શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
તમે ઘણીવાર નેતાઓનાં ભાષણોમાં સાંભળતા હશો કે, ‘આપણો દેશ મજબૂત હોવો જોઈએ!’ હવે આ દેશ ક્યાંથી અને કઈ બાબતમાં મજબૂત હોવો જોઈએ, એ વાતને લઈને કોઈ પાસે કોઇ જ ઠોસ કે વિચાર સ્પષ્ટ નથી… અને ના તો મજબૂત થવાની પ્રક્રિયામાં શું શું કરવું એ પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે જેમ કે, ‘પહેલા શું મજબૂત કરવું પડશે?’ એવું લાગે છે કે બસ, ગમે તે થઈ જાય, બધું જ મજબૂત થવા દો.
પણ, મજબૂત થવાની પ્રક્રિયા દરમિયાન કેટલીક એવી બાબતો જે પરંપરા સાથે મજબૂત રીતે ચાલતી આવી રહી છે, અને એ નબળી પડવા માંડે છે. ત્યારે એક બીજું વાક્ય સાંભળવા મળે છે કે, ‘કમજોર નહીં થાવ!’ આમ જાણ્યા સમજ્યા વગર સાંભળવાનું કે ક્યાં શું થવાનું છે? આપણે તો માત્ર એટલું જાણીએ છીએ કે આપણે નબળા નથી પડવાનું અને મજબૂત થવાનું છે.
ચાલો માની લઈએ કે દેશની તાકાતના સંદર્ભમાં સેનાની મજબૂતી અને આર્થિક મજબૂતી સૌથી જરૂરી છે. પણ દેશમાં અંદર અંદર જે લડાઈઓ ચાલતી રહે છે, એના સંદર્ભમાં ભાષણમાં કહેવામાં આવશે કે- આપણી એકતા મજબૂત હોવી જોઈએ! અથવા તો પછી એવું કે – એકતા માટે સરકાર મજબૂત હોવી જોઈએ! પણ જેવી સરકાર મજબૂત થાય કે બધે ત્રાહિમામ થવા માંડે છે અને આર્થિક ક્ષેત્રના વિકાસમાં ગડબડ થવા માંડે છે. જ્યાં સુધી આર્થિક સ્થિતિ મજબૂત નહીં થાય, સેના કેવી રીતે મજબૂત થશે? અને એ પણ કે સરકારની મજબૂતી લોકશાહીના સ્વભાવ પર આધાર રાખે છે. એટલા માટે પાછું એવું પણ કહેવાય છે કે લોકશાહી મજબૂત હોવી જોઈએ!
સારું છે કે આવું બધું બોલવા કે વિચારવાવાળા લોકો સદભાગ્યે બહુ ઉંડાણથી નથી વિચારતા, નહિંતર તો સૌ પાગલ થઈ જાય કે આ દેશમાં પહેલા શું મજબૂત હોવું જોઈએ? એમાંથી મોટાભાગના નેતાઓ, પોતાના પક્ષને મજબૂત કરવામાં અને પક્ષથી પણ વધારે પોતાની ખુરશીને મજબૂત કરવામાં વ્યસ્ત રહેતા હોય છે. એમના જીવનની ફિલોસોફી જ એ છે કે અમારો પક્ષ ચૂંટણીમાં જીતતો રહે અને અમે અમારા પદ પર ટકી રહીએ તો સમજો બધું મજબૂત છે!
જો આ બધી ચર્ચાઓથી દૂર થવું હોય અને પછી પણ મજબૂતીની વાતો કરવી અને નિવેદનો અપાતા હોય તો ખરેખર તો મુખ્ય વાત એ છે કે તમે એ સવાલ ઉઠાવો કે પહેલાં, કેન્દ્ર મજબૂત હોવું જોઈએ કે રાજ્ય મજબૂત હોવું જોઈએ? વર્ષોથી આ જ ચર્ચા ચાલી રહી છે અને ક્યારેય કોઈ પરિણામ પર રાષ્ટ્ર પહોંચી નથી શક્યું! પણ મજબૂતી પર ચર્ચા , મજબૂતીથી ચાલે રાખે છે. રાષ્ટ્રને મજબૂત કરતાં પહેલાં એ બાબત નક્કી કરવી પડશે કે રાષ્ટ્રનો કયો ભાગ મજબૂત હોવો જોઈએ- કેન્દ્ર કે રાજ્ય?
આ રીતની ચર્ચાનો આગામી વિસ્તાર રાજ્યોમાં થવો જોઈએ કે પહેલાં શું મજબૂત બનાવીએ? રાજ્યનું પાટનગર મજબૂત હોવું જોઈએ કે રાજ્યના જિલ્લા? ભોપાલ મજબૂત હોવું જોઈએ કે રતલામ જિલ્લો? અને તમે જ કહો કે રતલામ મજબૂત કેમ ન હોવું જોઈએ?
એક જીવતા જાગતા,નોર્મલ જીવન જીવનારા માણસને એ સવાલ પૂછવો જોઈએ કે, ‘શું સાહેબ? તમે તમારી ખોપરી મજબૂત રાખવાનું પસંદ કરશો કે હાથ-પગ? કે પછી તમારું દિલ?’ પછી ખબર નથી એ બિચારો શું જવાબ આપશે? જો એ કમજોર શરીરનો હશે તો કહેશે- કંઈ પણ મજબૂત કરી દો ભાઇ, પણ કરી આપો એટલે તમારી મહેરબાની થશે!
એ જ રીતે દેશનો કોઈ પણ સામાન્ય માણસ કહેશે કે કેન્દ્ર, રાજ્ય, લોકશાહી, એકતા, આર્થિક પરિસ્થિતિ, ગમે તેને પણ મજબૂત કરી શકો તો કરો, પણ ઝટ કરો!