Homeઉત્સવનર્મદા પરિક્રમા પથનાં શિવાલયોમાં શિવનો સંસર્ગ અને આધ્યાત્મિક અનુભવ એ જ ખરી...

નર્મદા પરિક્રમા પથનાં શિવાલયોમાં શિવનો સંસર્ગ અને આધ્યાત્મિક અનુભવ એ જ ખરી યાત્રા

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

ક્યારેક કુદરતી સંકેત મળતા હોય છે અને કુદરત જ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે તમે કોઈ એવા રસ્તા પર ચાલી નીકળો જે ખરેખર તમારા માટે જ સર્જાયો હોય છે. મને નર્મદા પરિક્રમા કરવાની ઇચ્છા ત્યારથી હતી જ્યારથી રેવા સાથે જોડાવાના સંજોગ બન્યા. અનાયાસે જ રેવા સાથે જોડાવાનો મોકો મળ્યો અને રેવા જીવનનો ખૂબ જ મહત્વનો હિસ્સો બની ગઈ. દરેક વ્યક્તિ સાથે આવી કોઈ ને કોઈ ઘટના તો બનતી જ હોય છે જેમાં કુદરતનો સંકેત હોય. પરિક્રમા કરવાનો સંકલ્પ પણ આ રીતે જ બન્યો. કોઈ ખાસ નિયમ, માનતા કે જિજ્ઞાસાને પકડીને નહીં પણ બસ મને પરિક્રમા કરવી જ છે એવી તીવ્ર ઈચ્છા થઈ એટલે સમય, ચાતુર્માસ કે સુરક્ષા જેવા કોઈ પણ કારણને કાને ધર્યા વિના નીકળી પડયો. રેવાનાં કારણે જ શિવનાં વિવિધ શિવાલયોમાં રહેવાનાં કે જોવાનાં સંજોગો ઘડાતા ગયા અને આપોઆપ શિવ સાથે વધુ પરિચય કેળવાયો. નદી કિનારાનો માર્ગ સામાન્ય રીતે અંતરિયાળ ગામડાઓમાંથી પસાર થતો હોય અને ત્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે અને પ્રકૃતિનાં સાનિધ્યમાં ગામને છેવાડે શિવજી બિરાજેલા જ હોય અને એ જ તમારો આશરો એટલે અનાયાસે પણ શિવજી સાથે તમારો પરિચય થયા વિના ના રહે. પરિક્રમા દરમ્યાન આવા સ્થાનક પર આરામ કરવાની અનુભૂતિ પળવારમાં થાક ક્યાં ખંખેરી નાંખે એ પણ ન સમજાય. પહેલાના સમયમાં દરેક ગામના ચોરે એક મંદિર હોતું, પાદરમાં એક શિવાલય અને ગામની બહાર એક મઢી. નર્મદા પરિક્રમા પથમાં આવા અઢળક શિવાલયો, પ્રાચીન શિવ સ્થાનકો વગેરે આવે છે પણ અમુક સ્થાનકો હૃદયને સ્પર્શી ગયા અને જગ્યા છોડવાનું મન ન થાય એવા હતા, એવા સ્થાનકો વિષે અહીં ચર્ચા કરીશું.
હાફેશ્વર મહાદેવ – ગુજરાત- મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ત્રણે રાજ્યોમાં વહેતી નર્મદાના ઘાટ પર પહાડોની ઘાટી વચ્ચે અદ્ભૂત શિવાલય છે. ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાનાં કાવંત નજીક આવેલ આ સ્થળ નર્મદાનાં ડૂબક્ષેત્રમાં હોઈ નદી કિનારે નવું મંદિર બનાવવામાં આવ્યું છે પણ જૂનું મંદિર ક્યારેક ક્યારેક પાણીની સપાટી ઓછી થતા દેખાય છે અથવા તો નાવ લઈને મંદિરને જળમગ્ન જોઈ શકાય છે. છેલ્લે ૨૦૧૮માં હાફેશ્ર્વરનું શિવાલય અર્ધું બહાર આવ્યું હતું. મંદિરની ધજા જળસપાટી પર જોઈ શકાય છે. અહીં ભોજન માટે ભંડારો અને યાત્રિકોને રહેવા માટે સુવિધા મંદિર દ્વારા જ કરવામાં આવે છે. ચોતરફ વનરાજી અને નર્મદા નદીના ઊંડા પ્રવાહને માણવો હોય તો આ સ્થળ શ્રેષ્ઠ કહી શકાય.
કોટેશ્વર મહાદેવ – કોટેશ્વર ઘાટ મધ્ય પ્રદેશનાં ધાર જિલ્લામાં નર્મદાનાં ડૂબી ક્ષેત્રમાં આવેલ રમણીય સ્થાનક છે જ્યાં ખૂબ જ વિશાળ પટમાં નર્મદા મુક્તમને વહેતી જોવા મળે છે અને અહીં નર્મદાનો રવ પણ સાંભળવા મળે છે. વિંધ્યાચળ પર્વતમાળાની ગોદમાં વસેલું કોટેશ્ર્વર કુદરતના અસીમ વહાલ વચ્ચે લીલોતરીથી સતત છવાયેલું રહે છે. મહાભારત કાળથી જાણીતું આ શિવાલય મહાદેવની હાજરીનો દિવ્ય અનુભવ કરાવે છે. સામાન્ય રીતે આ મંદિર નર્મદાના ડૂબક્ષેત્રમાં હોઈ ચોમાસા દરમ્યાન જળમગ્ન રહે છે એટલે આસોપાસના વિશાળ વૃક્ષો પણ પાણીની સપાટીની નીચે ગરકાવ થઇ જાય છે. અહીં દગડું મહારાજની અખંડ રામધૂન વાતાવરણને દિવ્ય બનાવે છે. જૂના કોટેશ્વરથી થોડે દૂર નવું કોટેશ્વર નગર વસાવવામાં આવ્યું છે. અહીંનું નર્મદા જળ એટલું શુદ્ધ છે કે માછલીઓને સ્પષ્ટ રીતે જોઈ શકાય. શ્રાવણ માસ દરમ્યાન અહીં પાર્થિવ શિવલિંગનું પૂજન વૈદિક મંત્રોચાર સાથે કરવામાં આવે છે. “રેવા – આ એક શબ્દ વંચાય કે તરત મનમાં ક્યાંક એનો મધુર રવ સંભળાય, સ્મૃતિપટમાં વમળો લેતી, પહાડો કૂદતી, પથ્થરોની શિલાઓ સાથે અફળાતી અને સાવ શાંત અને પહોળા પટમાં જરાક પણ અવાજ વિના વહેતી એવા તમામ અલગ અલગ રૂપો નજર સમક્ષ તરવરવા લાગે. ભાગ્યે જ કોઈ હશે કે જેના મનમાં આ નિર્મળ ધારા નહિ વહેતી હોય. નર્મદા ભારતના દરેક જનોને જાણેઅજાણે સ્પર્શે છે અને નિરંતર વહે પણ છે. રેવાની પરિક્રમા દરમ્યાન નિર્જન કોટેશ્ર્વર ઘાટ પર બેસીને સામે કિનારે આવેલ રાજઘાટને નિહાળતાં નિહાળતાં નર્મદાનું વ્હાલપ માણ્યું ત્યારે સહજતાથી સમજાયું કે નર્મદા આ દેશનાં જ પુણ્યશાળી જનોની તપશ્ર્ચર્યા અને સારા કર્મોનું ફળ છે જે આપણા જેવા ભાગ્યશાળી જનોને સહજ રીતે મળે છે અને એના કિનારે ચાલનારા લોકોના મનમાં પણ એ જ સહજતા અને શ્રેષ્ઠ વ્યક્તિત્વના તમામ ગુણોની સરવાણી એ જ વહેતી કરે છે.
નીલકંઠ મહાદેવ માંડવગઢ – માંડવગઢની ખૂબસૂરતી, અહીંની ભવ્ય બાંધકામની શૈલી અને અહીંનું કુદરતી નયનરમ્ય વાતાવરણ જ અહીંની મુલાકાતને યાદગાર બનાવે છે, માંડવગઢમાં પ્રવેશતા જ ભવ્ય નીલકંઠ મંદિર જાણે તમારું સ્વાગત કરવા માટે તત્પર હોય છે. ૧૬મી સદીમાં બનેલું નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલા શિવલિંગ પર પથ્થરોમાંથી સતત વહેતી કુદરતી ધારા અભિષેક કરે છે. વિવિધ રાજાઓ, સુલતાન વગેરેઓએ મંદિરમાં વિવિધ શૈલીથી ફેરફાર કરાવ્યો હોય હિન્દુ અને મુઘલ સ્થાપત્યની ઝલક આ મંદિરમાં જોવા મળે છે. મંદિરની નજીક પર્વતમાળા પરથી સૂર્યાસ્તનું દ્રશ્ય મનને તૃપ્ત કરે એવું અદ્ભુત દેખાય છે.
સિદ્ધનાથ મહાદેવ, નિમાવર – ભારતીય પુરાતત્ત્વ વિભાગની દેખરેખ હેઠળ આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર દેવાસ જીલ્લાના નિમાવર ખાતે આવેલ છે. બ્રહ્માજીનાં માનસ પુત્ર દ્વારા સત્યુગમાં સ્થાપિત આ મંદિર નર્મદા ઘાટ પર આવેલા હિંદુઓનું મુખ્ય આસ્થા કેન્દ્ર છે. અસંખ્ય દેવી દેવતાઓના કંડારીને બનેલા શિલ્પોથી બનેલા આ મંદિર સાથે મહાભારતની કથાઓ પણ જોડાયેલી છે. અહીં પાંડવો દ્વારા અડધું બનેલું મંદિર પણ આવેલ છે. દેવોના દેવ મહાદેવનો પ્રથમ શૃંગાર ચિતાની છેલ્લી ભસ્મથી થાય છે. આ શૃંગારને રેવાને તીરે દર્શન કરવાનો લહાવો મળે એ પણ સદીઓ પુરાણા શિવાલયમાં એટલે જાણે શિવ જાતે જ કૃપા વરસાવે છે એવો અનુભવ થાય. વહેલી સવારે અહીં ભસ્મ આરતીનો લહાવો અને નર્મદા સ્નાનનો લહાવો પણ લઇ શકાય છે. અહીં વિવિધ આશ્રમો અને સંસ્થાઓ છે જ્યાં રહેવાખાવાની સુવિધાઓ વિનામૂલ્યે મળી રહે છે.
સહસ્ત્રાધારા, મહેશ્ર્વર – શિવ અને શિવ આત્મજા રેવાના સંસર્ગમાં એના ખળ ખળ વહેતાં નીરને દિવસે મન ભરીને નિહાળ્યું અને રાત્રે મન ભરીને સાંભળ્યું ત્યારે સમગ્ર સૃષ્ટિ જાણે રેવા સામે નતમસ્તક હોય એવી અનુભૂતિ થાય એવું આ સ્થળ એટલે સહસ્ત્રાધારા. અહીં નર્મદાની વહેતી અનેક ધારાઓ વચ્ચે શિવ વિરાજમાન છે એટલે રાત્રી દરમ્યાન રેવાનાં નીરને સાંભળતા સાંભળતા આકાશના વિશાળ તારોડિયાના ભંડારના દર્શન નરી આંખે કરી શકાય. ઘુવડનો સતત ભય પ્રેરતો અવાજ, તમરાઓ અને દેડકાઓનો રાત્રિની નિરવ શાંતિ સાથે તાલ મિલાવવા પ્રયત્ન કરતી સતત ધૂન, પોતાના જ પગરવથી પણ હૃદયના ધબકારાઓની ગતિ પળવારમાં વધી જાય. ક્યારેય ન ગયા હોય અને આસપાસમાં કોઈ જ વ્યક્તિની હાજરી ન હોય, ઊંડા પાણીમાં કિનારેથી સચેત થઈને અચાનક જ કૂદકો લગાવી રહેલા જળચર જીવો અને અગોચર વિશ્ર્વની સતત વહેતી રહેતી ધૂન એક ભયાવહ વાતાવરણનું સર્જન કરે. રાત પડતા જ વૃશ્ર્ચિકની પૂંછડીમાંથી તેજસ્વી ધનુંએ આકાશ અને મારી આંખો ચમકાવી.
હું બસ સ્તબ્ધતાના આરે આવીને ઊભો રહ્યો અને રેવા સામે નિ:શબ્દ થઈને તાકી રહ્યો.
શિવ અને રેવા, ખરેખર સમર્પણ છે મારું સંપૂર્ણ તને, તું જ્યાં હોય ત્યાં ડર શુ હોય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -