Homeલાડકીતારી પીડાનો કાળમીંઢ પથ્થર મારા કાળજે કોતરાય છે...!

તારી પીડાનો કાળમીંઢ પથ્થર મારા કાળજે કોતરાય છે…!

સંબંધોને પેલે પાર – જાનકી કળથિયા

એક દિવસ એવો વિચાર આવ્યો કે પ્રેમ માપવાનું મશીન હોત તો? જ્યાં પોઇન્ટ્સના આધારે ખબર પડે કે આપણે કોને, કેટલો, કેવો, કેટલાં સમય માટેનો પ્રેમ કરીએ છીએ. તો આપણા સંબંધોનું પરિણામ શું આવે?
પ્રેમની શરૂઆતમાં આપણા પ્રિય પાત્રનું પઝેસિવ બિહેવિયર આપણને કદાચ ગમતું હોય છે. સતત પાસે રહેવું, બધું જ જાણી લેવું અથવા જાણવાની કોશિશ કરવી, એની તીવ્ર ઝંખના હોવી આ દરેક બાબત એક સ્ટેજ પછી ગૌણ બની જતી હોય છે. ચાહવું અને નિભાવવું આની પેરેલલ એક પ્રક્રિયા ચાલતી હોય એ અત્યંત જરૂરી છે. અને એ પ્રક્રિયા છે મુક્તિની. પ્રેમના ઘણાં સ્ટેજ પૈકી એક સ્ટેજ મુક્તિનું પણ છે. કદાચ આ છેલ્લું સ્ટેજ હોય શકે. જે આપણા ગમતા પાત્રને પ્રેમમાંથી મુક્તિ આપે છે. આપણામાંથી આઝાદી આપે છે. કેવી મુક્તિ? આપણામાંથી પણ એને આઝાદ કરવાની મુક્તિ. આપણા બંધન, આપણા પ્રોમિસમાંથી એ નીકળી શકે એવી મુક્તિ, એની ખુશીઓ તરફના પ્રયાણમાં આપણો સહકાર, પછી એ ખુશી જો આપણને છોડીને મળતી હોય તો પણ એના સ્વીકાર સાથેની મુક્તિ. જેને આપણે પ્રેમ કરીએ છીએ એના આપણા પ્રત્યેના પ્રેમમાં કોઈ ભાગીદાર બન્યાની જાણ થતાં જ એના એ પ્રેમને ઝંખી શકે એવી મુક્તિ. એના પ્રેમના દરવાજા આડે ઊભેલ આપણી જાતને બાજુ પર કરી એનાં શમણાઓ સાકાર કરી શકે એવી મુક્તિ.
આ મુુક્તિ કે આઝાદી આપવાની ક્ષમતા અને હિંમત દરેકમાં નથી હોતી. દુનિયામાં સૌથી અઘરી અને પીડાદાયક કોઈ બાબત હોય તો એ આ છે. માત્ર આપણું જ છે એ માન્યતામાંથી સંપૂર્ણપણે બહાર આવી જવાની પ્રક્રિયા એના સમાપ્તિકાળે આંતરમનને અનહદ આનંદ આપે છે, કારણ કે આપણા આનંદના કારણને આનંદિત કરવાનો મોકો આપણા થકી મળ્યો હોય છે. જીતવા માટે થઈને એક છેડેથી પકડી રાખીએ તો હાથ આપણો જ છોલાય. એના કરતાં છોડી દઈને હાર માની લેવી સારી રહે. સામે પક્ષે જીત્યાની ખુશી મળે અને આપણને જીતાડ્યાની.
એની ઝંખનાને સાકાર કરવા માટેની આપણી તીવ્રતા કેટલી છે એનાથી મપાય છે પ્રેમ. આપણે જેને દિલ ફાડીને ચાહીએ છીએ એની ખુશી માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાથી મપાય છે પ્રેમ. ન તો અહીં કોઈ હિસાબ કિતાબ છે, ન તો લેવડ દેવડની કોઈ પ્રથા. માત્ર ને માત્ર સઘળું કુરબાન કરી દેવાની ભાવનાથી મપાય છે પ્રેમ. પોતાની ખુશીનો તો અહીં કોઈ વિચાર જ નથી હોતો. અરે સપનામાં પણ એનું સપનું પૂરું કરતાં હોઈએ ને તો એનાથી મપાય છે પ્રેમ. શું તારું ને શું મારું, વાત જ્યાં ‘આપણા’ કહેવાથી શરૂ થતી હોય ને તો એનાથી મપાય છે પ્રેમ. પોતાની ઈચ્છાઓને એકકોર મૂકી એની ફિકર થતી હોય તો એનાથી મપાય છે પ્રેમ. એની આંખમાં આવેલું એક અશ્રુબિંદુ જો આપણા સમગ્ર અંગોને ખારાશથી ભરી દેતું હોય તો એનાથી મપાય છે પ્રેમ. એની પીડાનો કાળમીંઢ પથ્થર આપણા કાળજે કોતરાતો હોય તો એનાથી મપાય છે પ્રેમ.
તારું મારું કરીને પ્રેમનું પહેલું સ્ટેજ પાર કરી શકાય, પણ પ્રેમના સાચા સ્વરૂપની સમજ જેને પ્રેમ કરીએ છીએ એની ખુશીઓને એના ખોળામાં નાખવાથી મળે છે. એના મોં પર હાસ્યની લાંબી લકીર ખેંચવી છે કે પછી ઉદાસીની બેડીઓમાં બાંધી રાખવું છે એનો આધાર આપણા પ્રેમના મીટરમાં દેખાતાં પોઇન્ટ્સ પર છે. જો એની ખુશી આપણા પ્રેમની ભાગીદારીથી હોય તો આપણા પ્રેમને વહેંચી શકવાની તાકાત ભેગી કરવી રહી. મારો પ્રેમ માત્ર મારો જ છે એ વાતમાંથી મુક્ત થવાની પ્રક્રિયા વિચારી લેવી. આપણા પ્રેમના અસ્ખલિત વહેતાં લાગણીના ધોધના પાંચ છાંટા કદાચ જો અન્યત્ર વરસી જાય તો એ ધોધના પ્રવાહમાં કોઈ ફેર પડતો નથી. એના સૂકુન માટે, એની શાંતિ માટે આપણા બંધન તોડવા પડે તો એ તોડવાની માનસિક તૈયારી કરી રાખવી પડે.
વ્યક્તિનો જન્મ થાય ત્યારે તરત જ ગર્ભનાળ કાપી નાખવામાં આવે છે. સૌથી પહેલી આઝાદી અહીં છે. તો પ્રેમમાં કેમ બંધન? પ્રેમમાં કેમ ઘૂટન? પ્રેમમાં કેમ પીડા? પ્રેમમાં તો છૂટથી મોકળાશ આપવાની હોય. જ્યાં એ મોકળાશને મનથી માણી શકે. જ્યાં આપણો પ્રેમી કે પ્રેમિકા પોતાને ગમતા આકાશમાં વિહરી શકે. આપણે બનાવેલ પિંજરાની બહાર એને ઊડવા દેવાની પરમિશન એને લેવી ન પડે. એ પિંજરામાં એક નાનકડી બારી હોય. ઘૂંટનની સ્થિતિમાં એ બારીમાંથી ગગને
વિહરવાની મજા લઈ શકે. એની આઝાદીને છીનવવાવાળા આપણે શું એને પ્રેમ કરી શકવાના? એના માર્ગમાં અવરોધ બનનારા આપણે શું પ્રેમને સાબિત કરી શકવાના? એની મન:સ્થિતિને ન સમજી શકીને આપણે શું એને ખુશ રાખી શકવાના? કદાચ આપણી થોડી પીછેહઠથી એ શ્ર્વાસ લઈ શકે એમ હોય તો… કદાચ આપણે જતું કરી દેવાથી એ કંઈક વિશેષ પામી શકે એમ હોય તો… એમ પણ બની શકે કદાચ આપણામાંથી મુક્ત કરી દેવાથી એ સઘળું પામી શકે એમ હોય જે આપણા થકી નથી મળ્યું. આપણા ઝૂકી જવાથી, આપણી હાર થવાથી જો એ જીત તરફ એક ડગલું આગળ વધી શકે એમ હોય તો એ હાર સ્વીકારી લેવાની પ્રક્રિયા સાબિત કરે છે આપણો પ્રેમ. કોઈના માટે જીવ આપી દેવો તો બહુ જ સરળ કામ છે, પરંતુ કોઈને મન ભરીને જીવવા દેવા માટે આપણા મનને મારીને પણ એનામાં આપણી જાતને ઓતપ્રોત કરી દેવી. કદાચ આનાથી મપાય છે પ્રેમ.
‘હું જેને પ્રેમ કરું એ મને જ પ્રેમ કરે અથવા તો હું એને આટલો પ્રેમ કરું તો એણે પણ મને આટલો પ્રેમ કરવો જ જોઈએ.’ આ તો એક કરાર કહેવાય, એક પ્રકારની ડીલ. ‘હું જેને પ્રેમ કરું છું એ મને પ્રેમ કરે કે ન કરે એનાથી મને કોઈ ફેર પડવો ન જોઈએ.’, ‘હું જેને પ્રેમ કરું છું એ કોઈ અન્યને પ્રેમ કરે છે તો મને એનાથી કોઈ તકલીફ ન હોવી જોઈએ.’ આ સ્ટેજમાં આવ્યા બાદ ખરેખર જે અનુભૂતિ થાય એ છે પ્રેમનું છેલ્લું અને પરિપક્વ સ્વરૂપ. જ્યાં સામેના પાત્રમાં કોઈ વ્યક્તિ નહિ પણ ઈશ્ર્વરતુલ્ય ભાવ જન્મે છે. જેને ભેટવાનું જ મન નહિ પણ જેના પગમાં પડી જવાનું મન થાય. એને ચૂમવાનું મન થાય. જેના માટે આપણા અસ્તિત્વને ભુલાવી એને ગમતું મેળવવામાં એની હેલ્પ કરવાનું મન થાય. આપણી ઈચ્છાઓને સાઈડમાં રાખી એના ઇચ્છારૂપી અંકુરને ઉછેરવાનું મન થાય.
બસ તો પ્રેમ માપવાનું કોઈ સાધન કે મીટર હોત અને જો એની સ્પર્ધા થતી હોત તો એવી વ્યક્તિઓ એમાં અવ્વલ ક્રમે આવતે જે પોતાના પ્રેમી/પ્રેમિકાને મુક્તિ આપી શકતા હોય. એ મુક્તિ પ્રેમની ય હોય શકે અને પીડાની પણ. એ મુક્તિ સાથની પણ હોય શકે અને સહવાસની પણ. આ મુક્તિ કદાચ પોતાનામાંથી આપવાની થતી હોય તો પણ વિચાર ન કરે. એના પ્રેમમાં કોઈ ફરક જ ન પડે. એમ પણ પાસે રહેવાથી નહીં પણ સાથે રહેવાની પ્રેમ ટકે છે. તો દરેક પરિસ્થિતિમાં સાથ આપનાર પાર્ટનરની મુક્તિમાં આપણો સાથ કેટલો છે એ વિચારી લેવું.
ક્લાઈમેક્સ: તારી ઈચ્છાથી તને યાદ કરતી થઈ ગઈ, આનાથી વિશેષ તો તને કેટલી સાબિતી આપું મારા પ્રેમની?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -