Homeદેશ વિદેશબીમારનું ‘ઈચ્છા મૃત્યુ’ સરળ બનશે

બીમારનું ‘ઈચ્છા મૃત્યુ’ સરળ બનશે

મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી નહિ રહે

નવી દિલ્હી: અતિ બીમાર અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જ જીવતી વ્યક્તિના ‘ઈચ્છા મૃત્યુ’ માટે મેજિસ્ટ્રેટની મંજૂરીને ફરજિયાત બનાવતી શરતો સુપ્રીમ કોર્ટે મંગળવારે નાબૂદ કરતાં હવે બીમાર વ્યક્તિઓ માટે ‘ઈચ્છા મૃત્યુ’ વધુ સરળ બનાવશે. સુપ્રીમ કોર્ટના આ આદેશે અતિ બીમાર અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જ જીવતી વ્યક્તિ માટે ‘ઈચ્છા મૃત્યુ’નો માર્ગ મોકળો કરી દીધો છે. વર્ષ ૨૦૧૮ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગૌરવપૂર્વક મૃત્યુને
વ્યક્તિના મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી હતી, જેને પગલે ‘ઈચ્છા મૃત્યુ’ના મુદ્દાને ફરીથી ધ્યાન પર લેવાની ફરજ પડી હતી.
વર્ષ ૨૦૧૮ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ‘ઈચ્છા મૃત્યુ’ માટે બે સાક્ષીની હાજરીમાં વિલ તૈયાર કરવાનું અને જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ઑફ ફર્સ્ટ ક્લાસ (જેએમએફસી)ની હાજરીમાં તેના પર સહી કરવાનું જરૂરી હોવાનું જણાવ્યું હતું.
ન્યાયાધીશ કે. એમ. જોસેફના વડપણ હેઠળની બંધારણીય ખંડપીઠે કહ્યું હતું કે હવે ‘ઈચ્છા મૃત્યુ’નો દસ્તાવેજ બે સ્વતંત્ર સાક્ષીની હાજરીમાં સહી કરી નોટરી કે ગૅઝેટ ઑફિસર પાસે પ્રમાણિત કરાવવાનો રહેશે.
તમામ તર્કસંગત માહિતી અને પરિણામોને સંપૂર્ણપણે સમજી લીધા બાદ તેમ જ કોઈપણ પ્રકારના દબાણ હેઠળ આવ્યા વિના સ્વૈચ્છિક રીતે આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા હોવા અંગે સાક્ષી તેમ જ નોટરીએ સંતોષ દર્શાવ્યા બાદ જ તેને પ્રમાણિત લેખવામાં આવશે, એમ ન્યાયાધીશ અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, હૃષીકેશ રોય અને ન્યાયાધીશ સી. ટી. રવિકુમારનો પણ સમાવેશ કરતી ખંડપીઠે કહ્યું હતું.
‘ઈચ્છા મૃત્યુ’ માટે ફેમિલી ડૉક્ટરને અગાઉથી દસ્તાવેજની નકલ પૂરી પાડવાના સૂચન અંગે પણ સુપ્રીમ કોર્ટે સહમતી દર્શાવી હતી.
લાંબી સારવારમાંથી પસાર થઈ રહેલી અને સાજા થવાની કોઈ શક્યતા ન ધરાવતી બીમાર વ્યક્તિની ‘ઈચ્છા મૃત્યુ’ની સાચી ઈચ્છા તેમ જ એ અંગેના દસ્તાવેજની પ્રમાણિતતાની ખાતરી કરવાની રહેશે.
વર્ષ ૨૦૧૮માં આ મામલે સીમાચિહૃનરૂપ ચુકાદો આપ્યાના ચાર વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ તેના અગાઉના ચુકાદામાં સુધારો કરવા સહમત થઈ હતી. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -