નવી દિલ્હીઃ દેશને વધુ એક લાંબો એક્સપ્રેસ વે મળવા જઈ રહ્યો છે, જે ત્રણ રાજ્યમાંથી પસાર થશે. જો બધી કામગીરી યોજના પ્રમાણે થશે તો દિલ્હીથી તમે તમારી કાર મારફત બીજા દિવસે બપોરના સમયે કોલકાતા પહોંચી જશો. વારાણસી-કોલકાતા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેથી આ શક્ય બનશે. આ એક્સપ્રેસ વે દ્વારા તમે માત્ર 17 કલાકમાં દિલ્હીથી કોલકાતા પહોંચી જશો એવો દાવો કરવામાં આવ્યો છે.
દિલ્હીથી વારાણસીની રોડ માર્ગે મુસાફરી માત્ર 10 કલાકમાં શક્ય બની છે. પૂર્વાંચલ, લખનઊ-આગ્રા અને યમુના એક્સપ્રેસ વેને કારણે આ શક્ય બન્યું છે. વર્ષ 2026 સુધીમાં વારાણસી-કોલકાતા એક્સપ્રેસ વે જમીન પર દોડવા માટે તૈયાર થઈ જશે. એકવાર પૂર્ણ થયા પછી, 690 કિમીનું અંતર ઘટીને 610 કિમી થઈ જશે અને મુસાફરીનો સમય છથી સાત કલાકનો ઘટાડો થશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.
સપ્ટેમ્બર 2021માં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના સચિવના નેતૃત્વમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં વારાણસી-કોલકાતા એક્સપ્રેસવેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ એક્સપ્રેસ-વે દિલ્હી અને કોલકાતા વચ્ચે આવતા મોટા શહેરોને જોડવા માટે લક્ષિત કરવામાં આવ્યો હતો. આ એક્સપ્રેસ વે બિહારના મોહનિયા, રોહતાસ, સાસારામ, ઔરંગાબાદ, ગયા જ્યારે ઝારખંડના ચતરા, હજારીબાગ, રાંચી, બોકારો, ધનબાદ, રામગઢ અને પશ્ચિમ બંગાળના પુરુલિયા, બાંકુરા, પશ્ચિમ મેદિનીપુર, હુગલી અને હાવડામાંથી પસાર થશે.
પ્રસ્તાવિત એક્સપ્રેસ વે માટે વારાણસી નજીક ચંદૌલી ખાતે જમીનના સીમાંકનનું શરુઆતનું કામ કરવામાં આવ્યું છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ આવવાનો બાકી છે. ચંદૌલી ડીએમને આ રિપોર્ટ વહેલી તકે તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં વારાણસીથી કોલકાતા તરફનો મોટાભાગનો ટ્રાફિક નેશનલ હાઈવે-19 (NH-19) (જૂના NH-2) પરથી પસાર થાય છે.
NH-19 એ સુવર્ણ ચતુર્ભુજનો એક ભાગ છે. NH-19નો મોટાભાગનો ભાગ છ લેનનો છે અને તેનો કેટલોક ભાગ ચાર લેનનો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અનુસાર વારાણસી-કોલકાતા એક્સપ્રેસ-વે ચંદૌલી જિલ્લાના વારાણસી રિંગ રોડથી શરૂ થશે અને હાવડા જિલ્લામાં ઉલુબેરિયા નજીક NH-16 સાથે જોડાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દેશમાં કનેક્ટિવિટીનું કામ ખૂબ જ ઝડપથી આગળ ધપાવ્યું છે. સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ વિભાગના મંત્રી નીતિન ગડકરી તેમના કામ માટે ખૂબ જ લોકપ્રિય છે અને મોદી કેબિનેટના સૌથી પ્રશંસનીય પ્રધાનમાંના એક છે. તેમના નેતૃત્વમાં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું દેશમાં રસ્તાઓનું નેટવર્ક બિછાવવાનું સપનું પૂરું થતું જોવા મળે છે. અટલે તેમની સરકારમાં ગોલ્ડન ચતુર્ભુજ યોજના શરૂ કરી હતી, જેને મોદી સરકાર ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે.