીધો પછી હવે કોઈ આશા નથી. પહેલાં ૫૦ ટકાની મર્યાદા હતી એ નીકળી જતાં હવે રાજકારણીઓને રોકનારું કોઈ રહ્યું જ નથી તેથી ભવિષ્યમાં આ દેશમાં જનરલ કેટેગરી જ ના હોય એવું થાય તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -