Homeઈન્ટરવલરાષ્ટ્રનો વિકાસ સાક્ષરતાના પ્રમાણને આધારે થાય છે

રાષ્ટ્રનો વિકાસ સાક્ષરતાના પ્રમાણને આધારે થાય છે

નવી શિક્ષણ નીતિ કેટલી પાસે? કેટલી દૂર? -ડૉ. કલ્પના દવે

(ભાગ-૫)
ભારત સરકારના “કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી નવી શિક્ષણનીતિના તમામ મુદ્દાને સમજાવવા રાષ્ટ્રીય શિક્ષણની નવી નીતિનું પુસ્તક અંગ્રેજી તથા હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. યુ.જીસી તથા એજ્યુકેશનલ સાઇટ પર પણ કેટલીક માહિતી મળી શકે છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ની પ્રમાણભૂત માહિતી ગુજરાતીમાં મળી શકે એટલે “ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગર (ગુજરાત) દ્વારા તેનું ગુજરાતી સંસ્કરણ પ્રકાશિત થયું છે. જેથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા સહુને તથા જનસમૂહને સરળ ભાષામાં માહિતી પહોંચાડી શકાય.
રાષ્ટ્રીય શિક્ષણની સર્વોપરી સંસ્થા “મિનિસ્ટ્રરી ઑફ એજ્યુકેશન છે.
રાષ્ટ્રનો વિકાસ સાક્ષરતાના પ્રમાણને આધારે થાય છે. જ્ઞાન તો સુપ્રીમ પાવર કહી શકાય. જે વ્યક્તિ-સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી છે. શ્રેષ્ઠ શિક્ષણ માનવીમાં રહેલા ઉત્તમ ગુણોનો વિકાસ કરી તેને આત્મનિર્ભર બનાવે છે, જેનાથી તેના વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ સાધી શકાય.
સાંપ્રત સમયમાં વૈશ્ર્વિકરણ તથા આંતરરાષ્ટ્રીય વ્યાપારનીતિને પરિણામે રાષ્ટ્રવિકાસની તથા શિક્ષણની અનેક ક્ષિતિજો વિકસી છે. જી૨૦ના પ્રમુખપદે ભારતનું સ્થાન તથા ભારતની આર્થિક દૃષ્ટિએ થઈ રહેલી પ્રગતિને કારણે વિશ્ર્વમાં ભારતની એક વિશેષ આઈડેન્ટિટી ઊભી થઈ છે.
સ્પેસ સાયન્સ, સંરક્ષણ, આઈ.ટી. ક્ષેત્રે ભારતની પ્રગતિ તથા મેડિકલ ક્ષેત્રે તથા તાજેતરમાં કોરોનાકાળમાં રસીકરણનું સંશોધન એક અદ્ભુત સિદ્ધિ કહી શકાય. ગ્લોબલ સ્તરે થતા શૈક્ષણિક આદાન-પ્રદાનને કારણે વિશ્ર્વ જાણે ભારતને ઉંબરે ઊભું છે. તો ભારતે આ નવી તકોને કેવી રીતે સિદ્ધ કરવી? આપણી માનવ સંપત્તિનું ઉપયોજન કરીને આપણે “મહાન ભારત-શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કેવી રીતે કરી શકાય?
સ્થાનિક ઉદ્યોગોનો ઉત્તમ વિકાસ સાધી તેને રાષ્ટ્રીય સ્તરે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે બજારમાં મૂકી શકાય. ઉદા. ત:- કચ્છની કલાકારીગીરી, મહારાષ્ટ્રની મૂર્તિકલા, બેંગલોર અને પૂનામાં વિકસતો આઈ.ટી. હબ, પંજાબનો કૃષિ ઉદ્યોગ, આંધ્ર પ્રદેશના હરિકોટામાં “ઇસરોના નવાં સંશોધનો, દક્ષિણ ભારતની શાસ્ત્રીય નૃત્યકલા, મુંબઈ જેવાં મહાનગરોની પ્રગતિ, જર્નાલીઝમ તથા માસ મીડિયા, બોલીવુડનો ફિલ્મ ઉદ્યોગ આદિ ક્ષેત્રનો મહત્તમ વિકાસ સાધવો જરૂરી છે. શિક્ષિત-પ્રશિક્ષિત યુવાધનની. આ યુવા ધન તો ઉત્તમ શિક્ષણ સંસ્થાનો જ તૈયાર કરી શકે. તંત્ર જ્ઞાન તથા સંશોધન સાથે દરેક ક્ષેત્રે પ્રોફેશનલ ટ્રેનિંગની પણ આવશ્યકતા છે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને શિક્ષણની નવી નીતિમાં વિવિધ વ્યવસાયો અંગેની તલસ્પર્શી માહિતી તથા તેના શિક્ષણ અંગેની જોગવાઈ છે, જેથી આપણું યુવાધન સક્ષમ બનશે.
ટેક્નિકલ શિક્ષણ અંગે પોતાના વિચારો પ્રગટ કરતાં આપણા જાણીતા કેલવણીકાર, ઉદ્યોગપતિ, સંશોધક તથા મુંબઈના પૂર્વ શેરીફ ડૉ. મોહનભાઈ પટેલ કહે છે, “શિક્ષણ એટલે વ્યક્તિની કાર્યદક્ષતાને પ્રદીપ્ત કરે, શિક્ષણ ગ્રહણ કર્યા બાદ તેમાં સંશોધન કરવામાં રચ્યાપચ્યા રહેવું. તેમ જ મૌલિક દૃષ્ટિ કેળવવી એ છે. સાચા અર્થમાં સાચી દિશા ચીંધે તે શિક્ષણ. (“કંઈક જોયું, કંઈક જાણ્યું લેખ સંગ્રહમાંથી સાભાર)
શાળાનું શિક્ષણ પૂરું થતાં પહેલાં જ ભવિષ્યની દિશા નક્કી કરતું વોકેશનલ કે વ્યવસાયિક શિક્ષણ જરૂરી છે. ઉચ્ચ શિક્ષણમાં જે – તે વિષયમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરીને કારકિર્દીનું ઘડતર કરવાનું છે. અગાઉની શિક્ષણ નીતિમાં પસંદ કરેલા ક્ષેત્રમાં ઓછા વિકલ્પો તથા વિષય પસંદગીમાં મર્યાદા હતી. ઘણી વાર માર્ગદર્શનના અભાવે કે ઊંચી ફીને કારણે પણ ઈચ્છિત સફળતા વિદ્યાર્થીઓ મેળવી શકતા ન હતા. પણ હવે માહિતીના અનેક સ્ત્રોત છે, નવી શિક્ષણનીતિમાં અનેક વિકલ્પો છે, એટલું જ નહીં શિક્ષણના માળખામાં તથા મૂલ્યાંકન પદ્ધતિમાં ફ્લેક્સીબિલિટી છે. જેથી વિદ્યાર્થીઓનો સારો વિકાસ સાધી શકાશે.
આગલા લેખમાં આપણે શાળા શિક્ષણ આપતા જુદા જુદા બોર્ડ વિશે માહિતી મેળવી હતી. એની થોડી ભૂમિકા જાણીએ. મુંબઈમાં અગાઉ ગુજરાતી, મરાઠી, હિન્દી કે ઉર્દૂ આદિ માધ્યમમાં શિક્ષણ આપતી શાળાઓ વધુ હતી. અંગ્રેજી માધ્યમની શાળાઓ જૂજ હતી. ગઈ સદીના છઠઠા દાયકામાં અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધરખમ વધારો થયો. આ અંગ્રેજી માધ્યમની શાળાઓ મોટે ભાગે રાજ્ય સરકારના બોર્ડના અભ્યાસ પ્રમાણે શિક્ષણ આપતી હતી, પણ એ સંસ્થાઓ વધુ અસરકારક અને ઉત્તમ પરિણામ ધરાવતી ગણાવવા લાગી. આને પરિણામે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણનો વધુ ફેલાવો થવા લાગ્યો. ધીરે ધીરે રીજનલ ભાષામાં શિક્ષણ આપતી સંસ્થાઓમાં તથા મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં ભારે ઘટાડો થવા લાગ્યો. દક્ષિણ મુંબઈની કેટલીક શાળાઓએ પરાં વિસ્તાર તરફ સ્થળાંતર કર્યું, કેટલીક શાળાઓ નાણાકીય ભંડોળને કારણે, વ્યવસ્થાપનના અભાવે કે વિદ્યાર્થીઓની સતત ઓછી થતી સંખ્યાને કારણે બંધ કરવી પડી. કેટલીક શાળાના સંચાલકોએ સમયનો તકાજો સમજીને વર્નાક્યુલર મિડિયમ સાથે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાની શરૂઆત કરી. આજે પણ આ સંસ્થાઓ શ્રેષ્ઠ શિક્ષણ આપી રહી છે.
સાતમા દાયકામાં અંગ્રેજી માધ્યમમાં પણ ઇન્ટરનેશનલ કક્ષાનું શિક્ષણ આપતી “આય.સી,એસ.સી તથા “સી.બી.એસ.સી. જેવા શિક્ષણ બોર્ડે શાળા શિક્ષણ શરૂ કરીને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આણી. જે શાળાઓ પ્રાયોગિક અને ગુણવત્તા સભર શિક્ષણ આપી રહી છે તેનો વધુ પ્રસાર
થયો છે.
શ્રેષ્ઠ શિક્ષણ આપતી ઇન્ટરનેશનલ શાળાની એક આડઅસર એ થઈ કે રીજનલ ભાષાના માધ્યમમાં ભણાવતી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ, તેનું શિક્ષણ સ્તર પણ નીચું જવા લાગ્યું, ક્યારેક નાણાનાં અભાવે કે વિદ્યાર્થીઓના અભાવે શાળાઓ બંધ થઈ જતી અથવા તેને અન્ય શાળામાં સંલગ્ન કરવી પડતી. મ્યુનિસિપલ શાળામાં પણ આવી જ સ્થિતિ હતી.
બીજી તરફ એ વાત પણ સત્ય છે કે મોટા ભાગના વાલીઓ, કે ગ્રામ્ય વિસ્તારના લોકોને ઇન્ટરનેશનલ શાળાનું શિક્ષણ આર્થિક રીતે પોષાય તેમ નથી. એટલે પ્રત્યેક શાળાઓને શ્રેષ્ઠ બનાવવાની જરૂર છે. બીજી વાસ્તવિકતા એ પણ છે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાને વિકાસ સાધવો હોય તો આજના હરણફાળ યુગમાં સંસ્થાનો વિકાસ સાધવા માટે ગુણવત્તા સભર, સર્વ સમાવેશી શિક્ષણ આપવું પડશે. નવી શિક્ષણ નીતિમાં આ તમામ શક્યતાઓ છે માત્ર તેનું યોગ્ય અમલીકરણ થવું જોઈએ.
શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ ઊભું કરીને ઉત્તમ ગુણવત્તા સભર શિક્ષણ આપવાના પ્રયાસો થવા જોઈએ.
પ્રી સ્કૂલમાં શીખવું એટલે શું? બાળક સૌથી શ્રેષ્ઠ રીતે શીખી શકે છે, જ્યારે તેને ઉત્તમ તક મળે, વળી તે શિક્ષણ પ્રયોગાત્મક હોય, તેના રોજબરોજના અનુભવમાંથી મળતું હોય.
ઉદા. ત. બબલ્સ કે રંગોની રમત, ફુગ્ગા ફુલાવવા, ભૌમિતિક
સંજ્ઞાના બ્લોક્સ, પઝલ્સ, ગેમ્સ વગેરે.
માત્ર શિક્ષકની સૂચના મુજબ નહીં પણ પ્રત્યક્ષ સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા ઉત્તમ જ્ઞાન આપી શકાય. પઝલ્સ દ્વારા પશુની આકૃતિ બનાવવી, ગેમ્સમાં આપેલા
સ્પેરપાર્ટ જોડીને ટેન્ટ બનાવી તેમાં રમવું, નાના સ્પેરપાર્ટ જોડીને કાર, વિમાન વગેરે બનાવવા. આવી પ્રવૃત્તિઓમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે છે.
વળી પ્રત્યેક બાળકની શીખવાની પ્રક્રિયા અલગ હોય છે, કોઈ તરત શીખે, કોઈને વાર લાગે, કેટલાંક બાળકો પ્રશ્ર્નો પૂછે અને પછી સમજીને કરે. શિક્ષકે બાળકના માનસને સમજીને કામ કરવું પડે.
બાળશિક્ષણમાં “સફારી બેઝડ સંકલ્પના આધુનિક ગણાય છે. મુખ્ય ઉદ્ેશ છે “એમપાવરિંગ ચિલ્ડન – એન્ડ ટીચિંગ કોમ્યુનિટિસ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને વધુ કાર્યદક્ષ બનાવવા. બાળકોને શીખવા માટે સલામત અને પ્રેરક વાતાવરણ નિર્માણ કરવું.(ક્રમશ:)
—————-
શિક્ષણ સ્તર સ્વાયત્ત સંસ્થા
૧) પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક – જિલ્લા પરિષદ, શિક્ષણ બોર્ડ
નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન – શિક્ષણ સમિતિ
૨) માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક – સ્ટેટ બોર્ડ ઓફ એજ્યુકેશન, મ્યુનિસિપલ સ્કૂલ, વિવિધ ઇન્ટરનેશનલ એજ્યુકેશન બોર્ડ
૩) ઉચ્ચ શિક્ષણ-ટેક્નિકલ શિક્ષણ – સ્ટેટ બોર્ડ ઓફ હાયર એજ્યુકેશન તથા બોર્ડ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન તથા ખાનગી શિક્ષણ સંસ્થાનો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -